તો… એક ભારતીય બ્રિટન પર રાજ કરશે

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

કોઈની ભૂલોને નજર અંદાજ ન કરવી જોઈએ. તેમાંય તમે જ્યારે સતા પર આરૂઢ હો ત્યારે તો આળસ દાખવવી જ નહિ. નહીંતર વડા પ્રધાન પદ ગુમાવવું પડે. અત્યારે આખી દુનિયામાં સત્તાના સમીકરણો બદલાઇ રહ્યા છે. એક તરફ મહરાષ્ટ્રમાં ઠાકરે યુગનો અંત અને શિંદે જૂથનો પ્રારંભ થયો છે. બીજી તરફ બ્રિટનની રાજનીતિમાં પણ ફેરફારો આવવા માંડ્યા. પોતાની ઓવર સ્માર્ટનેસના કારણે બ્રિટનના પીએમ બોરિસ જોન્સન હંમેશાં ચર્ચામાં રહેતા આવ્યા છે. એમ કહું કે અતિશયોક્તિ નહિ કહેવાય કે તેઓ મીડિયામાં ચમકવા માટે નવા નવા સ્ટંટ કરતાં રહે છે. છેલ્લે જ્યારે તેઓ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે ગુજરાતના હાલોલ ખાતે જેસેબીની ફેકટરીના ઉદ્ઘાટનમાં તેમણે બુલડોઝરમાં એન્ટ્રી કરી હતી. એ વખતે તેઓ ફ્રન્ટ પેજ પર ચમક્યા હતા અને આજે પણ તેમની અવદશાને કારણે સમાચારોમાં ચમકી રહ્યા છે.
તેમની આળસને કારણે હવે એવી વિપત્તિ તેમના માથે પડી છે કે બ્રિટનના પીએમના પદ પરથી પણ તેમણે રાજીનામુ આપવું પડ્યું. પણ હાલ બ્રિટિશરોએ ઓક્ટોબર સુધીમાં નવા પીએમ ન મળે ત્યાં સુધી કામચલાઉ પીએમ બનવાની સત્તા બોરિસને આપી છે. આ તે કેવું તમે રાજા તો છો પણ તમારી તલવાર બુઠ્ઠી છે… કોઈ પણ સમયે તમને બરતરફ કરીને નવા રાજાને તમારા સ્થાને બેસાડશે અને તમારે તાળીઓ પાડીને પેલા નવા રાજાને વધાવવા પડશે..
આવી પરિસ્થિતિ આવી કેમ? વાત છે ૨૦૧૯ની… જ્યારે બ્રિટનના ક્ધઝર્વેટિવ પાર્ટીના નેજા હેઠળ પંચાવનમાં વડા પ્રધાન તરીકે બોરિસ જોન્સને શપથ લીધા. પછી તો જાણે બ્રિટનમાં નવી નવી બાબલ શરૂ થવા માંડી, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીના ૨ વર્ષ અને ૩૫૫ દિવસમાં બોરિસના શાસનમાં મીડિયાને દરરોજ નવો મસાલો મળતો. એ મસાલો પણ સરસ મજાનો હોય જેમાં પીએમના નિવેદન પર કવર સ્ટોરી બની શકે. જ્યારે આખી દુનિયામાં કોરોનાની પ્રથમ લહેરની દહેશત ફેલાઇ હતી ત્યારે બ્રિટનના પીએમ લોકડાઉનનો ભંગ કરીને એક પબમાં પાર્ટી કરતા હતા. બીજે દિવસે તેમના ફોટા દરેક અખબારોમાં ચમક્યા હતા અને તેમની ભારે ટીકા પણ થઈ હતી. બ્રિટનમાં ભારત જેવું નથી. ત્યાં મીડિયાને સ્વતંત્ર રીતે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય પુરાવા સાથે લખવાનો અને છાપવાનો અધિકાર છે. અહીંયા તો કોઈ મંત્રી કે નેતાનું સ્કેન્ડલ છપાય તો પહેલા તો તંત્રી ઓફિસના ફોન ધણધણી ઊઠે.., પછી એ સમાચાર પબ્લિશ થાય તો પણ મંત્રીને તસ્સુભાર પણ ફેર ન પડે, એમની સરકાર બની પણ જાય… ને બાપડી પ્રજા તેમને સહન પણ કરી લે. જેમકે પાટીદાર આંદોલનના નામે ભાજપ સામે બાંયો ચડાવનાર હાર્દિક પટેલ ભાજપમાં જ જોડાઇ ગયા. રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પર મારકૂટ અને ગુંડાગીરીનો આરોપ હતો, છતાં તેઓ આજે ગુજરાતના કેબિનેટ મંત્રી છે.
જ્યારે બ્રિટનમાં તદ્દન વિપરીત છે. સત્તાધીશો એ કોઈ ભૂલ કરી હોય તો તેને સ્વીકારવી જ પડે, મીડિયા તેને માફ ન કરે… પ્રજા પણ એટલી એક્ટિવ… માથે રહીને રાજીનામું અપાવે. આવો જ બ્રિટનનો પક્ષ પ્રમુખ અર્થાત ક્ધઝર્વેટિવ પાર્ટીના ડેપ્યુટી ચીફ વ્હિપ ક્રિસ પિંચર.., સ્વભાવે અત્યંત તોફાની… પોતાની કામવાસનાને તૃપ્ત કરવા પુરુષોને એક્સપ્લોઈટ કરે અને તેમની પાસે ગંદા કામ કરાવે.., તેમની આ નિમ્ન કક્ષાની હરકતોના કારણે પિંચરે ૨૦૧૭માં ડેપ્યુટી ચીફ વ્હિપના પદેથી રાજીનામું આપ્યું હતું. કોઈ પણ પક્ષને ચૂંટણી સમયે મજબૂત બનાવવો હોય તો તેમાં પ્રજાના મનમાં સારી છાપ ધરાવતા લોકોને ટિકિટ આપવી પડે, તેમના ખભે ચૂંટણી લડવી પડે… તો જીત પાક્કી…
બસ… આવા વિચાર સાથે બોરિસે એક પછી એક સારા લોકોને ચૂંટણીમાં રજૂ કરી દીધા. તેમની પાર્ટી જીતી પણ ગઈ અને સત્તા પર આવતા બોરિસે નક્કામા લોકોને મોટા હોદા પર બેસાડી દીધા. અને શરૂ થયો બોરિસના પતનનો પ્રારંભ. પોતાના નાનપણના મિત્ર અને ૨૦૧૭માં સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા તથા પંકાયેલા ક્રિસ પિંચરને બોરિસે ફરી ક્ધઝર્વેટિવ પાર્ટીના ડેપ્યુટી ચીફ વ્હિપ બનાવી દીધા. પ્રજા અને પાર્ટીએ ઉહાપોહ મચાવ્યો તો બોરિસે એવું કહ્યું કે, પિંચર હવે સુધરી ગયા છે. અને તેમના સારા કાર્યોને ધ્યાને લઈને તેમનું મૂળ પદ તેમને મળવું જોઈએ. પછીના ૨ વર્ષ સુધી પિંચરના નાના-મોટા છમકલાં સામે આવ્યાં પણ બોરિસ બધી ફરિયાદોને ટાળી દેતા. તેમણે માત્ર પિંચર સાથેની મિત્રતા જોઈ… દોસ્તીના ઓઠા હેઠળ થતા અપરાધોએ બોરિસની પીએમની ખુરશીમાં સડો પેદા કરી દીધો. જે સમય જતા ભક્ષવેલ બનીને ત્રાટક્યો. પિંચર ૨૯ જૂને લંડનના સેટ જેમ્સની કાર્લટન ક્લબ નામની હાઈ-ફાઈ ક્લબમાં ગયેલા. ક્લબમાં વધારે પડતો છાંટોપાણી કરીને ટલ્લી થઈ ગયા તેમાં બે પુરૂષો સાથે ગંદી હરકતો કરી. પિંચરે બંનેને જકડી લઈને પ્રાઈવેટ પાર્ટ્સને ટચ કરીને અશ્ર્લીલ હરકતો કરી હતી.
મીડિયામાં બીજા જ દિવસે આ વાતો છપાતાં પિંચરે રાજીનામું આપી દેવું પડયું. પિંચરે કબૂલ્યું કે, આગલી રાત્રે પોતે વધારે પડતો દારૂ પી લીધો હતો તેથી પોતાની જાતને અને બીજાં લોકોને પણ ભારે ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધાં હતાં. પિંચરનાં રાજીનામા સાથે આ પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકાઈ જશે એવું લાગતું હતું પણ વાસ્તવમાં તેના કારણે એક નવા પ્રકરણની શરૂઆત થઈ.
બ્રિટનના મીડિયાએ પિંચરનો ગુનાહિત ઇતિહાસ શોધી કાઢયું, જેમાં પિંચરે પહેલાં પણ આવી હરકત કરીને બ્રિટન વતી ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા એલેક્સ સ્ટોરી સાથે શરીર સંબંધ બાંધવા પ્રયત્ન કરેલો. તેના પગલે ક્ધઝર્વેટિવ પાર્ટીના સાંસદો ઉકળ્યા. દરમિયાનમાં બીજા સાંસદોએ પણ પિંચરની હરકતોની વાતો કરવા માંડી તેમાં ખબર પડી કે, પિંચર તો આ રીતે પુરૂષો સાથે શરીર સંબધો બાંધવા માટે ફાંફાં મારવાની હરકતો માટે કુખ્યાત છે. છેલ્લા એક દાયકામાં જ પિંચરે આ રીતે છ લોકો સાથે ગંદી હરકતો કરી હોવાનું બહાર આવતાં બોરિસના માથે માછલાં ધોવાવાં માંડયાં.
બીજે દિવસે પાર્ટીની મિટિંગ મળી જેમાં એવો મુદ્દો ઉછળ્યો કે, બોરિસ ને આ બધી વાતોની ખબર હતી છતાં તેમણે કેમ પિંચરને ડેપ્યુટી ચીફ વ્હીપ બનાવ્યો. ૧ જુલાઈના રોજ બોરિસે પોતે બધી વાતોથી અજાણ હોવાનું કહેલું પણ મીડિયાવાળા થોડા શાંત બેસે! તેમણે બીજે જ દિવસે બોરિસની પેલી કલીપ ચલાવી જેમાં તેમણે પિંચરનો બચાવ કર્યો હતો. જેથી ૪ જુલાઈના રોજ બોરિસે મંત્રી મંડળ સામે હાઉસ ઓફ કોમન્સમાં માફી માગી કબુલવું પડ્યું કે, તેઓ પિંચરની હરકતોથી વાકેફ હતા છતાં મિત્રતાના દાવે મૌન હતા.
પાંચ જુલાઈના રોજ કેબિનેટ મંત્રી સાજિદ જાવિદે આ સ્કેન્ડલના કારણે રાજીનામું આપી દીધું અને બોરિસ જોન્સન રાજીનામું આપે તેવી માગ કરી, એ પછીના ૪૮ કલાકમાં બોરીસના ૧૭ કેબિનેટ મંત્રી, ૧૨ સંસદીય સચિવ અને ૪ વિદેશી સરકારના પ્રતિનિધિઓએ રાજીનામાં ધરી દીધેલાં. એ સિવાય બોરિસની પાર્ટીના ઢગલાબંધ સાંસદોએ પણ રાજીનામાં આપ્યાં… અને પ્રજા તથા મીડિયા તો રોષ ઠાલવવામાં ક્યાં બાકી રહે…
આ બધું જોયા પછી બોરિસને લાગ્યું કે, હવે લાંબું ખેંચવામાં માલ નથી. હજુ સત્તા પર ચીટકેલા રહીશું તો છેલ્લે બેઆબરૂ થઈને ઘરભેગા થવું પડશે એટલે તેમણે વડા પ્રધાનપદ છોડવાની તૈયારી બતાવીને તાત્કાલિક રાજીનામું ધરી દેવાની ઓફર કરી નાખી. બોરિસની ક્ધઝર્વેટિવ પાર્ટીના બહુમતી સાંસદોને બોરિસ ધોળે ધરમેય ખપતા નહોતા તેથી તરત આ ઓફર સ્વીકારી લેવાઈ. અલબત્ત બોરિસની જગ્યાએ તાત્કાલિક નવો મૂરતિયો શોધવો મુશ્કેલ પડે તેથી બોરિસને વચગાળાના વડા પ્રધાનપદે રહેવા વિનંતી કરાઈ છે. હવે ઓક્ટોબરમાં પાર્ટીનું મહાસંમેલન મળશે તેમાં નવા વડા પ્રધાનની પસંદગી થશે ને બોરિસ જોનસન ઓક્ટોબર સુધી વડા પ્રધાનપદ પર રહેશે.
હવે નવા પીએમ પદ માટે ૬ નામો ચર્ચામાં છે પણ તેમાં ભારત આગળ છે. હાલ બ્રિટનના વડા પ્રધાન તરીકે ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ ચર્ચામાં છે. અંગ્રેજોએ ભારત પર સદીઓ સુધી રાજ કર્યું હતું, પણ હવે સમય કરવટ બદલી રહ્યો છે. જો ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બનશે તો બ્રિટનના ઈતિહિસમાં આ પ્રથમ વખત એવી ઘટના હશે કે જ્યારે કોઈ ભારતીય મૂળની વ્યક્તિ બ્રિટનની સત્તા સંભાળશે. તેઓ બ્રિટનના નાગરિક છે અને આ સ્કેન્ડલ બાદ તેમણે દેશના નાણાં મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.
તેમના કામકાજને લોકોએ ઘણું પસંદ કર્યું છે. તેને લીધે સુનકને પીએમ પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. ઋષિ સુનક ભારતના ઉદ્યોગપતિ અને આઈટી કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા મૂર્તિ સાથે વર્ષ ૨૦૦૯માં ઋષિના લગ્ન થયાં હતાં. તેમને બે દીકરી ક્રિષ્ના અને અનુષ્કા છે.
ઋષિ સુનકના માતા-પિતા મૂળ પંજાબના રહેવાસી છે. તેમના પિતાનું નામ યશવીર સુનક અને માતાનું નામ ઉષા સુનક છે. સુનક દંપતી અહીંયા વ્યવસાય કરવા આવ્યું હતું અને હવે તેમનું સંતાન બ્રિટનની રાજનીતિમાં મોટું પદ હાંસલ કરી શકે છે.
હેમ્પશાયરમાં જન્મેલા ૩૯ વર્ષિય ઋષિ સુનકે વર્ષ ૨૦૧૫માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને પહેલી જ ટર્મમાં તેઓ આવેલા છે. તેઓ યોર્કશાયરના સાંસદ બની ગયા. અને છેલ્લાં સાત વર્ષથી તેઓ આ જ સીટ પરથી સતત બે વખત સાંસદ તરીકે ચૂંટાઇને આવ્યા. જેથી ૨૦૧૮માં તેઓ બ્રિટનના આવસ મંત્રી બન્યા હતા અને તેમની બ્રિટનની પ્રજામાં લોકચાહનને પગેલે તેને બોરિસના મંત્રી મંડળમાં સામેલ કરી નાણાં મંત્રીના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે જો ઋષિ સુનક પીએમ બનશે તો એક ભારત બ્રિટન પર રાજ કરશે.. તેમાં શંકાને સ્થાન નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.