નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સિતારામને સોમવારે લોકસભામાં વિપક્ષ અને સાંસદોને આડે હાથે લેતા કહ્યું હતું કે જ્યારે ભારતીય અર્થતંત્ર વિકાસ કરી રહ્યું છે ત્યારે તેની ઈર્ષા કરવી જોઈએ નહીં. તેની મજાક પણ કરવી જોઈએ નહીં, પરંતુ ગૌરવ લેવું જોઈએ. સંસદમાં પ્રશ્નકાળ દરમિમયાન તેમણે કહ્યું હતું કે 2014થી પૂર્વે પણ રુપિયો આઈસીયુ (ઈન્ટનેસિવ કેર યુનિટ)માં નહોતો, પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થા આઈસીયુમાં હતી.
કોંગ્રેસના સાંસદ એ. રેવંત રેડ્ડીએ પ્રશ્નકાળ દરિમયાન ડોલરની તુલનામાં રુપિયાના અવમૂલ્ય સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જૂના નિવેદનને ટાંકીને સવાલ કર્યો હતો કે આજે રુપિયો 83ને પાર કરી રહ્યો છે ત્યારે સરકારે તેને આઈસીયુમાંથી બહાર કાઢવામાં માટે શું કરી રહી છે.
આ સવાલનો જવાબ આપતા નાણાં પ્રધાને કહ્યું હતું કે વડા પ્રધાનજી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના નિવદેન પર સવાલ પૂછી રહ્યા છે. જો સાંસદ એ વખતની અર્થવ્યવસ્થાની બીજી બાબતોની યાદ અપાવી હોત તો ઠીક હોત. એ વખતે તો સમગ્ર અર્થવ્યવસ્થા આઈસીયુમાં હતી. ફક્ત રુપિયો આઈસીયુમાં નહોતો.એ વખતે તો ભારતની અર્થવ્યવસ્થા પાંચ સૌથી નબળી અર્થવ્યવસ્થામાં હતી અને એ વખતે વિદેશી મુદ્રા ભંડાર સૌથી નીચે હતું. કોવિડ અને રશિયા-યુક્રેનના યુદ્ધના વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ઝડપથી અર્થવ્યવસ્થામાં સામેલ છે, એવું તેમણે જણાવ્યું હતું.