આજે સ્વરકોકીલા લતા મંગેશકરની પહેલી મરણતિથિ છે. પોતાના સુમધુર સ્વરથી તે કરોડો ચાહકોના હૃદય પર આજે પણ રાજ કરે છે. લત્તા મંગેશકરના જીવન વિશે ઘણું લખાયું છે ત્યારે આજે અમે તમને કંઈક એવું જણાવશું જે લોકોની જાણમાં બહુ ઓછું આવ્યું છે. તેમણે અમુક ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે.
1. પોતાના અમેરિકા ખાતેના વેકેશન સમયે તેઓ લાસ વેગાસમાં રાતભર જાગીને એક ગેમ રમતા હતા. જે ગેમનું નામ છે સ્લોટ. સ્લોટ મશીન પર રમાતી આ ગેમમાં નસીબજોગે ક્યારેક જીત્યા હોવાનું તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપનીને ઈન્ટરવ્યુ આપતા તેમણે જણાવ્યું હતું કે હું ક્યારેય કાર્ડ કે અન્ય કોઈ આ પ્રકારની ગેમ રમતી નથી, પણ સ્લોટ મશીન પર રમવાનું મને ખૂબ ગમતું.
2. ગૃહિણીઓને રસોઈથી કંટાળો આવે તે સ્વાભાવિક છે, પરંતુ લત્તાદીદીને હળવા થવા માટે રસોઈ કરવી ગમતી અને વીડિયો કેસેટમાં રેકોર્ડ થયેલી ટેસ્ટ મેચ તેઓ જોતા અને રિલેક્સ થતા. લતાદીદીનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે.
3. આપણે ભલે તેમના ગીત વિના લગભગ એક દિવસ પણ પસાર ન કરતા હોઈએ, પરંતુ તેઓ કહેતા કે હું ક્યારેય મારા ગીત નથી સાંભળતી. કારણ કે મને તેમાં ઘણી ખામીઓ જણાઈ છે.
4. લત્તાદીદી લક્ઝુરિયસ કારના બહુ શોખિન હતા. તેમની પાસે મર્સિડિઝ બેન્ઝ, મર્સિડિઝ, શેવર્લોટ, હીલમેન એવી ઘણી કાર છે અને તેમના ઘરમાં નવ પાલતું પ્રાણી છે.