Homeરોજ બરોજ.. તો ભારતને પ્રથમ સમલૈંગિક ન્યાયાધીશ મળશે!

.. તો ભારતને પ્રથમ સમલૈંગિક ન્યાયાધીશ મળશે!

રોજ બરોજ -અભિમન્યુ મોદી

અદાલતમાં કેસ ચાલતો હતો. મુદ્દો શું? યુવકના જે યુવતી સાથે લગ્ન થયા એ યુવતી અસલમાં પુરુષ તરીકે જન્મી હતી અને સમય જતાં ખબર પડી કે તેનાં લક્ષણો સ્ત્રી જેવાં છે. અઢળક રૂપિયા ખર્ચી તે પુરુષમાંથી સ્ત્રી બની ગઇ. અને યુવક સાથે સંસાર માંડ્યો. યુવકને પણ સઘળી હકીકતની ખબર હતી. છતાં તેણે લગ્ન કર્યા અને પોતાના પરિવારજનોને અંધારામાં રાખ્યા. એક મહિનામાં સાસુએ પોત પ્રકાશ્યું અને પુત્રની માગ શરૂ કરી દીધી. મેડિકલ સાયન્સના મતાનુસાર સર્જરી બાદ વ્યક્તિ ભલે સ્ત્રી જેવો દેખાવ ધરાવે, પરંતુ તે સંતાન સુખ પ્રાપ્ત ન કરી શકે. સાસુ તો અકળાયા અને પુત્રવધૂ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો. આ વિચિત્ર કેસમાં શું ચુકાદો આપવો તેમાં ન્યાયાધીશ પણ ગોટે ચડયા. ન્યાયાધીશ પાછા શિષ્ટ સમાજમાંથી આવે, તેમના મસ્તિષ્ક પર દુનિયાએ અભિમંત્રિત જળ છાંટ્યું છે. સમાજ સમલૈંગિકતાને માનસિક બીમારી સમજે છે. એટલે ન્યાયાધીશનું ચાલે તો તેઓ યુવતીને મનોરોગી જાહેર કરીને હૉસ્પિટલમાં ખસેડવાનો ચુકાદો જાહેર કરે, પરંતુ કાયદો નડે! સમલૈંગિકોને કાયદાએ સ્વીકાર્યા છે. બીજી તરફ મીડિયાની નજર પણ આ ચુકાદા સાથે જોડાયેલી છે. જેથી સત્યનો સાથે આપીને ન્યાય તો કરવો જ પડશે.ન્યાયાધીશ હોંશિયાર હતા તેમણે સરકારમાં સેટિંગ બેસાડી સ્વયંની અન્ય કેસમાં બદલી કરાવી દીધી. હવે આ કેસનો ચુકાદો જાહેર કરવા કોઈ તૈયાર નથી. આ ઘટના બ્રિટનમાં બની. એ રાષ્ટ્ર જે આધુનિક હોવાના બણગાં ફૂંકે છે. સમગ્ર બનાવ ફિલ્મી છે. એટલે તેના અંત પર ઘણા ખરા ફિલ્મ સર્જકોની મીટ મંડાયેલી છે. આ કેસ સંદર્ભે મીડિયા દ્વારા ઘણાં સેલિબ્રિટીઝના ઈન્ટરવ્યૂ લેવાયા. તેમાંના એક સમલૈંગિક અભિનેતાએ એવો પ્રસ્તાવ મૂકયો કે આવા કેસમાં ત્રણ ન્યાયાધીશની કમિટી બનાવો. એક સ્ત્રી, એક પુરુષ અને એક સમલૈંગિક ન્યાયાધીશ. તેમની તાર્કિક દલીલો અને સચોટ નિર્ણયો ઐતિહાસિક ચુકાદો જાહેર કરશે. વાત અણીશુદ્ધ સોના જેવી છે. બ્રિટનને ભૂલીને ભારતના સંદર્ભમાં વિચારો તો જેટલા ચુકાદા જાહેર થયા એ બધામાં ત્રણથી પાંચ ન્યાયાધીશની કમિટી રચાઇ હતી. અને તેમણે જ દાખલરૂપ નિર્ણય જાહેર કર્યો હતો. અમેરિકામાં તો ૧૬ જેટલા સમલૈંગિક ન્યાયાધીશ ચૂકાદા જાહેર કરે છે, પરંતુ ભારતમાં કોઈ સમલૈંગિક ન્યાયાધીશ છે?
