તાજાં શાકભાજી વેચતા ફેરિયાઓ માટે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ બનાવી સોલાર રેંકડી

પુરુષ

પ્રાસંગિક – પ્રથમેશ મહેતા

ઇંધણ ઉપર આધારિત વીજળીની સમસ્યાઓ ઉપર ‘મુંબઈ સમાચાર’માં અવારનવાર વાચકોને માહિતી અને જ્ઞાન મળતું રહે છે. પૃથ્વીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિશ્ર્વની સરકારો જ નહીં પણ અલગ અલગ ક્ષેત્રે વિકલ્પો ઉપર ઘણું સંશોધન થઇ રહ્યું છે. પરંતુ ગરીબ, રોજનું રળીને રોજ ખાનારને આ વૈશ્ર્વિક સમસ્યાઓ અસર ભલે કરતી, પણ પેટિયું રળવું એ તેમની મોટી સમસ્યા છે. નાની નાની કોશિશોથી જો તેમના આ સંઘર્ષને સરળ બનાવી શકાય તો સમાજ માટે એક બહેતર ભવિષ્ય નિર્માણમાં તેનું આગવું મહત્ત્વ અવશ્ય હશે.
મૈસુર વિદ્યાવર્ધકા ઇન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓની એક ટીમે એવું સોલાર મોબાઈલ રેફ્રિજરેટર બનાવ્યું છે, જેમાં શાકભાજીઓ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને તેની કિંમત પણ એકદમ વાજબી છે.
કર્ણાટકના મંડયા જિલ્લામાં રહેનાર નવીન એચવી ખેડૂત પરિવારમાંથી આવે છે. સ્વાભાવિક રીતે ખેડૂતોને પડતી તકલીફોને તેણે નજીકથી જોઈ હોય. તે ઉપરાંત નવીનને પાક ઉગાડવાથી લઈને તેને વિક્રેતાઓ અને ત્યાંથી ગ્રાહકો સુધી પહોંચવામાં લગતી પ્રક્રિયાની સારી જાણકારી છે. નવીન સારી રીતે જાણે છે કે ખેતરથી શાકભાજીઓને ગ્રાહકો સુધી પહોંચવામાં ખાસ્સો સમય જાય છે. તે સમય સુધી તેમને તાજાં રાખવા એક મુશ્કેલ કામ છે. તેથી નવીન અને તેના કૉલેજના મિત્રોએ તેનો કોઈ ઉપાય કરવાનું વિચાર્યું. તેના મિત્રો શુભમ સેન, સુપ્રીત એસ. અને વિવેક ચંદ્રશેખર મૈસુરની વિદ્યાવર્ધકા ઇન્જિનિયરિંગ કૉલેજમાં એક સાથે ભણે છે. આ મિત્રોએ ભેગા મળીને હાલમાં એક વાજબી કિંમતનું વિશેષ સોલાર કુલિંગ કાર્ટ બનાવ્યું છે. આ સોલાર રેંકડીમાં શાકભાજીઓને લાંબો સમય સુધી તાજી રાખી શકાય છે અને વિશેષ કરીને રસ્તા ઉપર શાકભાજી વેચનાર ફેરિયાઓ માટે ખૂબ લાભદાયક છે.
દિવસમાં એક વાર કરવું પડે છે ચાર્જ
સૌ પ્રથમ આ મિત્રોએ આ મશીન ઇન્ડિયન સોસાયટી ઓફ હિટિંગ, રેફરજરેટિંગ એન્ડ એર કંડિશનિંગ દ્વારા આયોજિત એક સ્પર્ધા માટે બનાવ્યું હતું.
ફેરિયાઓની સમસ્યા સમજવા માટે પહેલા તેમણે ફિલ્ડ રિસર્ચ કર્યું. મેકેનિકલ ઇન્જિનિયરિંગના છઠ્ઠા વર્ષનો વિદ્યાર્થી નવીન કહે છે, ” સામાન્ય રીતે ખેડૂતો પોતાની ઊપજ ખુલ્લી જગ્યામાં રાખે છે, તેથી સ્વચ્છતા એક મુદ્દો બની જાય છે. બીજું કે શાકભાજીઓનો સંગ્રહ કરી રાખવો એક પડકારજનક કામ છે. મેં અને મારા મિત્રોએ નિષ્ણાતો અને પ્રોફેસરો સાથે ચર્ચા કરી અને ઘણી ઇન્ડસ્ટ્રીની મુલાકાત પણ લીધી.
