…તો એ ‘શોલે’ કેવું હોત?

મેટિની

ધર્મેન્દ્ર ઠાકુર હોત, સંજીવ કુમાર વીરુ અને ડેની ગબ્બર હોય એવી ‘શોલે’ની કલ્પના કરી શકો છો?

ફિલ્મનામા -નરેશ શાહ

રમેશ સિપ્પી અને સલીમ-જાવેદ વગરનું ‘શોલે’ બને તો એ કેવું હોય તે આપણને રામ ગોપાલ વર્માએ બતાવ્યું, પણ હકીકત એ છે કે આજથી તેતાલીસ વરસ પહેલાં (૧૯૭૩) રમેશ સિપ્પી અને સલીમ-જાવેદે સાથે બેસીને ‘શોલે’ની સ્ક્રિપ્ટ ફાઈનલ કર્યા પછી તેની સ્ટારકાસ્ટ ડિઝાઈન કરી ત્યારની સ્થિતિ હતી અને જે તે સ્ટારની ઈચ્છાઓ તો તેનાથી અલગ જ હતી. ‘અંદાઝ’ અને ‘સીતા ઔર ગીતા’ બનાવ્યા પછી સિપ્પી પિતા-પુત્ર એક ગ્રાન્ડ લેવલની વેસ્ટર્ન ઈન્ડો શૈલીની એકશન મૂવી બનાવવા માગતા હતા, જે ખરા અર્થમાં મલ્ટિસ્ટારર હોય. સુપરહિટ ‘સીતા ઔર ગીતા’ની પેર (ધર્મેન્દ્ર-હેમા માલિની)ને તો ઓબ્વિયસલી, રમેશ સિપ્પીએ રિપીટ કરવાનું નક્કી કરી લીધું હતું. સેક્ધડ લીડ માટે રમેશ સિપ્પી શત્રુઘ્ન સિંહાને લેવા માગતા હતા, પરંતુ આખાબોલા તેમ જ ઈગોઈસ્ટ શત્રુઘ્ન સિંહા એ વખતે મોટા અને મોંઘા સ્ટાર હતા. ‘શોલે’ ઓલરેડી મલ્ટિસ્ટારર ફિલ્મ હોવાથી રમેશ સિપ્પીને ડર હતો કે બડબોલા શત્રુભૈયાને હેન્ડલ કરવા અઘરા થઈ પડશે એટલે જ તેમણે અમિતાભ બચ્ચન અને (એ વખતના બિગ બીનાં સોફ્ટ કોર્નર એવાં) જયા ભાદુરીને પસંદ કર્યાં હતાં. અમિતાભ બચ્ચનના નામમાં સંમતિ બેશક, સલીમ-જાવેદે આપી હતી, કારણ કે (તેમની જ ભલામણથી) અમિતાભ ‘ઝંજીર’ ફિલ્મ પણ કરી રહ્યા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે અમિતાભે ‘શોલે’ના રોલ માટેની ભલામણ કરવાનું ધરમપાજીને કહ્યું હતું. ધરમપાજીના સજેશન પર આખરે તય થયું કે જયનું કિરદાર અમિતાભ બચ્ચન કરશે…
એ પછી ઠાકુર સંજીવ કુમાર અને ગબ્બર સિંહ ડેની ડેન્ઝોન્ગ્પાને કાસ્ટ કરવામાં આવ્યા, પણ ફિલ્મી પ્રોટોકોલ પ્રમાણે, સ્ટારને સાઈન કરતાં પહેલાં તેને આખી સ્ટોરી અથવા સ્ક્રીન પ્લે સંભળાવવાની હોય છે કે જેથી પોતાના કેરેક્ટરને અભિનેતા સમજી શકે. ફિલ્મમાં તેનું મહત્ત્વ સમજી શકે. કમઠાણ અહીં શરૂ થઈ. હેમા માલિનીને લાગ્યું કે ટાંગાવાલી બસંતીનું કેરેક્ટર બહુ મોટું કે અગત્યનું નથી. તેણે રમેશ સિપ્પીને ફરિયાદ કરી. રમેશ સિપ્પીએ કોઈ પણ જાતના આડંબર વગર કહી દીધું કે ‘શોલે’ દરઅસલ ઠાકુર અને ગબ્બર સિંહની જ કહાણી છે. તમારાં પાત્રો એમની કહાણીનો હિસ્સો છે. બેશક, તારું પાત્ર બહુ ઈન્ટરેસ્ટિંગ છે… ‘સીતા ઔર ગીતા’ (એ પહેલાં ‘અંદાઝ’થી) નંબર વન હિરોઈન બનાવી દેનારા રમેશ સિપ્પી પ્રત્યેના આદરના કારણે હેમા માલિની સંમત થયાં, પણ સૌથી ઓછાં દૃશ્યો અને સંવાદોવાળી વિધવા રાધાનો રોલ કરનારાં જયા ભાદુરીને પણ આ જ વાત ખટકતી હતી.
આંખોના ઊંડાણ, ચહેરાના એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજમાં તારી ટક્કર મારે એવી કોઈ હિરોઈન જ નથી, જયા: રમેશ સિપ્પીએ આવું કહેલું, પણ જયા ભાદુરીને હજુ કચવાટ હતો. એ અમિતાભે દૂર કર્યો. આમ પણ ‘બંસી બિરજુ’ અને ‘એક નઝર’ બન્ને કરી ચૂક્યાં હતાં. ‘ઝંજીર’ કરી રહ્યાં હતાં. કૂમળા અંકુરો ફૂટી ગયા હતા જયા અને અમિતાભ વચ્ચે. સરસ સેટઅપ છે, સરસ ફિલ્મ છે અને તને રોલ શૂટ પણ થશે જ, અમિતાભે જયાને સમજાવતાં કહેલું: … અને આપણને બન્નેને સાથે રહેવા પણ મળશે.
જયા ફાઈનલ. ધમાચકડી તો પુરુષ કિરદારોમાં થઈ હતી. સ્ટોરી સાંભળનારા તમામની પહેલી ઈચ્છા એ રહેતી કે તેમને ગબ્બર સિંહનું કિરદાર જ ભજવવું હતું. સૌથી પહેલી ઈચ્છા અમિતાભે વ્યક્ત કરેલી કે રમેશ સિપ્પી ઈચ્છે તો તે ગબ્બર સિંહનું પાત્ર ભજવવા માગે છે (બિગ બીએ એ ઈચ્છા બહુ ખરાબ રીતે ‘રામ ગોપાલ વર્મા કે શોલે’માં વરસો પછી પૂરી કરી). ઠાકુરના પાત્ર માટે પ્રથમ કેરેક્ટર એક્ટર પ્રાણના નામની વિચારણા થઈ હતી, પણ ‘પરિચય’, ‘કોશિશ’ અને ‘ખિલૌના’ના સંજીવ કુમારના પરફોર્મન્સથી પ્રભાવિત રમેશ સિપ્પી સંજીવ કુમારને લેવા માગતા હતા. જોકે સંજીવ કુમાર તો સ્ટોરી નેરેશનમાં જ હિંસાનાં વર્ણનો સાંભળીને અપસેટ થઈ ગયા હતા, છતાં તેમણે સંમતિ આપતાં કહ્યું કે હું ગબ્બર સિંહ બનવા માગું છું. જોકે બહુ જલદી તેઓ ઠાકુર બનવા સંમત થઈ ગયા, કારણ કે વિલન તરીકેની હિંસા તેમને અકળાવતી હતી અને આમ પણ, ગમે તેવો ગ્લોરિફાય રાવણ હોય, જીત તો હંમેશાં રાજાની જ થતી હોય છે એ વાત તેમને ગળે ઊતરી ગઈ પણ…
ધર્મેન્દ્રએ તો હઠ લીધી હતી કે તેને ઠાકુરનું જ પાત્ર ભજવવું છે. ‘શોલે’ની સર્જનકથા લખનારાં અનુપમા ચોપરાના પુસ્તકમાં લખ્યું છે તેમ, રમેશ સિપ્પીએ ધર્મેન્દ્રને ટેક્ટફુલી સમજાવ્યા કે જો તું ઠાકુર બનશે તો છેલ્લે હેમા માલિની (વીરુ બનનારા) સંજીવ કુમારને મળશે. આમ પણ ઠાકુરનું પાત્ર કેરેક્ટર રોલ છે… એ વખતે નવા નવા રોમેન્સે ચઢેલા ધર્મેન્દ્ર નહોતા ઈચ્છતા કે (હેમાને લગ્ન પ્રપોઝ કરી ચૂકેલા) સંજીવ કુમાર હેમા માલિની સાથે ફિલ્મી રોમેન્સ કરે અને અંતમાં બંસતી તેમને (સંજીવ કુમારને) મળે. એ વીરુ બનવા તૈયાર થઈ ગયો.
નિયતિના ખેલ જુઓ કે ‘શોલે’ પછી જે ગબ્બર સિંહ અમર થઈ ગયો એ પાત્ર ડેની ડેન્ઝોન્ગ્પા ભજવવાનો હતો. તમામ સ્ટારકાસ્ટ સાથેની લોન્ચિંગ એડ પણ ટ્રેડ પેપરમાં સિપ્પી પિતા-પુત્રએ આપી દીધી હતી, પણ શૂટિંગના એક મહિના પહેલાં (ર ઓક્ટોબર, ૧૯૭૩) ડેનીએ ફિલ્મ છોડવી પડી, કારણ કે ‘ધર્માત્મા’ માટે અફઘાનિસ્તાન ગયા પછી તેને વહેલો ફ્રી નહીં કરી શકું એવું દિગ્દર્શક-હીરો ફિરોઝ ખાને કહી દીધું. ‘શોલે’નું શૂટિંગ શરૂ
થવાના અંતિમ તબક્કામાં હતું ત્યારે જ તેનું મુખ્ય કિરદાર ગબ્બર સિંહ ભજવવાવાળું કોઈ રહ્યું નહોતું. જાવેદ અખ્તર જ એ વખતે સ્ટ્રગલર અમજદ ખાનને લઈ આવ્યા કે જેને ગબ્બર સિંહ તરીકે ફાઈનલ કરવામાં આવ્યા ત્યારે શૂટિંગ શરૂ થવાને માત્ર વીસ દિવસની જ વાર હતી. બેંગલોરના લોકેશન પર જવા માટે અમજદ ખાન પ્લેનમાં વિમાનમાં ઊડ્યા ત્યારે તેમની પત્નીએ પુત્ર શાદાબને જન્મ આપ્યાને માત્ર ત્રણ જ દિવસ થયા હતા અને… ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી લોકપ્રિય વિલન ગબ્બર સિંહ બનવાનો ચાન્સ અમજદ ખાનને જે લેખક બેલડી સલીમ-જાવેદે આપેલો, તેની સાથે ‘શોલે’ દરમિયાન જ એવી ખટાશ આવી ગઈ કે અમજદ ખાને ‘શોલે’ પછી એકપણ ફિલ્મ તેમની સાથે ન કરી. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.