ગુજરાતી ફિલ્મમેકરોએ બનાવેલી સંખ્યાબંધ માઈથૉલૉજિક્લ ફિલ્મોમાં વિજય ભટ્ટનું યોગદાન ચીલો ચાતરનારું રહ્યું એ હકીકત છે

હેન્રી શાસ્ત્રી

ધાર્મિક ચિત્રો તરીકે જાણીતી માઈથૉલૉજિક્લ અને ડિવોશનલ (પૌરાણિક અને ભક્તિ ચિત્રપટ) ફિલ્મો બનાવવામાં ગુજરાતીઓનો સિંહફાળો છેક ૧૯૨૦ના દાયકાથી પ્રભાવીપણે રહ્યો છે. મૂક ફિલ્મોમાં અસાધારણ ફાળો આપનાર કાનજીભાઈ રાઠોડે ‘વિક્રમ ઉર્વશી’ (૧૯૨૦) નામની ફિલ્મ બનાવી હોવાની નોંધ છે. આ ફિલ્મના કલાકાર તરીકે એક નામ છે આર. એન. વૈદ્યનું – રમણિક વૈદ્યનું. કિશોર શાહુ અને નાનાભાઈ ભટ્ટ જેવા માતબર ફિલ્મમેકરના સહાયક રહી ચૂકેલા રમણીક વૈદ્યને ગુજરાતી ચિત્રપટ ‘બહુરૂપી’ માટે ગુજરાત સરકારનો એવૉર્ડ મળ્યો હતો. દિગ્દર્શક બનવા પૂર્વે રમણિકભાઈએ ’રુકમણી હરણ’, ‘સતી અનસૂયા’, ‘ભક્ત અંબરીશ’ વગેરેમાં અભિનય કર્યો હતો. કાનજીભાઈએ ‘મીરાંબાઈ’, ‘કૃષ્ણ માયા’, ‘વિશ્ર્વામિત્ર મેનકા’, ‘સતી તોરલ’ સહિત કેટલાક ધાર્મિક ચિત્રો બનાવ્યા હતા. સરદાર ચંદુલાલ શાહોે ‘સતી સાવિત્રી’, ‘કૃષ્ણ સુદામા’, શંકર પાર્વતી’ વગેરે ફિલ્મો બનાવી. આ સિવાય માણેકલાલ પટેલ, ચીમનલાલ ત્રિવેદી, દ્વારકાદાસ સંપતથી લઈ બાબુભાઈ મિસ્ત્રી જેવા ફિલ્મમેકરોનું પણ ધાર્મિક ચિત્રપટ બનાવવામાં યોગદાન છે. આ યાદીમાં એક વિશિષ્ટ નામ છે વિજય ભટ્ટનું. ’બૈજુ બાવરા, ‘હરિયાલી ઔર રાસ્તા’ અને ‘હિમાલય કી ગોદ મેં’ જેવી ફિલ્મો આપનાર ભટ્ટ સાહેબે સફળ પૌરાણિક અને ભક્તિ ચિત્રપટ બનાવીને ખાસ્સી નામના મેળવી.
