ફિલ્મો સિવાય, બોલિવૂડમાં ખિલાડી કુમાર તરીકે પ્રખ્યાત અક્ષય કુમાર અવારનવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં આવે છે. ઘણી વખત તેમને તેમની નાગરિકતા માટે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ પણ કરવામાં આવે છે. લાંબા સમય સુધી આવી ટીકાઓનો સામનો કર્યા બાદ હવે તેમણે કેનેડાની નાગરિકતા છોડવાનો નિર્ણય કર્યો છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં અક્ષયે આ વિશે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું હતું કે ભારત તેના માટે સર્વસ્વ છે અને તેમણે અહીં પાસપોર્ટ માટે અરજી કરી દીધી છે. ઇન્ટરવ્યુ દરમિયાન પોતાની નાગરિકતા વિશે વાત કરતા અક્ષયે કહ્યું હતું કે ભારત જ તેમના માટે સર્વસ્વ છે. તેમણે જે કંઈ હાંસલ કર્યું છે, તે ભારતમાંથી જ કર્યું છે. તેઓ ભાગ્યશાળી છું કે તેમને દેશ માટે કંઈક કરવાનો મોકો મળ્યો છે. અક્ષયે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે એક સમયે તેમની 15 થી વધુ ફિલ્મો ફ્લોપ થઈ ગઈ હતી, જેને કારણે તેઓ ઘણા નાસીપાસ થઇ ગયા હતા. આ જ કારણ હતું જેણે તેમને કેનેડાની નાગરિકતા લેવાની પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું હતું કે, “મને લાગ્યું કે મારી ફિલ્મો કામ નથી કરી રહી અને મારે કંઇક કામ કરવું પડશે. હું કામ માટે ત્યાં ગયો હતો. મારો મિત્ર કેનેડામાં હતો અને તેણે મને કહ્યું કે અહીં આવો. ત્યાર બાદ મેં અરજી કરી અને કેનેડાની નાગરિકતા મેળવી હતી.” એમ કહેતા અક્ષયે ઉમેર્યું હતું કે “એ સમયે મારી માત્ર બે ફિલ્મો રિલીઝ થવાની બાકી હતી. નસીબજોગે બંને સુપરહિટ થઇ. મારા મિત્રે મને કહ્યું કે પાછો જા અને ફરીથી કામ શરૂ કર. એ પછી મને કામ મળવા લાગ્યું. હું ભૂલી ગયો કે મારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે. આ પાસપોર્ટ બદલવાનો વિચાર ક્યારેય આવ્યો ન હતો, પરંતુ હવે મેં મારો પાસપોર્ટ બદલવા માટે અરજી કરી છે . વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર ટૂંક સમયમાં સેલ્ફીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ઈમરાન હાશ્મી પણ જોવા મળશે. રાજ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 24 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ગત વર્ષ અક્ષય કુમાર માટે સારું રહ્યું ન હતું.