ધાતુમાં પાંખાં કામકાજો વચ્ચે ટીન, બ્રાસ અને કોપર વાયરબારમાં નરમાઈ

વેપાર વાણિજ્ય

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના ભાવમાં ૧.૪ ટકા અને નિકલના ભાવમાં ૦.૫ જેટલો સુધારો આવ્યો હોવાથી સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૪નો અને નિકલના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૮નો સુધારો આવ્યો હતો. જોકે, આજે ટીન અને બ્રાસમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૬ અને રૂ. ૩નો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ આગલા બંધથી ૧.૪ ટકા વધીને ટનદીઠ ૭૯૬૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય ઝિન્કના ભાવ બે ટકાનો, લીડના ભાવ ૧.૮ ટકા, ટીનના ભાવ ૧.૩ ટકા અને નિકલના ભાવ ૦.૫ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા. સ્થાનિક ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ખાસ કરીને નિકલ અને કોપર કેબલ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮ વધીને રૂ. ૧૯૨૫ અને રૂ. ૪ વધીને રૂ. ૬૫૯ના મથાળે રહ્યા હતા. આ સિવાય ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને અનુક્રમે રૂ. ૬૫૩ અને રૂ. ૬૪૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૬ ઘટીને રૂ. ૧૮૪૭ના મથાળે રહ્યા હતા, જ્યારે સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ નિરસ માગે બ્રાસ શીટ કટિંગ્સ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૫૧૦ અને રૂ. ૪૬૮ તથા કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧ ઘટીને રૂ. ૬૯૨ના મથાળે રહ્યા હતા. આ સિવાય કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ, ઝિન્ક અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.