સોશિયલ મીડિયા ટ્રોલિંગ, આ દેશમાં કરવું શું?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

આપણે ત્યાં સોશિયલ મીડિયા પર ક્યારે શું તૂત શરૂ થઈ જાય એ નક્કી નહીં. ભારતમાં સોશિયલ મીડિયા નવરી બજારોનો અડ્ડો બની ગયું છે ને આ નવરી બજારની પિન ક્યાં ચોંટી જાય એ કહેવાય નહીં. છેલ્લા કેટલાક દિવસોથી આ નવરી બજારોની પિન ફિલ્મ સ્ટાર્સ પર ચોંટેલી છે. આમીર ખાન, અક્ષય કુમાર પર છેલ્લા અઠવાડિયાથી નવરા તવાઈ બોલાવતા હતા ને બે દાડા પહેલાં આલિયા ઝપટે ચડી ગઈ પછી તેના પર તૂટી પડ્યા. હવે તેલુગુ એક્ટ્રેસ પ્રણિતા સુભાષનો વારો આવી ગયો છે.
સોશિયલ મીડિયામાં પ્રણિતાએ થોડાં દિવસ પહેલાં એક તસવીર શેર કરી હતી. તસવીરમાં પ્રણિતા પોતાના પતિ નિતિન રાજુના પગ આગળ બેઠી છે અને પૂજા કરે છે. પ્રણિતાના હાથમાં થાળી છે અને તે પતિના પગની આરતી ઉતારે છે, ફૂલ ચઢાવે છે. આ તસવીરને કારણે નવરી બજાર નારાજ થઈ ને પ્રણિતા ટ્રોલ થઈ ગઈ. એ લોકોનું કહેવું છે કે, પ્રણિતાની હરકતો રૂઢિવાદી ને પુરુષપ્રધાન સમાજનું પ્રતિબિંબ બતાવે છે.
પ્રણિતાએ ભીમ અમાસ નિમિત્તે પતિની પૂજા કરી હતી. ભારતમાં ભીમ અમાસે સ્ત્રી પતિ અને ઘરના અન્ય પુરુષોની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે. પ્રણિતાએ પણ એ રીતે વ્રત રાખ્યું હતું. ખુદ પ્રણિતાએ કહ્યું કે, પોતે એક્ટર છે અને
લોકપ્રિય છે તેનો એવો અર્થ નથી કે પોતે કોઈ રીત-રિવાજને માની ના શકે. પોતે દર વર્ષે આ રીતે પૂજા કરે છે ને તેમાં કશું ખોટું નથી.
પ્રણિતાનો દાવો છે કે, પોતાના માટે આ નવું નથી. પોતે મનથી હંમેશાં પરંપરાગત યુવતી જ રહી છે, પરિવાર, મૂલ્યો તથા રીત-રિવાજોને માનવા ગમે છે. પોતે વરસોથી આ બધું કરે છે, પોતાને સંયુક્ત પરિવારમાં રહેવું પસંદ છે. પોતે સનાતન ધર્મમાં માને છે. વ્યક્તિના વિચારો મોડર્ન હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે પોતાનાં મૂળિયા ભૂલી જાય.
પ્રણિતાની વાત સાવ સાચી છે. આ દેશમાં દરેકને પોતાની માન્યતાઓ પ્રમાણે વર્તવાનો અધિકાર છે ને પ્રણિતાએ પણ એ રીતે વર્તીને પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. તેમાં બીજા કોઈને કંઈ નુકસાન નથી. તેની માન્યતાઓ, તેના અધિકારનું સન્માન કરવાનું હોય તેના બદલે તેના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે.
રસપ્રદ વાત એ છે કે, પ્રણિતાના માથે જે કારણસર માછલાં ધોવાઈ રહ્યાં છે તેનાથી બિલકુલ વિરૂદ્ધ કારણોસર હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર આમિર ખાન અને અક્ષય કુમારના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે. આમિરની મૂવી ‘લાલસિંહ ચઢ્ઢા’ ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની છે પણ એ પહેલાં આમિર ખાન હિંદુ વિરોધી છે એ કારણસર તેના પર બધા તૂટી પડ્યા છે. હિન્દી સોશિયલ મીડિયા પર ઇજ્ઞુભજ્ઞિિંંકફફહજશક્ષલવઈવફમમવફ સાથે ‘લાલસિંહ ચઢ્ઢા’નો બહિષ્કાર કરીને આમિરને પાઠ ભણાવવાની ઝુંબેશ ચાલી રહી છે.
‘લાલસિંહ ચઢ્ઢા’નો બહિષ્કાર કરવા ઝુંબેશ ચલાવનારાનું કહેવું છે કે, આમિર ખાન તો હિંદુ સંસ્કૃતિનો વિરોધી ગણાવે છે. આમિર ખાન પોતાના ધર્મનું ચુસ્ત રીતે પાલન કરે છે પણ હિંદુ ધર્મની મજાક ઉડાવે છે. ૨૦૧૩માં રાજુ હીરાણીની ફિલ્મ ‘પીકે’ આવી ત્યારે આમિરે કહેલું કે, શિવલિંગ પર દૂધ ચઢાવવું બકવાસ છે. તેના બદલે દૂધ જરૂરિયાતમંદોને આપવું જોઈએ.
