કેતકી જાની
સવાલ:- મારો દીકરો દોઢ વર્ષનો થવા આવ્યો છે. હંમેશાં સાજોમાંદો જ રહેતો હોવાથી હજી સુધી ધાવણ આપું છું. તે મુખ્યત્વે ધાવણ પર જ છે એમ જો કહું તો ખોટું નથી. તે બીજું કંઈ જ મોંઢે નથી લેતો. હવે તેના દાંતની શરૂઆત થઈ હોવાથી મને નીપલ ઉપર ખૂબ ત્રાસ થાય છે. તેને ધાવણ છોડાવવા શું કરું જેથી મને ત્રાસ ઓછો થાય તે જણાવો. બીજું કે મારે ધાવણથી હજીયે ઘણીવાર છાતી દુ:ખે છે, તે માટે પણ જણાવો.
જવાબ:- બહેન, ઘણાં બાળકો દોઢ વર્ષ સુધી ‘મા’નું જ દૂધ પીતાં હોય તેવું બને છે, પરંતુ હંમેશાં બાળક સાજુંમાંદું કયા કારણથી રહે છે? તેના મૂળ સુધી પહોંચવું જરૂરી હોવાથી તે વિશે તમારે જ વિચારવું પડશે. અહીં મહત્ત્વની વાત એ કે તેને તપાસીને પીડિયાટ્રીક્સ જે કહે તે જ વાત તમે અનુસરજો, કારણ કે હું જે જવાબ આપું તે માત્ર તમારા પ્રશ્ર્નને આધારે જ હોય, હકીકતમાં બાળકનાં પ્રોબ્લેમ્સ તેને જોઈ તપાસી શકતા ડૉક્ટર જ સારી રીતે નિદાન કરી શકે. તમારા સ્તનની નીપલનાં ઘા અને ધાવણથી છાતી ભરાઈને વારંવાર દુ:ખવી, આ બંને કારણ ખરેખર ગંભીરતા અને તાત્કાલિક ધ્યાન માગી લે. ઘરના સભ્યોનો સહકાર લઈ બાળક ઓછામાં ઓછું ધાવણ ઉપર રહે તેવી યોજના વિચારો. જેમ કે દિવસમાં જેટલી વાર ધાવણ આપો છો તેનું લિસ્ટ બનાવો. જે સમયે ધાવણ આપો છો તે મતલબ બે ધાવણ વચ્ચેના અંતરને વધારી ક્રમશ: દિવસ દરમિયાન નહીં ને માત્ર રાત્રે જ ધાવણ આપવું તેવું નક્કી કરો. એકદમ જ એક ઝાટકે ધાવણ છોડાવવાનો પ્રયત્ન કદી ના કરવો. તે તમારા અને તેના બંને માટે તકલીફદાયક સાબિત થશે. બાળકથી શક્ય હોય તેટલું દૂર એટલે કે બાળકની નજરથી દૂર રહી શકાય તેટલું રહેવું તેને ઘરના અન્ય કોઈ સભ્ય સાચવે અને તમે ઘરમાં જ બીજું કોઈ કામ કરો. જેથી બાળકને સંતોષ રહે કે ‘મા’ છે અને નજીક ના હોવાથી તે આદત મુજબ વારંવાર ધાવણ નહીં માગી શકે. દોઢ વર્ષનો છે એટલે તેને હવે તમે સિઝનલ દરેક ફળોનો રસ આપી શકો. તેને ભાવતો સ્વાદ ઓળખી જે તે ફળનો રસ વારંવાર આપો. દાળ અને ભાતનું પાણી/ઓસામણ શ્રેષ્ઠ આહાર છે, તેમાં લીંબુ નીચોવી ઘી નાખી આપી શકાય. શક્ય પ્રવાહી રાબ, શીરો, કાંજી જેવા ખાદ્ય પદાર્થ બનાવો, તેમાં ખાંડ/સાકર/ગોળ હજી છ મહિના સુધી ના નાખશો. મીઠું પણ નામ માત્ર જ વાપરવું, જેથી તેના શરીર સ્વાસ્થ્યની જાણવણી થાય. બાળક રાતે સૂતા વખતે પણ ઘણાં મહિના સુધી ધાવણની હઠ કરે તો તેને બોલીને પ્રેમથી સમજાવી શકાય કે જો મમ્મીને આવું થયું છે એટલે ડૉક્ટરે ના પાડી છે તને દૂધ પીવડાવવાની. ક્યારેક નીપલ ઉપર હિંગ કે કડવા લીમડાના રસનો લેપ કરી દેવો, જેથી તેની જીભનો સ્વાદ બગડશે અને તે ધાવણથી દૂર થશે. આમ કરતાં હિંગ કે લીમડાનો રસ તેના પેટમાં જશે તો પણ નુકસાન નહીં જ થાય. ડૉક્ટર સાથે વાત કરી બેબી ફૂડ અને જે બેબી માટે દૂધનાં પાઉડર આવે છે તે ચોક્કસ વાપરી જુઓ, માતાનું દૂધ શ્રેષ્ઠતમ છે, પરંતુ હવે ઉંમર અને સંજોગો બંને ક્રમશ: પ્રતિકૂળ થતા જાય છે માટે તમે બેબી સ્પેશિયલ પાઉડર મિલ્કનો સહારો લો. તમારા સ્તન પરના ઘા અને છાતી ભરાઈ જવી માટે પણ ગાયનેકોલોજિસ્ટને મળો. તેઓ દૂધ સૂકવવા માટે જે શક્ય છે તે તમામ સલાહ આપશે. તેઓ કહે કે ગોળીઓ નિશ્ર્ચિત સમય સુધી લો, ધીરે ધીરે ઠીક થઈ જશો. માતૃત્વ અખૂટ ધીરજ અને સહનશક્તિ માગે છે, તમે જીવનનું આ સ્ટેજ હેમખેમ પાર કરો એવી શુભેચ્છા!