વાપીમાં થ્રીલર ફિલ્મની પટકથા જેવી ચોરી: તસ્કરોએ જવેલર્સની બાજુની દુકાન ભાડે લીધી, રાતના સમયે દિવાલમાં બાકોરૂં પાડી 65 લાખની ચોરી

આપણું ગુજરાત

Valsad:વાપી શહેર(Vapi city)માં કોઈ થ્રીલર ફિલ્મમાં બતાવવામાં આવે છે એમ તસ્કરોએ આયોજનબદ્ધ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ વાપી શહેરના મેઇન બજારમાં આવેલી એક જ્વેલર્સ શોપ(Jewellery Shops) પાછળ ચટાઇ વેચવા માટે દુકાન ભાડે રાખી. રાત્રીના સમયે તસ્કરોએ દિવાલમાં બાકોરું પાડી જ્વેલર્સ શોપમાં ખુસીને ખાતર પડ્યું હતું. તસ્કરો 16 કિલો ચાંદી, 1454.9 ગ્રામ સોનું અને રૂ.1.44 લાખના ડાયમંડ મળી કુલ રૂ.65,94,340નો મુદ્દામાલ ઉપાડી ગયા હતા. દુકાનદારને સવારે દુકાન ખોલ્યા બાદ ચોરીની જાણ થઇ હતી. પોલીસમાં ફરિયાદ નોંધાવતા એસઓજી અને એલસીબીની ટીમ દોડતી થઇ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે વાપી મેઇન બજાર સ્થિત હોટેલ એમ્બેસીની સામે પુષ્પમ જ્વેલર્સના નામની જ્વેલરીની દુકાન આવેલી છે. આ દુકાનની બાજુની દુકાન નંબર 5ના માલિકે બંધ દુકાનના શટર ઉપર દુકાન વેચવાની છે એવી જાહેરાત લખી હતી. તસ્કરોએ નંબર મેળવી દુકાનદારને સંપર્ક કર્યો હતો અને ડિપોઝિટ અને ભાડું આપી ત્યાં ચટાઈની દુકાન ખોલવાનું કહી રહેવા લાગ્યા હતા. જે બાદથી જ તેઓ ચોરીના પ્રયાસમાં લાગી ગયા હતા. રાત્રિના સમયે બધી દુકાનો બંધ થાય બાદ શટર બંધ કરી તસ્કરો દિવાલમાં બાકોરું પડવાના કામમાં લાગી જતા. લોખંડની તિજોરીમાં બાકોરું પાડવા તસ્કરો ગેસકટર અને 3 સિલિન્ડર ચટાઇમાં છુપાવીને રાખતા હતા.
બુધવારની રાત્રે તસ્કરો બાકોરું પાડી જવેલરી શોપમાં ઘુસી ગયા હતા. તસ્કરો તિજોરી કાપ્યા બાદ પણ તેને ખોલી શક્યા ન હતા. પરંતુ દુકાનમાં પડેલો 65 લાખથી વધુનું મુદ્દામાલ ઉપાડી ગયા હતા જેમાં દુકાનમાંથી 16 કિલો ચાંદી, 1454.9 ગ્રામ સોનુ અને 1.44 લાખના ડાયમંડનો સમવેશ થાય છે.
ગુરુવારની સવારે દુકાનદારને દુકાન ખોલ્યા બાદ ચોરી થયાની જાણ થઇ હતી. તેમણે તુરંત ટાઉન પોલીસ સહિતને જાણ કરી હતી. પોલીસના જણવ્યા પ્રમાણે આરોપીઓ સુધી પહોંચવા તમામ પ્રયાસો ચાલુ છે. ફોન ટ્રેસિંગથી લઇ લોકેશન ટ્રેસિંગ અને સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરાઇ છે. બાંકોરું પાડતા વીજના તમામ વાયરો ત્યારે જ તૂટી ગયા હતા. તેથી દુકાનની અંદરના સીસીટીવી ફૂટેજ મળી શક્યા નથી. આરોપીઓ લઘુમતી કોમના હોવાનું જાણવા મળ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.