સૈદ્ધાંતિક રીતે આમિરે સાવ સાચી વાત કરી હતી. હિંદુત્વમાં માનવસેના એ જ પ્રભુસેવાનો મૂળ સિદ્ધાંત છે તેથી દૂધ જરૂરિયાતમંદોને આપો તેમાં પ્રભુની સેવા આવી જ જાય છે. એ વાત કરીને આમિરે હિંદુત્વનું અપમાન કર્યું નહોતું. ઘણા બધા હિંદુ સુધારકો આ વાત કરી ચૂક્યા છે. આ જ વાત પરેશ રાવલની ઉમેશ શુકલ નિર્દેશિત ઓહ માય ગોડમાં કહેવાયેલી. બલ્કે ઉમેશની ફિલ્મમાં તો હિંદુત્વના નામે ચાલતાં આ પ્રકારનાં તૂત પર મીઠામાં બોળી બોળીને ચાબૂકના પ્રહાર કરાયેલા.
ઓહ માય ગોડ તો હિંદુત્વના નામે ચાલતાં ધતિંગનો આયનો બતાવતી ફિલ્મ છે. તેમાં જે કંઈ કહેવાયેલું એવું ખુલ્લેઆમ ભાગ્યે જ કોઈ બોલે છે ને દરેક હિંદુ સહમત થાય એવી વાત હતી. આમિરે પણ એ જ કહેલું તેમાં હિંદુત્વના ટેકેદારોને મરચાં લાગી ગયાં. તેમણે આમિરની ફિલ્મનો બહિષ્કાર કરવાની ઝુંબેશ શરૂ કરી દીધી છે. આમિરની સલાહ પ્રમાણે ‘લાલસિંહ ચઢ્ઢા’ જોવા માટે નાણાં ખર્ચવાના બદલે ગરીબો તથા જરૂરિયાતમંદો પાછળ નાણાં ખર્ચવાની અપીલ કરાઈ રહી છે.
અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધ પણ આમિરની મૂવી સાથે ૧૧ ઓગસ્ટે જ રિલીઝ થવાની છે. હિંદુત્વના ઠેકેદારોને રક્ષાબંધન સામે પણ વાંધો છે. તેનું કારણ એ કે, અક્ષય કુમારની ફિલ્મની રાઈટર કનિકા ઢિલ્લોન છે. સોશિયલ મીડિયા પર કનિકા હિંદુ દેવ-દેવીઓ સામે ઘણ કોમેન્ટ્સ કરી ચૂકી છે. કનિકા ભાજપ અને નરેન્દ્ર મોદીને પણ નિશાન બનાવી ચૂકી છે. આ કારણે અક્ષયની મૂવીનો બહિષ્કાર કરવાનું તૂત ચાલ્યું છે.
પ્રણિતા તો સનાતન ધર્મની પરંપરાની વાત કરે છે. મોટા ભાગની હિંદુ સ્ત્રીઓ જે પ્રમાણે વર્તે છે એ પ્રમાણે વર્તે છે છતાં તેના પર સૌ તૂટી પડ્યા છે. મજાની વાત એ છે કે, આલિયા ભટ્ટની ‘ડાર્લિંગ’ સામે જુદા કારણસર વાંધો ઊભો કરાયો છે. આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થવાની છે ને રિલીઝના એક દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં ઇજ્ઞુભજ્ઞિિંંઅહશફઇવફિિંં ટ્રેન્ડ થઈ ગયું. આલિયાની ફિલ્મમાં પુરુષો તરફ હિંસાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેથી તેનો બહિષ્કાર કરવાની ઝુંબેશ શરૂ થઈ છે.
સવાલ એ થાય કે, આ દેશમાં કરવું શું ? તમે સાચું બોલો તો લોકોને વાંધો છે, તમે હિંદુઓને આયનો બતાવો તો વાંધો છે, હિંદુત્વના નામે ચાલતી પરંપરાને પાળો તો પણ વાંધો છે, તમે મનોરંજનના નામે કંઈક કરો તો પણ લોકોને વાંધો છે. આ માહોલમાં કરવું તો કરવું શું?
આ બધું દેશની લોકશાહી માટે ખતરારૂપ છે. સોશિયલ મીડિયામાં લોકશાહીના નામે મળેલી છૂટનો દુરૂપયોગ થઈ રહ્યો છે ને તેને રોકવામાં નહીં આવે તો બહુ ખરાબ પરિણામ આવશે.

1 thought on “સોશિયલ મીડિયા ટ્રોલિંગ, આ દેશમાં કરવું શું?

  1. People pay attention and become responsible, even sober when they have to put money where their mouth is. Hit unsubstantiated tongue-wagers with hefty defamation law suits. Include social media in their ambit. Late Arun Jaitley did that and won. Smriti Irani was the latest victim. She has filed a defamation law suit. I would humbly suggest to her please don’t back down. This would be a social service you would be doing to stop those barking at anyone and everyone like rabid dogs.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.