(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૫૩નો ઉછાળો આવ્યો હતો, જ્યારે કોપરની અમુક વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૫નો વધારો જોવા મળ્યો હતો. જોકે, આજે માત્ર ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૨૮૨ અને રૂ. બે ઘટીને રૂ. ૧૯૮ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૩ વધીને રૂ. ૨૪૦૩ના મથાળે રહ્યા હતા. આ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ, સ્થાનિક ડીલરો તથા સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલીને ટેકે કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૮૦૬ અને કોપર કેબલ સ્ક્રેપ તથા કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૨ વધીને અનુક્રમે રૂ. ૭૫૪ અને રૂ. ૭૪૪ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૨૮૨ તથા રૂ. બેના ઘટાડા સાથે રૂ. ૧૯૮ના મથાળે રહ્યા હતા. આ સિવાય કોપરની અન્ય વેરાઈટીઓ, બ્રાસ, એલ્યુમિનિયમ અને નિકલમાં છૂટાછવાયા કામકાજો જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.