કેટલીક આધુનિક બોધકથાઓ!

ઉત્સવ

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

આમ તો દરેક પુરાણો આપણને ઘણું જ્ઞાન આપે છે પણ વ્યંગકાર શરદ જોશીએ, પુરાણનાં પાત્રો અને પ્રસંગોને નવી રીતે જોઇને વ્યંગના ચટકાઓ સાથે આપણને ફરી વિચારવાની તક આપી છે.
જેમ કે, પેશ છે કેટલાંક કાલ્પનિક પ્રસંગો:
૧- સપનું અને વાસ્તવિકતા
સપનામાં આખું રાજપાઠ દાન કરાવી, વિશ્ર્વામિત્ર બીજા દિવસે સવારે વારાણસી આવી પડ્યા અને સીધા હરિશ્ર્ચંદ્રના ઘરે દોડ્યા. હરિશ્ર્ચંદ્ર ત્યારે ઘરની બહાર ઊભા ઊભા બ્રશ (દાતણ) કરતા હતા. વિશ્ર્વામિત્રને જોઈને હરિશ્ર્ચંદ્ર વિચારવા લાગ્યા કે, “આ બૂઢ્ઢાને ચોક્કસ ક્યાંક જોયો છે!
“લાવ મારી દક્ષિણા!- વિશ્ર્વામિત્રએ હાથ લંબાવ્યો- “કાલે સપનામાં તે મને તારું આખું રાજપાઠ દાનમાં આપ્યું છે. હવે હું એની દક્ષિણા લેવા આવ્યો છું.
હરિશ્ર્ચંદ્રએ એમને માથાથી પગ સુધી જોયા અને કહ્યું- “બાબા, દક્ષિણા પણ સપનામાં આવીને લઈ લેજો. અને બીજી બાજુ મોં કરીને બ્રશ (દાતણ) કરવા લાગ્યા.
૨ – જીવવાની ઈચ્છા
ભીષ્મ પિતામહના રૂમમાંથી ડોક્ટર જ્યારે બહાર નીકળ્યા, ત્યારે ખાંસતા, લાકડીના ટેકે ઊભેલા, કૌરવો અને પાંડવોએ એને ઘેરી લીધો.
“પિતામહની તબિયત કેવી છે? બધાએ પૂછ્યું.
“એની એ જ જૂની ફરિયાદ. ડોક્ટરે જવાબ આપ્યો- “સાલો કમરમાં દુ:ખાવો રહે છે, અશક્તિ લાગે છે. એ કહેતા હતા કે, યાર ડોક્ટર, કંઈક એવું આપો જેનાથી જીવનમાં થોડી મજા આવે. હજી તો લાંબું જીવવાનું છે. કેમ ન થોડી મજા કરી લઈએ.
૩- બદલાતા મૂલ્યો
રોજગાર ઓફિસમાં અધિકારીએ ભીમને પૂછ્યું- “તું શું કામ જાણે છે?
“ગદા સારી ચલાવી લઉં છું- ભીમે કહ્યું.
“કોઈ બીજું કામ આવડે છે?
ભીમ થોડો સમય વિચારતો રહ્યો, પછી કહ્યું- “હું ખાવાનું બનાવી લઉં છું.
“તો એવું કહો ને! ગદા ચલાવવી એ કોઈ કામ છે!- અધિકારીએ નોંધ લખતા કહ્યું.
૪ – કર્તવ્યબોધ
બપોરના અઢી વાગ્યા હતા.
અભિમન્યુએ ધીમેથી ઘરનો દરવાજો ખખડાવ્યો. ઉત્તરાએ દરવાજો ખોલ્યો.
“હાય, તું આ સમયે અહીંયા ક્યાંથી? તારે તો હમણાં ચક્રવ્યુહમાં ફસાયેલા હોવું જોઈએ! ઉત્તરા એને જોઈને આશ્ર્ચર્યથી કહ્યું. અભિમન્યુએ આંખ મારી અને ધીમેથી કહ્યું- “હું ગુટલી મારીને જ આવ્યો છું.
૫ – પ્રગતિનાં તબક્કાઓ
રાજા ભરતે પોતાના રાજ્યનો એન્યુઅલ રિપોર્ટ વાંચતા કહ્યું – “જેમ કે અમારો લક્ષ્ય હતો કે દેશમાં દૂધ અને દહીંની નદીઓ વહેવા માંડે, એ ચાલુ વર્ષમાં પૂરો થઈ ગયો છે અને તમે જોયું જ હશે કે દેશમાં દૂધ અને દહીંની નદીઓ વહેતી હતી. પણ આ દરમિયાન વચ્ચે દેશને એક મોટી આફતનો સામનો કરવો પડ્યો, કે જેમાં દૂધ અને દહીંની આ નદીઓ કોઈ ટેકનિકલ ભૂલને કારણે આગળ જઈને એકબીજાને આપસ મળી ગઈ છે. પરિણામ એ આવ્યું કે દહીંમાં ભળવાથી દૂધની નદી પણ જામી ગઈ અને ફાટી જવાના કારણે દૂધ પણ પીવાને લાયક રહ્યું નથી. હવે અમારી સામે સમસ્યા છે કે આ ખરાબ દહીંને, જેની દુર્ગંધને કારણે જનતાને બહુ તકલીફ થઈ રહી છે, એટલે એને કેવી રીતે સાફ કરાવી શકાય? અમે આ કામ માટે વિદેશ પાસે મદદ માંગી છે.
૬ – સ્વજનોમાંયે અજણ્યા અમે
જ્યારે પાંડવો એમનો અંતિમ સમય, સંસાર છોડીને હિમાલયમાં ગાળવા માટે ગયા, ત્યારે એક કૂતરો પણ એમની સાથે સાથે ગયો.
“તું કોનો કૂતરો છે અને અમારી પાછળ પાછળ કેમ આવે છે?- પાંડવોએ એને પૂછ્યું.
“હું એકલો જ છું. હું કોઈનો નથી. એક મહાભારતનું યુદ્ધ , અમારા કૂતરાઓમાં પણ થયું હતું. એ પછી હું જ જીવતો બાકી રહ્યો છું, એટલે બાકીનું જીવન સંસાર ત્યાગીને હિમાલય ગાળવા જઈ રહ્યો છું.૩
“તારી સાથે તારી કૂતરી નહીં આવી?- દ્રૌપદીએ પૂછ્યું.
“એની પાછળ જ તો આખી લડાઈ થઈ હતી. હવે એને સાથે લાવીને શું હું એક બીજું મહાભારત કરાવું?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.