ભારતમાં સમલૈંગિકોને ઉપેક્ષા સિવાય કંઇ મળતું નથી. અવકાશમાંથી અવતરેલા એલિયનની જેમ લોકો તેમને નિહાળે છે અને અપશબ્દોની હારમાળા સર્જીને તેમનું સ્વાગત કરે. છતાં ભારતમાં એક એવા સમલૈંગિક ધારાશાસ્ત્રી છે જેઓ ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવે છે. તેમણે ભારતમાં વસતા સમગ્ર એલજીબીટી અર્થાત લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ એન્ડ ટ્રાન્સજેન્ડર સહિતના તમામને ન્યાય અપાવવા માટે સમાજ અને સંસાર સાથે સંઘર્ષ કર્યો, અદાલતમાં લાંબી લડત ચલાવી. ૧૪ વર્ષમાં બે વખત પોતાનો અનુભવ અને કાયદાની સમજના પ્રતાપે કેસ જીતી ગયા. સુપ્રીમ કોર્ટે પણ ઇન્ડિયન પિનલ કોડની ૩૭૭ની કલમને નાબૂદ કરી અને એલજીબીટી સમુદાયને સ્વતંત્રતા આપી. આવું ઉદત કાર્ય કરનાર ધારાશાસ્ત્રી ન્યાયને ઝંખે છે. તેમનું નામ છે સૌરભ કૃપાલ. સૌરભ કૃપાલ હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી.એન. કૃપાલના પુત્ર છે. સૌરભ સિનિયર ધારાશાસ્ત્રી છે. હાઈ કોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક કરવા સુપ્રીમ કોર્ટનું કોલેજિય સતત ૬ વર્ષથી સરકારમાં અરજી કરે છે. છતાં તેમની ફાઇલ કોઈ કચેરીમાં અટવાઈ ગઇ છે. જો સરકાર તેમના નામ પર મોહર લગાવે તો તેઓ હાઈ કોર્ટમાં ન્યાયાધીશ બનનારા પ્રથમ સમલૈંગિક વ્યક્તિ હશે. પણ ક્યારેય મોહર લાગશે?
ઇ.સ.૧૮૬૦ની સાલમાં ભારત બ્રિટિશરોની કેદમાં હતું. એ સમયે મહારાણી એલિઝાબેથના સાવકા પિતા કિંગ જ્યોર્જના આદેશથી ઇન્ડિયન પિનલ કોડમાં ૩૭૭ની કલમ દાખલ કરવામાં આવી હતી, જે મુજબ કોઇ પણ વ્યક્તિ સજાતીય સંબંધો બાંધે તો તેને ગુનો માનવામાં આવે છે અને જેલની સજા થઇ શકે છે. ભારતને સ્વતંત્રતા મળી તે બાદ પણ આ કલમ યથાવત હતી અને જાહેરમાં સમલૈંગિક સંબંધો બાંધનારને સજા કરવામાં આવતી હતી.