વિજય ભટ્ટની ધાર્મિક શરૂઆત ‘નરસિંહ મહેતા’ (૧૯૪૦)થી થઈ. એક અહેવાલ અનુસાર ગાંધીજીએ જ તેમને નરસિંહ મહેતા પરથી ફિલ્મ બનાવવાનું સૂચન કરેલું. વિષ્ણુપંત પગનીસ નરસિંહ મહેતાના રોલમાં હતા જયારે માણેકબાઈની ભૂમિકા દુર્ગા ખોટેએ કરી હતી. હિન્દી અને ગુજરાતી એમ બે ભાષામાં બનેલી આ ફિલ્મએ અનેક ઠેકાણે રજત જયંતિ મનાવી હતી. તેમણે બનાવેલી પૌરાણિક ફિલ્મોમાંથી બે રામાયણ પર આધારિત હતી. પહેલી ફિલ્મ આજથી ૮૦ વર્ષ પહેલા હિન્દીમાં ‘ભરત મિલાપ’ અને મરાઠીમાં ’ભરત ભેટ’ તરીકે રિલીઝ થઈ હતી. ફિલ્મ દોષરહિત રહે એ માટે ભટ્ટ સાહેબે ખૂબ જ સંશોધન કરાવ્યું હતું. ટાઈટલની શરૂઆતમાં જ ‘મહર્ષિ વાલ્મીકિ રામાયણ’ અને ગોસ્વામી તુલસીદાસના ‘રામચરિતમાનસ’ને ક્રેડિટ આપવામાં આવી છે. પાતળી કથા ધરાવતી ફિલ્મ પોણા ત્રણ કલાક લાંબી છે. જોકે, ચિત્રપટમાં કોઈ ચમત્કાર નથી કે નથી શૌર્ય – પરાક્રમના કે ભક્તિભાવના કિસ્સા અને તેમ છતાં ફિલ્મને સારી સફળતા મળી હતી. બે ભાઈના ઉદાત્ત પ્રેમની વાત છે અને ધીરજ, સહનશીલતા, ક્ષમાવૃત્તિ અને વફાદારી જેવા ગુણોનો તેમ જ ‘ભાવનાથી કર્તવ્ય ઊંચું હોય છે’ એનો મહિમા ગવાયો છે. રામ અહીં યોદ્ધા તરીકે નહીં પણ સદ્ગુણી અને સદાચારી તરીકે પ્રોજેક્ટ થયા છે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ‘ભારત છોડો’ના નારા વચ્ચે ભારતનો નાગરિક સ્વાતંત્ર્યના સપનાં જોઈ રહ્યો હતો. આ ફિલ્મ બ્રિટિશ શાસનને સંદેશો હતો કે ’જેમ શ્રી રામની ગેરહાજરીમાં ભરતે સુચારુ શાસન (રામ રાજ્ય) ચલાવ્યું હતું એ જ રીતે ભારત સ્વરાજ ચલાવવા શક્તિમાન છે.’
‘ભરત મિલાપ’માં રામાયણની ભવ્યતા અને કોસ્ચ્યુમ્સની સાથે સાથે અગાધ પ્રેમ અને તીવ્ર ઈર્ષ્યાના ભાવનું દર્શન કરાવતા દ્રશ્યો પણ સરસ રીતે વણી લેવાયા છે. ૮૦ વર્ષ પહેલા પિતાની કોઈ પણ આજ્ઞા માથે ચડાવતો પુત્ર અને પતિના સુખમાં સુખ અને દુ:ખમાં દુ:ખ અનુભવવામાં માનતી પત્ની અને મોટા ભાઈ તો પિતા સમાન હોય એવું માનતો નાનો ભાઈ આદર્શ જીવનની વ્યાખ્યા જેવા હતા. ‘ભરત મિલાપ’માં આ બધા આદર્શોનો સંગમ રચાયો છે. ફિલ્મની સફળતામાં આ કારણો નિમિત્ત બન્યા હશે. જાણવા જેવી વાત એ છે કે મુંબઈના મેજેસ્ટિક સિનેમામાં આયોજિત ફિલ્મના પ્રીમિયરમાં ડૉ. રાધાક્રિશ્નન (સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ) હાજર હતા. તેમને આ ફિલ્મ ખૂબ જ ગમી હતી અને આખી ફિલ્મ જોઈ હોવાની નોંધ છે. કલકત્તાના પ્રીમિયર વખતે શિક્ષણ શાસ્ત્રી અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્ય પ્રધાન ડૉ. બિધાનચંદ્ર રોય ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત હતા. આ ઉપરાંત ડૉ. કનૈયાલાલ મુનશી અને અન્ય મહાનુભાવો પણ કલકત્તાના પ્રીમિયરમાં હાજર રહ્યા હતા. એવી પણ નોંધ છે કે પ્રકાશ પિક્ચર્સના પબ્લિસિટી ઓફિસર ભદ્ર કુમાર યાજ્ઞિક દ્વારા દિલ્હીના મોતી સિનેમામાં ‘ભરત મિલાપ’ જોવાનું આમંત્રણ બ્રિટિશ નેતા સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સને (ક્રિપ્સ મિશનવાળા) પણ આપવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિના સાચા દર્શન આ ફિલ્મમાં થશે એવી રજૂઆત તેમની સમક્ષ કરવામાં આવી હતી. આ બધી વાત પરથી ‘ભરત મિલાપ’ને કેવળ પૌરાણિક ફિલ્મ તરીકે નહીં, બલકે સામાજિક સૂર પણ ધરાવતી ફિલ્મ તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ હતો એનો ખ્યાલ આવે છે. ૧૯૪૩માં આવેલી ‘રામ રાજ્ય’ ફિલ્મે વિજય ભટ્ટને દેશભરમાં લોકપ્રિયતા અપાવી. સ્વાતંત્ર્ય લડત દરમિયાન ગાંધીજી રામ રાજ્યનો અનેક વાર ઉલ્લેખ કરતા અને એ વિચાર આ ફિલ્મ બનવા માટે નિમિત્ત બન્યો હોઈ શકે છે. ગાંધીજીએ જોયેલી આ ફિલ્મ મુંબઈના અનેક થિયેટરમાં ૫૦થી વધુ અઠવાડિયા ચાલી હતી.