ત્યાર બાદ નવીન અને તેની ટીમે એક એવું સોલાર કાર્ટ બનાવ્યું જેમાં એક એર કુલ્ડ ચેમ્બર હોય. આ ચેમ્બર વીજળી માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરે છે અને તેના ઉપર ચાલે છે. બેટરી પૂરી થઇ જાય એટલે સૌર ઊર્જાથી વીજળી ઉત્પન્ન થાય છે, જે બેટરીને રિચાર્જ કરે. જે રીતે સોલાર ઇન્વર્ટર કામ કરે, તેના જેવું જ આ છે. ‘તેણે જણાવ્યું કે , “વધુ ક્ષમતા વળી સોલાર પેનલ ઉપયોગ કરી શકાય છે, પણ તેને આર્થિક રીતે પરવડે તેવું બનાવવા ૧૫૦ વોટ સુધી સીમિત રાખ્યું છે.
કુલિંગ કાર્ટ અને તેને બનાવનારી ટિમ
સામાન્ય રીતે શાકભાજીઓને તાજાં રાખવા પાંચથી દસ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાનની જરૂર હોય છે. આ રેંકડીની ઉપયોગીતા વધારવા તેને એવી રીતે બનાવાઈ છે કે માત્ર ફળો અને શાકભાજી જ નહીં, પણ ડેરી ઉત્પાદનો પણ લાંબો સમય સુધી તાજાં રાખી શકાય. તે માટે આ ગાડીનું તાપમાન ૦ થી ૧૦ ડિગ્રી સુધી સેટ કર્યું છે.
નવીનના કહેવા પ્રમાણે આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત તેની ઓછી કિંમત છે. પ્રત્યેક કાર્ટની કિંમત લગભગ ૫૨૦૦૦ રૂપિયા જેટલી છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરનાર મેકેનિકલ ઇન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર એન. પી. મુથુરાજ કહે છે, ” વર્તમાનમાં કુલિંગ ચેમ્બરવાળી કાર્ટની કિંમત એક લાખ રૂપિયાથી વધુ છે, પણ અમારી કાર્ટની કિંમત લગભગ અડધી છે.
કાર્ટ બનાવવામાં આવેલા પડકારોની
વાત કરતા ટીમ મેમ્બર સુપ્રીત એસ. કહે છે, “અમે પાંચમી સેમેસ્ટરની પરીક્ષા દરમ્યાન બહુ ઓછા સમયમાં પ્રોજેક્ટ પૂરો કર્યો. પરીક્ષાની સાથે સાથે પ્રોજેક્ટ કરવો મોટો પડકાર હતો, પણ આ અનુભવોમાંથી ઘણું શીખવા મળ્યું. આનંદની વાત એ કે અમે ધાર્યું હતું તેના કરતા વધુ સારો પ્રોજેક્ટ બન્યો.
સુધારા કરીને કિંમત ઘટાડવાની કરાશે કોશિશ
નવીન અને તેની ટીમ મોડલમાં સુધારો કરીને તેને વધુ કિફાયતી બનાવવાની કોશિશ કરી રહ્યા છે. સુપ્રીત જણાવે છે કે કાર્ટના નાના પૈડાંને બદલે મોટા પૈડાં લગાવવાની યોજના છે, જેથી તેને ચલાવવી આસાન બને. ઉપરાંત તેમાં વધુ સોલાર પેનલ જોડીને તેને એક ઇલેક્ટ્રિક વેહિકલ બનાવવામાં આવશે. તેને વધારે ઊર્જાકુશળ બનાવવાની પણ કોશિશ થઇ રહી છે.
નવીન જણાવે છે કે કુલિંગ સોલાર કાર્ટ બિલકુલ રેફ્રિજરેટરની જેમ કામ કરે છે અને શાકભાજીઓ સાતથી દસ દિવસ સુધી તાજાં રહી શકે છે. તે આગળ કહે છે, “અમારા મોડલમાં થોડા સુધારાની જરૂર છે, ત્યાર બાદ તેનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે અને તેની કિંમત ઓછી કરવાની કોશિશ ચાલુ છે, જેથી ફેરિયાઓ માટે ખરીદવું આસાન બને.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.