(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ-અમદાવાદ વચ્ચે સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડાવવા માટે ટ્રાયલ રન ચાલી રહ્યો છે ત્યારે પ્રસ્તાવિત કોરિડોરની સૌથી મોંઘી ટ્રેન (પ્રવાસ કરવાના હિસાબથી) સાબિત થઈ શકે છે. મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવાતી શતાબ્દી, તેજસ એક્સપ્રેસ કરતાં પણ વંદે ભારત અથવા ટ્રેન-૧૮નું ભાડું વધારે હશે, જ્યારે સસ્તા દરની ફ્લાઈટ્સ કરતા પણ તેનું ભાડું વધારે હોઈ શકે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

હાલમાં વંદે ભારત એક્સપ્રેસનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે, જ્યારે ટૂંક સમયમાં ફાઈનલ સેફ્ટી સર્ટિફિકેટ પ્રાપ્ત કરવામાં આવશે. હાલના તબક્કે ૩૦મી સપ્ટેમ્બરના ગાંધીનગરથી વડા પ્રધાનના હસ્તે અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસ એકદમ આધુનિક જ નહીં, પરંતુ હાલની તમામ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો કરતા સૌથી વધુ ઝડપી છે, પણ તેના માટે પ્રવાસીઓએ વધુ પૈસા ચૂકવવાની નોબત આવશે. એક અંદાજ પ્રમાણે મુંબઈથી અમદાવાદ વચ્ચેનું ૪૯૧ કિલોમીટરનું અંતર વંદે ભારત ૫.૧૫ કલાકમાં કાપી શકે છે, જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસનું સરેરાશ ભાડું ૨,૩૪૯ વત્તા જીએસટી સહિત ૨,૫૦૦ સુધી ભાડું થઈ શકે છે. એ જ પ્રકારે ચેરકારનું ભાડું ૧,૧૪૪ વત્તા જીએસટી સહિત ૧,૫૦૦ રૂપિયાનું ભાડું ચૂકવવું પડી શકે છે, પરંતુ તેની સામે તેજસ એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ કારનું ૨,૦૭૦ અને એસી ચેરકારનું ૧,૪૫૦, જ્યારે શતાબ્દી એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ કારનું ભાડું ૨,૦૫૦, એસી ચેરકારનું ૧,૧૨૫ રૂપિયાનું ભાડું છે. એની સામે મુંબઈથી અમદાવાદ વચ્ચેની ફ્લાઈટનું ભાડું પણ સરેરાશ ૧૫૦૦થી ૪,૫૦૦ની આસપાસ રહે છે. એક અંદાજ પ્રમાણે મુંબઈથી અમદાવાદ વચ્ચેની લો-કોસ્ટ ફ્લાઈટ ઈન્ડિગોનું અંદાજે ૨,૦૦૦ રૂપિયા, ગો-ફર્સ્ટનું ૧,૭૦૦ રૂપિયાનું ભાડું થાય છે. આમ છતાં એર ઈન્ડિયા અને વિસ્તારા જેવી પ્રીમિયમ ફ્લાઈટનું ભાડું અંદાજે ૪,૫૦૦ની આસપાસ રહે છે. ટૂંકમાં, પ્રવાસીએ સમય બચાવવો હોય તો ફ્લાઈટ પર પહેલી પસંદગી ઉતારી શકે છે, પરંતુ જો ટ્રાફિક સહિત અન્ય સમસ્યાથી બચવું હોય તો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરી શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

શું હશે સુવિધા:

અન્ય ટ્રેનોથી અલગ જ પ્રકારની વંદે ભારત એક્સપ્રેસમાં પેસેન્જર ઈન્ફર્મેશન સિસ્ટમ, સ્વયંસંચાલિત સ્લાઈડિંગ ડોર, તમામ કોચમાં વાઈફાઈની સુવિધા તથા ૧૮૦ ડિગ્રીએ ફરતી રિવોલ્વિંગ ચેર સહિત અન્ય સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત, સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા અને સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ સહિત અન્ય સુવિધાનો સમાવેશ થાય છે.

Google search engine