Homeમેટિનીકેટલાક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે, ગમે તેટલી સજાવટ કરો, ક્યારેય...

કેટલાક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે, ગમે તેટલી સજાવટ કરો, ક્યારેય એ ઘર આપણું નથી બનતું

અરવિંદ વેકરિયા

અંતે જી.આર. ભવન્સ ખાતે શરૂ કરી દીધું. નિર્માતા દીપકભાઈ બંને દિવસ સાંજે હાજરી આપવાના હતા. આ જાણ મને ઘનશ્યામભાઈએ કરી. મેં બધા કલાકારોને બપોરે ૧૨ વાગે બોલાવ્યા. થિયેટર તો સવારે ૯થી મળવાનું હતું. સેટ લગાડવાનો, લાઈટ્સ લગાડવાની, એમાં સમય જવાનો હતો. મ્યુઝિક તો રાજેશ મહેતાએ સ્ટોકમાંથી સિલેક્ટ કરી રેડિયોવાણીમાં કરી લીધું હતું. એમની જવાબદારી મેં સંપૂર્ણ રીતે એમના પર છોડી દીધી હતી. કલાકારોને ડાયલોગ્સ મોઢે કરી ૧૨ વાગે બોલાવેલા. જોકે આ માત્ર એક ફોર્માલિટી હતી. દરેકને પોતાની જવાબદારી ખબર જ હોય છે. હા, દેવયાનીબહેન જવાબદારીથી અજાણ હોય એવું લાગતું. કેટલાક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે, ગમે તેટલી સજાવટ કરો ક્યારેય એ ઘર આપણું નથી બનતું. દેવયાનીબહેન માટે મારે એવું જ હતું કદાચ, પણ મારું ત્રીજું નાટક એ હુંકાર મને દોડાવતો રહેતો. મોટાં સપનાં જોવાં હોય તો મુશ્કેલી પણ મોટી જ પાર કરવી પડેને? બાકી દુ:ખની નદી પાર કરવાનો ડર લાગતો હોય તો સુખના સાગર તરવાનું સપનું ન જોવું જોઈએ, ખેર!
બધા આવી ગયા. જે જમીને નહોતા આવ્યા એ બધા જમ્યા. પછી રિહર્સલ શરૂ કર્યાં. ફરી એ જ… દેવયાનીબહેન ડાયલોગ્સમાં લબડતાં રહ્યાં. હું તરત ઘનશ્યામભાઈ સામે નજર મેળવતો. એ ભગવાનના માણસ, આંગળી ઉપર દેખાડી કહેતા, ચિંતા ન કર દાદુ, ઈશ્ર્વર સૌ સારાં વાનાં કરશે. એમનું આ વાક્ય મારા આવતા ગુસ્સાને ઠંડો પાડી દેતું. ક્યારેક ક્યારેક આપણે દોરો એટલો કમજોર પસંદ કરી લઈએ છીએ કે બધો સમય ગાંઠ મારવામાં જ નીકળતો જાય છે. દેવયાનીબહેનના સંવાદો પર ફોકસ કરવામાં બીજા કલાકારો પર મારાથી ધ્યાન અપાતું જ નહોતું. દિગ્દર્શક તરીકે મારો બચાવ નથી કરતો, પણ મારી અંદરની એક કોઈ શક્તિ નાટકના એ મુખ્ય પાત્રને ઠીક કરવા મને હુકમ કરતી હતી.
પહેલું જી.આર. લગભગ રાત્રે ૮ વાગે પૂરું થયું. પછી ડિનર બ્રેક લીધો. આખા રિહર્સલ દરમ્યાન દેવયાનીબહેન સિવાય કોઈને કહેવા જેવું લાગ્યું નહિ. બીજા કલાકારોની નાની ભૂલો હતી, પણ માની મુખ્ય ભૂમિકામાં દેવયાનીબહેને મને પાણી લાવી દીધાં. એક ફિલોસોફી મને યાદ આવી ગઈ કે ફિકરમાં રહેશો તો ખુદ બળશો, બેફિકર રહેશો તો દુનિયા બળશે, પણ હું બળતો રહ્યો મારી નિષ્ઠાને લીધે. કોઈએ મારા પર મૂકેલા વિશ્ર્વાસને લીધે.