ઇ.સ.૧૯૮૮માં અમેરિકામાં સમલૈંગિકોના અધિકારો માટે અને ખાસ કરીને સમલૈંગિક લગ્નોને માન્યતા આપવા માટેની ઝુંબેશ શરૂ થઇ. આ ઝુંબેશનો મુખ્ય હેતુ પણ સમલૈંગિક અને લેસ્બિયન લોકો સંતાન દત્તક લઇ શકે તેવો હતો. અમેરિકાના ઘણાં રાજ્યોમાં આ પ્રકારનાં લગ્નોને કાનૂની માન્યતા મળી ગઇ. અને આજે દરેક ક્ષેત્રમાં સમલૈંગિક સામાન્ય નાગરિકની જેમ કામ કરે છે. આ પરિવર્તનને ધ્યાને લઈને ભારત સહિતના ત્રીજા વિશ્ર્વના દેશોમાં આ ઝુંબેશની નિકાસ કરવામાં આવી. એ સમયે સૌરભ કૃપાલના નેતૃત્વમાં ભારતમાં પણ સમલૈંગિકોની રેલીઓ નીકળવા લાગી અને તેઓ જાહેરમાં પોતાના સંબંધોનો એકરાર કરવા લાગ્યા. સૌરભ કૃપાલની અરજીના પરિણામે દિલ્હીની હાઇ કોર્ટે ઇ. સ. ૨૦૦૯માં ૩૭૭મી કલમ રદ કરી નાખી. છતાં શિષ્ટ સમાજના પહેરેદારોએ સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા.
તેથી સૌરભે અન્ય ધારાશાસ્ત્રીઓને સાથે રાખીને કલમ ૩૭૭ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી. તેમણે સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી બહાર લાવવાની તરફેણમાં કેસ લડ્યા. પરિણામે સપ્ટેમ્બર ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે પણ ૩૭૭ની અન્ય કલમોને પણ હટાવી દીધી હતી જે સમલૈંગિક સંબંધોને ગેરકાયદે માનતી હતી. સૌરભને આટલી લાંબી લડત બાદ મળ્યું શું? ફરી એક તારીખ, ફરી એક ન્યાયની ઝંખનાં!
ભારતમાં કોઈની માનસિકતામાં બદલવી હોય તો બીજો જન્મ લેવો પડે. દેશમાં રાધા-કૃષ્ણની પૂજા થાય છે છતાં પ્રેમલગ્નનો અસ્વીકાર થાય છે. એક ચોક્કસ વર્ગ એવું માને છે કે ટ્રેનમાં તો સુવિધા નામે મીંડું અને સીટના નામે છીંડું જ મળે. મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. મહાનગરોમાં શ્ર્વસતું યુવાધન અસંસ્કારી હોય, તેમનામાં સભ્યતાનો છાંટો પડ્યો જ ન હોય, સરકારી શાળામાં બાળકો અભ્યાસ કરવા નહિ મફતનું ભોજન આરોગવા જાય છે, ગ્રહણ હોય ત્યારે સ્ત્રીઓએ બહાર નીકળવું નહિ, નહીંતર સંતતિ થવામાં તકલીફ પડે. આ અને આવા અનેક રૂઢિગત વિચારોમાં કોઈ પરિવર્તન નથી આવ્યું.મુંબઈ જેવું મહાનગર પોતાનો વ્યાપ અને વિસ્તાર વધારી ચૂક્યું છે. છતાં લોકોને ઓટલા નથી મળતા! તો સમલૈંગિક ન્યાયાધીશને કઈ રીતે સ્વીકારે?
