તો આગને પણ બાગમાં પરિવર્તિત થઈ જવામાં દેર નહીં લાગે

વાદ પ્રતિવાદ

મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી

૧૪૪૩-૪૪ વર્ષ પૂર્વે આવેલા ઈસ્લામ ધર્મના બુનિયાદી (પાયાના) જે નિયમો-સિદ્ધાંતો છે તેમાં ઈમાનદારી (સચ્ચાઈ, સત્ય) છે અને નેકી (પ્રમાણિક) માર્ગે કમાયેલી ધન-દૌલતને ઈબાદત (પૂજા)નો એક મહત્ત્વનો ભાગ લેખવામાં આવ્યો છે.
આપણે ત્યાં પૂર્વજોથી ચાલી આવેલી એક પ્રચલિત કહેવત છે ‘આહાર તેવો ઓડકાર અને નિયત તેવી બરકત.’ ઈસ્લામ અલ્લાહ (ઈશ્ર્વર)નો ઈલાહી ધર્મ તરીકે પ્રસ્થાપિત થયો છે તેમાં ઉમ્મત (અનુયાયી, પ્રજાજનો)ને નેક નિયતની હિદાયત (બોધ, જ્ઞાન) સાથે ધર્મના ધ્વજને લહેરાતો રાખવા ઈસ્મોજ્ઞાન અને એ થકી જીવન શ્રેષ્ઠ બનાવવા નસીહત આપવામાં આવી છે.
વહાલા વાચક મિત્રો! ઉમ્મતની દરેક ઈબાદત તેની નિયત (આશય, ઈરાદો) મુજબ શક્ય બને છે. આ સંદર્ભમાં એક બોધ આપનારું દ્રષ્ટાંત રાહબર બની રહેવા પામશે:
પયગંબર હઝરત મુહંમદ (સલ.) પાસેથી એક શખસ પસાર થયો. આપ હુઝૂરે અનવર (સલ.) પાસે બેઠેલા એક સહાબી (સાથી) એ અરજ કરી કે, ‘યા અલ્લાહના રસૂલ! આ માણસની મહેનત અલ્લાહના માર્ગમાં હોત તો કેટલું સારું થાત!’ આપ હુઝૂરે અનવર (સલ.) ફરમાવ્યું કે – ‘જો એ ઈન્સાન પોતાનાં નાનાં – નાનાં સંતાનોનાં પાલણપોષણ માટે દોડી રહ્યો છે, તો તેની દડ અલ્લાહના માર્ગમાં જ લેખાશે; પરંતુ જો તે પોતાની જાત માટે દોડી રહ્યો છે અને તેનો ઈરાદો એવો હોય કે લોકો સમક્ષ હાથ ફેલાવવો ના પડે, તો તેની એ દોડ પણ પરવરદિગારે આલમના માર્ગમાં જ ગણાશે, પરંતુ જો તેની દોડાદોડ (પ્રયત્નો) એવા હેતુથી હોય કે લોકો સમક્ષ પોતાની મોટાઈ બતાવે અને માલદારી (શ્રીમંતાઈ)નું પ્રદર્શન કરે, તો તેની આ બધી જ મહેનત સેતાનના માર્ગમાં જ ગણાશે.’
મજકુર હદીસ શરીફની હિદાયતમાં નિયત જોવામાં આવશે તેનો ઉલ્લેખ છે.
આ હદીસ (હુઝૂરે અનવર – સલ.ના કથનો) નો સ્પષ્ટ અર્થ એવો નથી કે માણસે વધારે ધન નહીં કમાવું જોઈએ. માલો દૌલત જરૂર કમાવ અને તેનો ખર્ચ કરો ત્યારે અલ્લાહના માર્ગનો વિચાર પણ કરો. રબની રાહ એટલે ફકીરો – મહોતાજોને જ આપો એવું નથી, પરંતુ તમારાં બાળકો, માતા-પિતા, પત્ની પરિવાર માટે અથવા તમારે કોઈની પાસે હાથ લંબાવવો ના પડે, તમારી જરૂરિયાતોને તમે પહોંચી વળો, તે કારણે વધારે મહેનત કરતા હોવ, તો એ અલ્લાહના માર્ગની જ દોડાદોડ (કોશીશો) લેખાશે. નેક માર્ગે કમાયેલી દૌલત અને પરિશ્રમ ઈબાદતનો જ એક ભાગ છે.
મહાન સૂફી હઝરત સૂફિયાન સૌરી (રદ્દિયત આલા અન્હો)નું એક કથન છે કે, ‘નબુવ્વત અને ખિલાફત કાળમાં ધનસંપત્તિને અપ્રિય ગણવામાં આવતી હતી, પરંતુ હવે આપણા જમાનામાં માલ-દૌલત તો મોમીનની ઢાલ છે.’ આપ ફરમાવો છો કે – ‘આપણી પાસે દિરહમ અને દિનાર (નાણા) ના હોત, તો બાદશાહો-શહેનશાહો આપણને તેમના રૂમાલ (મોઢું લુછવા) બનાવી દેત.’ પરંતુ સમયે કરવટ (પડખું) બદલ્યું છે. આજે તો એવો જમાનો આવ્યો છે કે જો કોઈ શખસ જરૂરતમંદ હશે અથવા કોઈ વ્યક્તિ પોતાના લાભાલાભ માટે ધર્મને વેચી મારવા સુધ્ધાં સહેજે ખચકાશે નહીં.
‘મિશ્કાત’માં હઝરત સૂફિયાન આગળ પર ફરમાવે છે કે – ‘હલાલ (ઈમાનદારીપૂર્વક)ની કમાણીમાં નકામો વ્યય થતો જ નથી.’ ટૂંકમાં સારાંશ એ નીકળે છે કે જાઈઝ (હક્ક)નાં સાધનોથી ધનસંપત્તિ મેળવો તથા ઘરખર્ચ અને બીજાં સારાં કામોમાં વાપરીને સૃષ્ટિના સર્જનહારને રાજી કરો. ઈસ્લામ ધર્મમાં જેટલી પણ ઈબાદતો છે, બધાનો આધાર નિય્યત (દાનત) પર અવલંબે છે. નેક ઈરાદા – આશયથી કરેલ દરેકેદરેક કાર્ય અલ્લાહના દરબારમાં સ્વીકાર્ય બને છે. તેના મીઠા ફળ આ દુનિયામાં તો મળે છે, પરંતુ આખેરતમાં પણ મળે જ છે.
નિખાલસતાપૂર્વક કરેલી ઈબાદત, ધંધો-રોજગાર, સગાં-સંબંધીઓ સાથેના વ્યવહાર કુદરતી આફતો સામે ઢાલ બને છે. બંદાના આમાલ (કર્મ) થતા હોવાના લીધે જ ખુદાવંદે કરીમનો ઈન્સાનઝાત પરનો વિશ્ર્વાસ હજુ ટકી રહ્યો છે. આ કર્મો જ આકાશના થાંભલા છે. તેમાં વધારો થતો રહેશે તો આગ પણ બાગમાં પરિવર્તિત થઈ જવામાં દેર લાગશે નહીં. શ્રદ્ધા, સબૂરી, ઈમાનદારી, પરિશ્રમ તકદીરની બાજી બદલે.
– સલિમ-સુલેમાન
દુનિયાના બદલામાં ઈલ્મને વેચવાનું પરિણામ આવું આવે
હઝરત ઈમામ જાફરે સાદ્દીક રદ્દીયતઆલા અન્હુ (અલ્લાહ આપના પર રાજી રહે) ફરમાવે છે કે પયગંબર હઝરત મુસા અલૈયહિ સલ્લામ (અલ્લાહ તરફથી આપના પર શાંતિ રહે – સલામ હોજો)ને ચાહનારો એક શખસ હંમેશાં તેમની સાથે રહેતો હતો અને ઈલ્મ (જ્ઞાન, વિદ્યા) મેળવતો હતો. લાંબા સમય પછી તેણે હઝરત મુસા અલૈયહિ સલ્લામ પાસે પોતાના ઘરે જવાની રજા માગી.
પયગંબર હઝરત મુસા અલૈયહિ સલ્લામે તે શિષ્યને રજા આપી અને ફરમાવ્યું – ‘જાવ તમારા ભાઈઓ, સગાં સંબંધીઓ, કુટુંંબીજનોને મળો; પરંતુ એક વાત ખાસ યાદ રાખજો કે અલ્લાહે તમને જે ઈલ્મ-જ્ઞાન આપ્યું છે તેના પર તમારા ઈલ્મ પ્રમાણે અમલ કરજો અને ઈલ્મના બદલામાં દુનિયાની ઈચ્છા નહીં કરતા, નહીંતર નુકસાન ઉઠાવશો.’
તે શાગીર્દે કહ્યું – ‘મને અલ્લાહ પાસેથી ભલાઈની ઉમ્મીદ (આશા) છે.’
તે શિષ્ય ચાલી ગયો અને લાંબા સમય સુધી પયગંબર હઝરત મુસા અલૈયહિ સલ્લામ પાસે પાછો ફર્યો નહીં. હઝરત મુસા અલૈયહિ સલ્લામ તેના વિશે લોકોને પૂછપરછ કરતા રહ્યા, પરંતુ તેના કોઈ ખબર મળ્યા નહીં. એક દિવસ આપ હઝરતે ફરિશ્તા હઝરત જીબ્રઈલ અલૈયહિ સલ્લામને પૂછયું – ‘તમે મારા ફલાણા શાર્ગીદને જોયો છે?’
હઝરત જીબ્રઈલ અલૈયહિ સલ્લામે કહ્યું – ‘હુઝુર! તે મસ્ખ થઈને વાંદરો બની ગયો છે.’
હઝરત મુસા અલૈયહિ સલ્લામે ફરમાવ્યું – ‘તેણે શું ગુનાહ કર્યા હતા?’
હઝરત જબ્રઈલે અર્ઝ કરી – ‘અલ્લાહે તેને ઈલ્મ અતા કર્યું હતું, પરંતુ તેણે ઈલ્મને દુનિયાના બદલામાં વેચી દીધું.’ તેથી અલ્લાહે તેને મસ્ખ કરીને વાંદરો બનાવી દીધો.’ (‘મસ્ખ’: શકલો સૂરત, મેહરામોહરા બદલી નાખવાને અરબીમાં ‘મસ્ખ’ કહે છે). ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.