બધા ભાજી-પાંઉનો નાસ્તો કરવા બેઠા. મારી જરા પણ રુચિ નહોતી. એ સમયે પણ દેવયાનીબહેન કોઈને ફોન ફૂંકવા બહાર ચાલ્યાં ગયાં હતાં. બધાએ જમી લીધું ત્યાં સુધી દેવયાનીબહેન હજી આવ્યાં નહોતાં. મેં ઘનશ્યામભાઈને પૂછ્યું, ‘આ કેમ ચાલે?’ હજી આગળ કોઈ વાત વધારું ત્યાં સોરી સોરી કહેતાં એ આવ્યાં અને જાણે અમારી ભૂલ હોય એમ કહ્યું, ‘કમાલ છે, બધાએ જમી લીધું, મારી રાહ પણ ન જોઈ?’ આવું બોલી ત્રાગાં શરૂ કર્યાં. મારી અંદરનો લાવા પુરજોશમાં બહાર નીકળ્યો. મેં બધા વચ્ચે ખૂબ કહ્યું. એક કલાકારની શું ફરજ હોય છે એ પણ સમજાવ્યું. એ સહન ન કરી શક્યાં. રિસાઈને એક ખૂણામાં બેસી ગયાં. હવે હું કહું ત્યારે જ રિહર્સલ શરૂ કરજો એવું તીર પણ છોડ્યું. નાટકનું મુખ્ય પાત્ર જો ખૂણામાં બેસી જાય તો બીજા સાથી કલાકારો પણ ખૂણો પાળવા સિવાય બીજું શું કરી શકે? લોકોને પરિણામથી મતલબ હોય છે, પ્રયાસથી નહિ. વિટંબણા એ છે કે આપણા હાથમાં પ્રયાસ છે, પરિણામ નહિ. મારા નાટકને સારું બનાવવાના પૂરા પ્રયાસ હતા, પણ સોનાની થાળીમાં લાગેલી લોઢાની એક મેખ મને પરિણામ માટે સંશય ઊભો કરતી હતી.
ત્યાં જ ઘનશ્યામભાઈ મારી પાસે આવ્યા. મને કહે કે ‘તું દેવયાનીબહેનને સોરી કહી દે તો એ જમી લે એટલે આપણે રિહર્સલ શરૂ કરી શકીએ.’ આ વાત સાંભળીને હું તો હેબતાઈ જ ગયો. હા, મારી કોઈ ભૂલ થઈ હોય તો હું સત્તર વાર એમને પગે પડું, પરંતુ ભૂલ એમની અને સોરી મારે કહેવાનું? મને કહે, ‘તે મારે માટે જ આટલી ઝડપે નાટક તૈયાર કરવાનું બીડું ઝડપ્યું છે, હું જાણું છું કે આમાં તારો કોઈ વાંક નથી.
ડિરેક્ટર તરીકે અને નિર્માતાને ધ્યાનમાં રાખી તું જે બોલ્યો એ બરાબર છે, પણ હવે જ્યારે નાવડી કિનારે આવી છે અને તારા ‘સોરી’ કહેવાથી કિનારે લાંગરી જતી હોય તો ‘સોરી’ કહેવામાં કશું ખોટું નથી એવું મારું માનવું છે… પ્લીઝ…’
હું ક-મને ઊભો થયો. દેવયાનીબહેન પાસે જઈ એમના ખભે હાથ મૂકી કહ્યું, ‘સોરી! જરા વધુ બોલાઈ ગયું. મારી પરિસ્થિતિ જરા સમજો અને આપ્યો છે એવો જ પ્રેમભર્યો સહકાર આપતાં રહો.’ ( આ ઘનશ્યામભાઈનું માન રાખવા જ બોલ્યો.)
‘થોડું જમી લો પછી તમે કહો ત્યારે રિહર્સલ શરૂ કરીશું અને જો થાકી ગયાં હો તો કાલે કરીશું. તમે જેમાં રાજી!’ મેં મરચા પર નાછૂટકે ગોળ લગાડ્યો.
અસર થઈ… મને કહે, ‘ના… ના… દાદુ, આપણી પાસે હવે સમય જ ક્યાં છે? તમે કહો છો તો થોડું ખાઈ લઉં છું, પછી તરત રિહર્સલ શરૂ કરી દઈએ.’ આટલું કહી એ ગ્રીન રૂમમાં ભાજી-પાંઉ ખાવા ગયાં.
ઘનશ્યામભાઈ હળવેથી મારી બાજુમાં આવ્યા. મારે ખભે હાથ મૂકી મને કહે કે ‘દાદુ, એક સારી વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનું અને સામેવાળાના અસ્તિત્વનું હંમેશાં માન જાળવી રાખે છે.’ એમણે ભલે કદાચ મને સારું લગાડવા કહ્યું, પણ મારું મન તો ખાટું થઈ જ ગયું હતું. (ક્રમશ:)ઉ
***
જો ખાધી નહિ હોય ઠોકર,
તો મંઝિલનું મહત્ત્વ કેમ સમજાશે?
જો ન મળ્યા હોય ખોટા લોકો જીવનમાં,
તો સાચાનું મહત્ત્વ કેમ સમજાશે?
***
ડબ્બલ રીચાર્જ
અબળા અને સબળા…
પહેલાં મહિલાઓને અબલા એટલે કહેવાતી કે ઘર-ખર્ચ માટે પૈસા ખલાસ થાય કે પતિને કહેતી…
અબ લા…
આજે મહિલાઓ પતિનો પગાર આવતાં કહે છે…
સબ લા…

RELATED ARTICLES

Most Popular