ભારતમાં સમલૈંગિક સંબંધ અપ્રાકૃતિક છે! અપ્રાકૃતિક અથવા અકુદરતી એટલે શું? ભારતની પૌરાણિક પરંપરામાં પુરષની આત્મા અને પ્રકૃતિની પદાર્થ તરીકે કલ્પના કરવામાં આવી છે. બંને અનંત અને અપાર છે પણ સ્વભાવથી પુરુષ સ્થિર, અચલ છે. જ્યારે પ્રકૃતિ વ્યાકુળ, ચંચળ છે. કામાતુર થવાનો પ્રકૃતિનો ભાવ છે અને તેની ચંચળતા વિવિધ સ્વરૂપે ભારતીય મંદિરોના દરવાજા અને દીવાલો પર અભિવ્યક્ત થઇ છે. દેવ, દાનવ, માનવ, પક્ષી, પશુ, પંખી, ફળ અને ફૂલથી લઇને કલ્પના કરી શકાય તેવા રૂપમાં પ્રકૃતિની ચંચળતા પૌરાણિક સ્થાપત્યમાં જડાયેલી છે. પુરુષ સ્ત્રીમાં અને સ્ત્રી પુરૂષમાં તબદીલ થાય તેવી અનેક કથાઓથી પુરાણો ભરેલાં પડ્યાં છે. સંસાર માયા છે એવું જ્ઞાન નારદજીને ક્યાંથી લાધેલું? નારદજી મનુષ્યોની પીડાને નિહાળવા ધરતી પર આવ્યા અને એક માયાવી સરોવરમાં ડૂબી ગયા, સ્ત્રીરૂપમાં પરિવર્તિત થયા ત્યારે ખબર પડી કે સ્ત્રી બનવા માટે પુરુષથી પણ વધુ શક્તિઓ જોઈએ. કૃષ્ણ સાથે રાસ-લીલા રમવા મહાદેવ યમુનામાં પડ્યા અને ગોપી બની ગયા. વૃંદાવનમાં ગોપેશ્ર્વરજીનું મંદિર આ કથાની સાક્ષી પૂરે છે. એ તો ઠીક કે કિંવદંતી છે. સંસાર તેમના અર્ધનારેશ્ર્વર રૂપને પૂજે છે. છતાં સૃષ્ટિ પર શ્ર્વસતા સાક્ષાત અર્ધનારેશ્વરને ઉપેક્ષાની નજરે જુએ છે.
મહેસાણામાં બહુચરાજીના મંદિર નજીક એક તળાવ હતું. તેના પાણીમાં માદાને નરમાં પરિવર્તિત કરવાની શક્તિ હતી. આજે તળાવ તો સુકાઇ ગયું, છે પરંતુ નર બાળકની ઇચ્છા પૂર્તિ માટે સ્ત્રીઓ આજ પણ એ તળાવની માનતા માને છે. પોંડિચેરી પાસે કૂવાગામમાં દર વર્ષે કિન્નરો નૃત્યનો કાર્યક્રમ કરે છે. ત્યાં કથા એવી છે કે બલિ ચડી રહેલા અર્જુનના પુત્ર આરવણને પરણવા કોઇ સ્ત્રી તૈયાર થતી ન હતી ત્યારે કૃષ્ણ મોહિનીનું રૂપ ધરીને આવ્યા હતા. આમ તો આ કથાઓ પણ અપ્રાકૃતિક કે અકુદરતી ગણી શકાય ને?
વાસ્તવિકતા તો એ છે કે પરિવર્તન સંસારનો નિયમ છે આવું સાંભળવું ગમે સ્વીકારવું નહિ!, કોલેજના વર્ગખંડમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી નિયમિત એક બેન્ચ પર બેસે છે, તેની બેન્ચ બદલી જાય તો પણ અભ્યાસમાં તેની રુચિ જળવાતી નથી તો સમલૈંગિકતાના કાયદાને ભારત કઈ રીતે સ્વીકારશે? બ્રિટનના એ કલાકારની વાત ક્ષુલ્લક નથી. ખરેખર ભારતને એક સમલૈંગિક ન્યાયાધીશની આવશ્યકતા છે. કારણ કે સમલૈંગિકોનો સમુદાય વિકસી રહ્યો છે. અને ભારતના નાગરિક તરીકે તેમને ન્યાય પણ મળવો જોઈએ.સૌરભ કૃપાલ તેમની મહેનતથી કાયદાના ક્ષેત્રમાં આગળ વધ્યા છે. તેમણે અનેક નિર્દોષ લોકોને ન્યાય અપાવ્યો છે, છતાં માત્ર તેના સમલૈંગિક હોવા પર સરકાર તેમને સ્વીકારે નહિ એ કેટલી હદે યોગ્ય છે? કૃપાલ હવે સોશિયલ મીડિયા પર ન્યાય મેળવવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે સરકાર ક્યારે સૌરભ કૃપાલને ન્યાયાધીશ બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular