Homeપુરુષધૂમ્રપાન અને ફેફસાંને ગાઢ નાતો છે. ખબર છેને?

ધૂમ્રપાન અને ફેફસાંને ગાઢ નાતો છે. ખબર છેને?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

આ કોલમમાં આપણે પુરુષો વિશેની મિથ વિશેની તો ઘણી વાતો કરી, પરંતુ અહીં પુરુષો વિશેનાં સત્યો વિશે વાતો કરવી પણ એટલી જ જરૂરી છે. અને એમાંનું જ એક સત્ય એટલે પુરુષોમાં વધતું જતું ફેફસાંનું કેન્સર. અને આ સત્ય માત્ર ભારતના જ પુરુષોને લાગુ નથી પડતું પરંતુ વિશ્ર્વભરના પુરુષોને લાગું પડે છે. કારણ કે સ્ત્રીઓની સરખામણીએ પુરુષ ધૂમ્રપાન વધુ કરે છે. તેમ જ સ્ત્રીઓની સરખામણીએ પુરુષ બહારની પ્રદૂષિત હવામાં વધુ રહે છે. એવા સમયે પુરુષનું એ દિશામાં જાગૃત થવું અને એ ગંભીર યાતનાઓથી બચવું અત્યંત મહત્ત્વનું બની જાય છે. ફેફસાંના કેન્સરના આ સત્યનો ભોગ ન બનવું હોય તો પુરુષે પોતે પોતાના વિશે માની લીધેલી મિથને તોડવી પડશે. પુરુષ માને છે કે તે ધૂમ્રપાન અથવા કોઈ પણ પ્રકારનું વ્યસન હોવું એ મર્દાનગીની નિશાની છે. પણ વિશ્ર્વમાં ક્યાંય એવું પુરવાર નથી થયું કે પુરુષ ઠૂંઠા ફૂંકતો હોય તો જ મરદ લાગે. તો પછી શું કામ એ ન છૂટી શકે? જોકે કેટલાક પુરુષો પાછા એમ પણ કહે છે કે તેમને તો ધૂમ્રાપાન છોડવું જ છે, પરંતુ ટેન્શનને કારણે કે વર્કલોડને કારણે તેમણે વખાના માર્યા ધૂમ્રપાન કરવું પડે છે.
જોકે આપણી પાસે તો વર્કલોડ અને ટેન્શન સામે લડવા માટે અનેક રસ્તાઓ ઉપ્લબ્ધ છે. એમાં ય ક્યાંય કોઈએ લખ્યું નથી કે પ્રિસ્ક્રાઈબ નથી કરી આપ્યું કે તમે ટેન્શનથી બચવા કે વર્કલોડથી બચવા માટે ધૂમ્રપાન કરો, પરંતુ નહીં. આપણે ત્યાં એવું માની લેવાયું છે ધૂમ્રપાન એ ટેન્શનથી મુક્ત થવાનું દ્વાર છે. તો કોઈક વળી, એવી દલીલ કરે છે કે અમે ક્યાં આખા દિવસથી પાંચ-દસ સિગારેટ પીએ છીએ? અમે તો બે-ત્રણ જ પીએને? લોકો તો એક દિવસમાં આખું બોક્સ પૂરું કરી જાય છે. તો એમને કંઈ નહીં થાય તો આપણને શું થવાનું? પણ ભાઈ, દિવસના એક બોક્સવાળાને પણ વહેલા કે મોડાં એ વિશે કોઈ પગલાં ભરવાના આવશે જ, પરંતુ આપણું ધૂમ્રપાન ન છોડવાનું આ તે કંઈ કારણ છે?
દરેકની ઈમ્યુન સિસ્ટમ જુદી હોવાની અને એ ઈમ્યુન સિસ્ટમ મુજબ તેમના શરીરની આંતરિક બાબતો ચાલતી હશે. એમાં તમને માત્ર દિવસની એક જ સિગારેટથી કેન્સર થવાની સંભાવના વધુ હોય તો? શરીરની આંતરિક સિસ્ટમમાં તો કંઈ એવી દલીલ થોડી ચાલે? કે ભઈ પહેલાં એક બોક્સવાળાનું જુઓ. અમે તો દિવસની એક જ સિગારેટવાળા છીએ?
સિગારેટ અથવા કોઈ પણ પ્રકારનું ધૂમ્રપાન કે તમાકુનું સેવન હાનિકારક છે એટલે છે જ. એમાં કંઈ દલીલો ચાલવાની નથી અને આ મહિનો એટલે કે નવેમ્બર મહિનો લંગ્સ કેન્સર અવેરનેસ મંથ તરીકે વિશ્ર્વભરમાં ઉજવાય છે. જેમાં ફેફસાંના કેન્સરના આમ તો અનેક કારણો દર્શાવાયાં છે, પરંતુ ધૂમ્રપાનને ફેફસાંના કેન્સરનું સૌથી મહત્ત્વનું કારણ માનવામાં આવ્યું છે. અને જો પુરુષ તેના ધૂમ્રપાન પર કાબૂ નહીં મેળવે તો તેનું રિસ્ક અત્યંત વધી જાય છે.
ભારતના જ આંકડા કહી રહ્યાં છે કે ભારતમાં દર વર્ષે ૭૦૦૦૦ જેટલા ફેફસાંના કેન્સરના કેસીઝ સામે આવે છે અને દર વર્ષે ૬૦૦૦૦થી વધુ લોકો આ કેન્સરના કારણે મૃત્યુ પામી રહ્યાં છે. એવા સમયે આપણું જાગૃત થવું અત્યંત જરૂરી બની જાય છે. એક નાનકડી આદત આપણા જીવન અને આપણા કુટુંબ માટે પીડાનું મુખ્ય કારણ ન બની શકે. અને બીજાં પરિબળો ભલે આપણા હાથમાં ન હોય, પરંતુ ધૂમ્રપાન છોડવું આપણા હાથમાં છે જ. તો આપણા સ્તરે આ કેન્સરને જે રીતે માત આપી શકાય એ રીતે આપવી જ રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular