કવર સ્ટોરી-ગીતા માણેક
૨૦૨૧માં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મુંબઈમાં ૨૯૧ સ્થાન એવા છે જ્યાં ટેકરીઓ ધસી પડવાની ઘટના સંભવી શકે છે. આમાંની ૧૫૨ તો ભાડુંપમાં જ છે. આ સિવાય નવી મુંબઈ, ખારઘર અને પારસિક હિલ્સમાં પણ આનું જોખમ છે એવું પર્યાવરણશાસ્ત્રીઓ ચીપિયો પછાડી-પછાડીને કહી રહ્યા છે.
તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે આવેલા જોશીમઠમાં જમીન ધસી પડવાની અને ઈમારતોમાં તિરાડો પડવાની ઘટનાથી સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને કામે લાગી ગયું છે પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થશે એવું પર્યાવરણશાસ્ત્રીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓ ઘણા વખતથી કહી રહ્યા હતા. ૧૯૭૬ અને ૨૦૨૧માં વૈજ્ઞાનિકોની બે અલગ-અલગ સમિતિઓએ આ વિસ્તારમાં જે રીતે બાંધકામ અને વૃક્ષોની કતલ થઈ રહી હતી તેમ જ ઢળાણ પર ખેતીકામ થઈ રહ્યું હતું એના પરિણામો અંગે સરકારને ચેતવણી આપી હતી. ૨૦૨૧ની સાલમાં તો ભૂસ્તરશાસ્ત્રીઓએ સૂચન કર્યું હતું કે તાત્કાલિક ધોરણે લોકોનું સ્થળાંતર કરવું જોઈએ પણ સત્તાના આટાપાટા ખેલવામાં વ્યસ્ત રાજકારણીઓ કે મોટાભાગના અધિકારીઓ ગોદડું ઓઢીને ઊંઘતા રહ્યા હતા. સતત ચેતવણીઓ આપવા છતાં એ બધી જ વાતો સરકારના બહેરા કાન પર અથડાઈને પાછી ફરી રહી હતી. હવે જ્યારે વૈજ્ઞાનિકોની આ આગાહી સાચી પડી રહી છે ત્યારે છેક સરકાર અને તંત્ર દોડધામ કરવા માંડ્યું છે.
કંઈક આવા જ પ્રકારની ચેતવણીઓ એનજીઓ નેટકનેક્ટ ફાઉન્ડેશનના પર્યાવરણશાસ્ત્રી બી.એન. કુમાર મુંબઈ માટે આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે સ્થાનીય મહાપાલિકાઓ અને સરકાર આ ચેતવણીઓની અવગણના કરશે તો મુંબઈ અને એની આસપાસના શહેરોનું પણ જોશી મઠ થઈ શકે છે એવું આ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે.
આઈઆઈટી બોમ્બેના સિવિલ એન્જિન્યરીંગ ડિપાર્ટમેન્ટે ૨૬ ડિસેમ્બર ૨૦૨૨ના પારસિક હિલ્સ ખાતે જોખમ સંભવી શકે છે એ મતલબનો રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટ મુજબ આ પરિસરનો મોટો ભાગ અસ્થિર છે અને ટેકરી પર બાંધકામ કરવું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ અનુસાર નથી.
પર્યાવરણશાસ્ત્રી બી. કુમાર અનુસાર પારસિક હિલના ઢોળાવ પર ગેરકાયદેસર ઝુંપડપટ્ટી આવી ગઈ છે જે નવી મુંબઈ પોલીસ કમિશ્નર બંગલાની બરાબર પાછળ છે. જો ભૂસ્ખલન થાય તો આ બધા ઝુંપડાંઓ જોખમમાં આવી જશે. પરંતુ વોટ બેન્કનું રાજકારણ ખેલાઈ રહ્યું હોય ત્યાં આવી બધી બાબતોને ઘોળીને પી જવામાં આવે છે.
ખારઘર ટેકરીઓ જે ૨૦૦ હેક્ટરમાં ફેલાયેલી છે તેની હાલત પણ કંઈક આવી જ છે. છેલ્લા થોડાક વર્ષોમાં આ પરિસરનો પણ આડેધડ ઉપયોગ થયો છે. ગયા વર્ષે ખારઘર હિલની ટેકરીઓ પર ૧૦૬.૦૫ હેક્ટર એટલે કે લગભગ દસ આઝાદ મેદાનની સાઇઝના પ્લોટ પર રિઅલ એસ્ટેટ ડેવલ્પમેન્ટ કરવાનો સિડકોનો પ્લાન હતો. જેનો પર્યાવરણશાસ્ત્રીઓએ વિરોધ કર્યો હતો.
આ વિસ્તારમાં આજે પણ ગોલ્ફના મેદાનને વિસ્તારવા માટે ખોદકામ ચાલુ હોવાનું જોવા મળે છે. અગાઉ આ ટેકરી ગામડાંના લોકોના પશુઓને ચરવા માટે વપરાતી હતી, પણ હવે તેમને ત્યાં આવવાની પણ પરવાનગી નથી. અગાઉ અહીં ટેકરી પાસે તળાવ હતું જે બૂરી દઈને ત્યાં પણ બાંધકામ ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં પેઢીઓથી વસતા આદિવાસીઓએ ટેકરીના ખોદકામ સામે ગયા વર્ષના એપ્રિલ મહિનામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું પણ એનું કોઈ પરિણામ આવ્યું નહીં. એક વાર ટેકરી તોડી નાખવામાં આવે પછી એને કોઈ રીતે સુધારી નથી શકાતું.
સમાજસેવા સંસ્થાઓ દ્વારા આ મુદ્દા પર કેન્દ્રમાં નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ અને સ્થાનિક સ્તર પર મુખ્ય પ્રધાન સુધી પણ ધ્યાન દોરવામાં આવ્યું છે પણ હજુ સુધી આ અંગે કોઈ પગલાં લેવાયા નથી.
ઇકોલોજિસ્ટ માધવ ગાડગીલ કહે છે કે મુંબઈ જે છૂટથી પાણી અને વીજળી વાપરે છે એને કારણે પણ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારના કુદરતી સ્રોતનો વિનાશ થઈ રહ્યો છે પણ સામાન્ય નાગરિક આ બધાથી અજાણ છે, પરંતુ નજીકના જ ભવિષ્યમાં મુંબઈ પર સંકટ આવશે એ અંગે બેમત નથી. કેટલાક નિષ્ણાતો તો એવું ભવિષ્ય ભાખી રહ્યા છે કે આવનારા વર્ષોમાં દરિયાકિનારા પર આવેલા ૧૨ શહેરો પર સમુદ્રનું પાણી ફેલાઈ જવાનું છે અને મુંબઈ એમાંનું જ એક હશે.
જો કે ભારતમાં આવા બધા રિપોર્ટ્સ અને વૈજ્ઞાનિકોની આધારભૂત ચેતવણીઓ પર કોઈ ધ્યાન નથી આપતું અને આડેધડ બાંધકામ થતા રહે છે. આ બાંધકામો કેટલાક રાજકારણીઓ, ભ્રષ્ટ્ર અધિકારીઓની છત્રછાયા હેઠળ જ થતું હોય છે. આમાં લાંબા ગાળે એ વિસ્તારના પર્યાવરણ પર શું અસર થાય છે એ અંગે વિચારવાની દરકાર કોઈ લેતું નથી. સરકાર ગમે તે પક્ષની હોય મોટા ભાગે આ બધી સાવધાનીઓ વર્તવાની કે ચેતવણીઓની ફાઈલો ભંડકિયામાં પડી-પડી સડતી રહે છે. રાજકારણીઓ અને અધિકારીઓના આવા અભિગમને કારણે આવનારા સમયમાં એને કારણે જોશીમઠ જેવી ઘણી આફતો આવી શકે એમ છે એવું વૈજ્ઞાનિકો ઠોકી-વગાડીને કહે છે.ઉ