પાકિસ્તાનના સીમાડાને અડકીને આવેલા કચ્છ અને બનાસકાંઠાના રણ વિસ્તારો પર આજે દાયકાની સૌથી વધુ કાતિલ ઠંડીએ જનજીવનને મૂર્છિત કરી નાખ્યું છે અને કચ્છના અબડાસા,નખત્રાણા,રાપર અને પાડોશી બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં આજે હિમ પડ્યો હતો, જયારે કેટલાક સ્થળોએ વાહનો અને મકાનોના છાપરાં પર બરફની પાતળી ચાદર ફેલાઈ જતાં આ વિસ્તારના લોકોને જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના વિસ્તારો જેવાં શિયાળાનો અનુભવ થવા પામ્યો છે.
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આજે લઘુતમ તાપમાનનો આંક ગગડીને ૧.૪ ડિગ્રી સે.પર પહોંચતાં ઠંડીએ જનજીવનને ‘ઠાર’ કરી નાખ્યું છે. કચ્છના સરહદી ગામોમાં કેટલાક સ્થળોએ તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી જતાં સંખ્યાબંધ પક્ષીઓ થીજી ગયાં હતાં અને ઉડતાં ઉડતાં બરફના ગોળા બની જમીન પર પડવા લાગતાં લોકોમાં અરેરાટી ફેલાઈ હતી.
અબડાસા તાલુકાના નલિયા ઉપરાંત ભવાનીપર,વાયોર,મોટી બેર,બીટ્ટા, તેરા,કંકાવતી જેવાં સ્થળોએ ખેતરોમાં જમીન પર આછા બરફનું આવરણ જોવા મળ્યું હતું, તો બીજી તરફ ભુજ ખાતે પણ લઘુતમ તાપમાન ૭.૬ ડિગ્રી સે. જેટલું લઘુતમ તાપમાન નોંધાતાં બત્રીસી કડકડાવતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.
મુંબઈથી ભુજ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા પ્રવાસીઓ ઠંડીમાં થીજી ગયા હતા. અપેક્ષા કરતી ઘણી વધારે ઠંડીએ ઘણાને બીમાર કરી નાખ્યા હતા.
આ ઉપરાંત ભુજ,રાપર,નલિયા, અંજાર, નખત્રાણા જેવાં શહેરોમાં ભરબપોરે પણ રસ્તાઓ અને શેરીઓ પર જાણે સંચારબંધી લદાઈ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
સંખ્યાબંધ લોકો જાહેર રસ્તાઓ પર અને ઉદ્યાનોમાં મુકાયેલા બાંકડાઓ પર ખાસ કરીને વયસ્કો સૂર્યસ્નાન કરતા જોવા મળ્યા હતા. હજુ આવી ઠંડી બે-ત્રણ દિવસ રહેશે, તેવી આગાહી થઈ છે.