———————–
‘ટાઈમ હેઝ ડન વ્હોટ અ નાઈસ ક્રુએલ’
વાત છે ૧૯૯૧-૯૨ની. અંધેરીમાં ચંદ્રશેખરજી (હિન્દી ફિલ્મોના મશહૂર સહાયક અભિનેતા)ના નિવાસસ્થાને હોળી – ધૂળેટીની ઉજવણીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મ કલાકાર ઉપરાંત કેટલાક ફિલ્મ જર્નલિસ્ટને પણ આમંત્રણ હતું. રંગ – પિચકારીનો આનંદ લીધા પછી અને ખાણીપીણીનો જલસો શરૂ થવા પહેલા ચંદ્રશેખરજીએ જાહેરાત કરી કે હવે એક ટેલેન્ટેડ યુવાન તમારા બધાનું મનોરંજન કરશે. એ યુવાન બીજો કોઈ નહીં પણ અમિતાભ બચ્ચન અને લાલુપ્રસાદ યાદવની લાજવાબ મિમિક્રી કરનાર રાજુ શ્રીવાસ્તવ હતો. બુધવારે રાજુએ આપણી વચ્ચેથી સદેહે ભલે વિદાય લીધી પણ દૈનિક જીવનનું પ્રતિબિંબ ઝીલી દેશવાસીઓનું મનોરંજન કરનાર કલાકાર તરીકે તે સદૈવ આપણી વચ્ચે રહેશે. ૩૦ વર્ષ પહેલાના આ કાર્યક્રમમાં રાજુએ એક્ટરોની મિમિક્રી કરી તેમજ કેટલીક જોક્સ કહી બધાને ભરપેટ હસાવ્યા હતા. કેટલાક જોક્સ તો એવા મજેદાર હતા કે લોકો હસવાનું જ નહોતા રોકી શકતા. એક જોક આજે પણ યાદ છે. રાજુ: અંગ્રેજી માટેની જબરજસ્ત ઘેલછા આપણા દેશના ખૂણે ખૂણે જોવા મળે છે. એવા અનેક નાનકડા શહેર – ગામડાં છે જ્યાંના ૯૯ ટકા લોકોને અંગ્રેજી ન આવડતું હોવા છતાં એક રજૂઆત કાયમ અંગ્રેજીમાં જ કરવામાં આવતી હોય છે – બ્યુટી પાર્લર.’ આટલું બોલી રાજુએ પોઝ લીધો અને બધા ખડખડાટ હસી પડ્યા. પછી લાક્ષણિક અદામાં બોલ્યો કે ‘आपने आज तक कहीं भी ब्यूटी पार्लर को हिंदी में मुख कायापलट जादुई केंद्र केहते हैं ये नहीं देखा होगा’ કહેવાની જરૂર ખરી કે હાસ્યનો કેવો ફુવારો ઊડ્યો. યાદ રહે આ વાત ૩૦ વર્ષ પહેલાની છે. આ વાત હાજર રહેલાઓને ખૂબ જ ગમી ગઈ હોવાનો ખ્યાલ આવતા રાજુએ એક ગીત લલકારવાનું શરૂ કર્યું: ‘ટાઈમ હેઝ ડન, વ્હોટ અ નાઈસ ક્રુએલ, યુ આર નોટ યુ આર, વી આર નોટ વી આર.’ ટ્યુન જાણીતો લાગ્યો, પણ ગીત ન સમજાયું એટલે આંખ મિચકારી રાજુએ પહેલી પંક્તિ ગાઈ ‘વક્તને કિયા, ક્યા હંસી સિતમ…’ અને બધા કોરસમાં જોડાઈ ગયા ‘તુમ રહે ના તુમ, હમ રહે ના હમ.’ અને આ કરુણ ગીતની પંક્તિ પૂરી થયા પછી બગીચાના ફૂલો પણ ખડખડાટ હસી રહ્યા હતા. હાજર રહેલાઓનો એક સૂર એ હતો કે આ કલાકાર અનોખો છે. એની જોક્સ, એની રજૂઆતની શૈલી વિશિષ્ટ છે. આજે ગજોધર ભૈયા ઘરે ઘરે જાણીતા છે જેનું ટ્રેલર ૩૦ વર્ષ પહેલા જોઈને આનંદ માણ્યો હતો. રાજુનું હાસ્ય સેશન પૂરું થતાની સાથે એની સાથેની વાતચીતમાં ભદ્રંભદ્રના પાત્રનો ઉલ્લેખ કરી ‘અગ્નિરથવિરામસ્થળ’ વગેરેની વાત કરી હતી. એનો ઉપયોગ અન્ય કાર્યક્રમમાં કરશે એવું ત્યારે તેણે કહ્યું હતું. રાજુને આસપાસના વાતાવરણમાંથી અને માનવ સ્વભાવની લાક્ષણિકતામાંથી નિપજતા આનંદમાં રસ હતો. રાજૂના અનેક જોક લોકપ્રિય થયા છે અને એમાં અમિતજી અને લાલુ પ્રસાદના ટુચકા મેદાન મારી જાય છે. રાજુએ અમિતજીની હાજરીમાં એમની મિમિક્રી કરી છે અને એમના પરના જોક્સ કહી બધાને હસાવ્યા છે. રાજુ તેમને એમ પણ કહેતો કે ‘તમારી મિમિક્રી કરીને અમારા પેટ ભરાય છે. તમે અમારા અન્નદાતા છો.’ આ લખનારનો ફેવરિટ અમિતજીનો જોક પેશ છે.
રાજુ: પંદરેક દિવસ બીમાર રહ્યા પછી અમિતજી એકદમ ફિટ થઈ બહાર ફરવા જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, પણ ડ્રાઈવરને બાજુની સીટમાં બેસાડી કાર પોતે ચલાવશે એમ જણાવે છે. ફુલ મૂડમાં હોવાથી અમિતજી કાર મારી મૂકે છે અને ખોટી રીતે ઓવરટેક અને સિગ્નલ જમ્પિંગ જેવા ટ્રાફિકના નિયમોનો એકથી વધુ વાર ભંગ કરે છે. ટ્રાફિક પોલીસ દ્વારા આગળ એલર્ટ કરી દેવામાં આવે છે કે ફલાણા નંબરની કારને અટકાવી ડ્રાઈવર સામે ગુનો નોંધો. આખરે એક કોન્સ્ટેબલ કારને અટકાવવામાં સફળ થાય છે અને એના સાહેબ કોની ગાડી છે એવો સવાલ કરે છે ત્યારે જવાબમાં કોન્સ્ટેબલ કહે છે કે ‘માલિક બહુ ધનવાન હોવા જોઈએ, કારણ કે ડ્રાઈવર તરીકે અમિતજીને રાખ્યા છે.’ રાજુની પધરામણીથી અત્યારે ઈશ્ર્વરના દરબારમાં હાસ્યની છોળો ઊડતી હશે. ઉ

Google search engine