ટેલિવિઝન અભિનેત્રી તુનિષા શર્માના મૃત્યુ પ્રકરણે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે, પણ તેની આત્મહત્યાનું કારણ હજી પણ રહસ્યમયી જ છે. હવે ‘બિગ બોસ 7’ ફેમ સોફિયા હયાતે તુનિષા શર્માના નિધન પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ‘અલીબાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ના શો મેકર્સ અને કાસ્ટિંગ ડિરેક્ટર્સ તુનિષા શર્માની આત્મહત્યા માટે જવાબદાર છે કારણ કે દિગ્દર્શકો અથવા નિર્માતાઓ નાની છોકરીઓને મોટા છોકરાઓ સાથે રોમાંસ કરવા દબાણ કરે છે.
સોફિયા હયાતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, ‘મને એ જોઈને દુઃખ થાય છે કે યંગ સ્ટાર્સ તેમના રિલેશનશિપમાં અસફળ રહીને આત્મહત્યા કરી રહ્યાં છે. મને ખરેખર લાગે છે કે આવા મામલામાં નિર્માતાઓ સૌથી વધુ દોષી લાગે છે. દિગ્દર્શકો યુવાન અભિનેત્રીઓને હાયર કરે છે અને તેમને મોટી ઉંમરના છોકરાઓ સાથે કાસ્ટ કરે છે. એટલું જ નહીં પણ તેઓ પ્રોજેક્ટ માટે રોમાન્સ કરવા માટે તેમના પર દબાણ કરે છે. આવી છોકરીઓ, જેમણે હમણાં જ પોતાનું કરિયર શરૂ કર્યું છે અને તેઓને આ વાતની વાસ્તવિકતા ખબર નથી. હું આ બધું સારી રીતે જાણું છું, કારણ કે નિર્માતાઓએ મારી સાથે પણ આવું જ કર્યું હતું.
સોફિયા હયાતે વધુમાં કહ્યું કે, ‘યંગ સ્ટાર્સે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા યોગ્ય ટ્રેનિંગ લેવી જોઈએ’. તુનિષા શર્માના શો મેકર્સ પર સવાલ ઉઠાવતા તેણે પૂછ્યું કે તેઓ ચૂપ કેમ છે? તેણે આ કેસમાં હજુ સુધી કોઈ નિવેદન કેમ બહાર પાડ્યું નથી? કદાચ પૈસો જ સર્વસ્વ છે, તેથી જ આત્મહત્યાના તમામ કેસ તપાસ વગર બંધ કરી દેવામાં આવે છે? સિનિયર હોદ્દાના લોકો પોલીસને પૈસા આપીને કેસ બંધ કરાવે છે.