Homeવીકએન્ડપૃથ્વી પર વસતાં તમામ પ્રાણીઓમાં ‘સ્લોથ’ સૌથી ધીમી ગતિએ ચાલતું પ્રાણી માનવામાં...

પૃથ્વી પર વસતાં તમામ પ્રાણીઓમાં ‘સ્લોથ’ સૌથી ધીમી ગતિએ ચાલતું પ્રાણી માનવામાં આવે છે

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

બાઇબલમાં પ્રોવર્બ ૬:૬માં સોલોમને સમગ્ર માનવજાતને ઉદ્દેશીને કહ્યું છે કે ‘હે આળસુ, તું કીડી પાસે જા અને તેના ઉદ્યમીપણામાંથી શીખ.’ દરેક ધર્મોમાં માનવના દુશ્મન ગણાતી થોડી માનવ વૃત્તિઓ ઓળખી બતાવવામાં આવી છે જે માનવ જીવન માટે નુકસાનકારક છે. આ નુકસાન માત્ર સામાજિક મૂલ્યોની રીતે નહીં પરંતુ સૂક્ષ્મ રીતે માનવની અધ્યાત્મ યાત્રામાં પણ રૂકાવટ બને છે. બાઈબલમાં આ સાત પાપ દર્શાવાયા છે. લસ્ટ એટલે કે વાસના, ગ્લટની એટલે કે અતિઆહાર અથવા વૃકોદર વૃત્તિ, ગ્રીડ એટલે કે લોભ, સ્લોથ એટલે કે પ્રમાદ અથવા આળસ, રેથ એટલે કે ગુસ્સો, એન્વી એટલે કે ઈર્ષ્યા અને અંતે પ્રાઈડ એટલે કે ઘમંડ.
સંસ્કૃત સુભાષિતમાં પણ આળસ અને તેની વિરૂદ્ધમાં પરિશ્રમનો મહિમા ગવાયો છે.
आलस्य हि मनुष्याणां शरीरस्थो महान् रिपुः।
नास्त्युद्यमसमो बन्धुः कृत्वां यं नावसीदति॥
આ સુભાષિતમાં કહેવાયું છે કે “મનુષ્યમાં આળસ જ (એનો) સૌથી મોટો શત્રુ હોય છે. પરિશ્રમ જેવો બીજો કોઈ અન્ય મિત્ર નથી, કારણ કે પરિશ્રમ કરનાર ક્યારેય દુ:ખી નથી હોતો. આમ દૂનિયામાં માનવ જાતે હંમેશાં આલસ્યને દુશ્મન ગણીને પરિશ્રમનું મહાત્મ્ય ગાયું છે. અરે છેક વેદ પુરાણમાં તો છે જ, પરંતુ આ સ્વામી વિવેકાનંદે જ નથી કહ્યું “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. પરંતુ આપણ સૌ ઉદ્યમીઓની મધ્યે આપણે સૌએ ક્યાંક ને ક્યાંક એવા નમૂનાઓ પણ જોયા હશે જેઓના જીવનમાંથી જો કંઈ શીખવા મળતું હોય તો તે પ્રમાદ અથવા આળસના જ ગુણ શીખવા મળશે! બોય્ઝ હોસ્ટેલ હોય કે ગર્લ્સ તમને બે ચાર નમૂનાઓ મળી આવશે જેમને તમે આળસુ, એદી જેવા નામોથી નવાજી શકો. પરંતુ માનવ આળસુ અથવા એદી હોવાના માનસિક સીવાય અન્ય કારણો હોતા નથી. આશ્ર્ચર્યની વાત છે કે કુદરતમાં પણ આપણને આળસુ જીવો જોવા મળી જાય છે.
આળસુ પ્રાણીઓ? યસ… તરત જ આપણા માનસમાં ભીમકાય હાથી અથવા હીપ્પોપોટેમસ જેવાં પ્રાણીઓ અને અંતે મંથર ગતિએ ચાલતી ગોકળગાય આવી જાય. આવી જાય, પરંતુ આજે જે આળસુના પીર કહી શકાય એવા એક પ્રાણીની વાત કરવાની છે. તેના કનેક્શન સીધા બાઈબલ સાથે જોડાયેલા છે. બાઈબલમાં જે સ્લોથનો ઉલ્લેખ છે એ એક ગુણ તરીકે ઉલ્લેખ છે, પરંતુ એ જ નામ વાળું એક પ્રાણી મધ્ય અને દક્ષિણ અમેરિકાના ગાઢ જંગલોમાં જોવા મળે છે. હવે ક્ધફ્યુઝન એ છે કે બાઈબલના સ્લોથની વ્યાખ્યાના કારણે આ પ્રાણીનું નામ સ્લોથ પડ્યું છે કે પછી સ્લોથના આળસુપણાને માપદંડ ગણીને બાઈબલમાં સ્લોથને એક અવગુણ તરીકે દર્શાવાયો છે.
સ્લોથ એ સસ્તન વર્ગનું પ્રાણી છે જે મોટા ભાગની જિંદગી વૃક્ષો પર વિતાવે છે. પૃથ્વી પર વસતા તમામ પ્રાણીઓમાં સ્લોથ સૌથી ધીમી ગતીએ ચાલતું પ્રાણી માનવામાં આવે છે. તેની ઝડપ કલાકે દોઢ માઈલની નોંધવામાં આવી છે. વિશ્ર્વમાં સ્લોથની બે પ્રજાતી છે અને એ છે “બે આંગળીવાળું સ્લોથ અને ત્રણ આંગળીવાળું સ્લોથ! આ પ્રાણીએ ઉત્ક્રાંતિ દરમિયાન સૌથી ધીમી પરંતુ આશ્ર્ચર્યજનક પરિવર્તનો અથવા તેમના પર્યાવરણમાં ટકી રહેવા માટે ગજબનાં અનુકુલન સાધ્યાં છે. આશ્ર્ચર્યજનક વાત એ છે કે આ સ્લોથ વિશ્ર્ચમાં જોવા મળતા કીડીખાઉ નામના પ્રાણીઓના નજીકના સગા થાય છે. એવું કહેવાય છે કે પ્રિ-હીસ્ટોરિક સમયમાં સ્લોથના વડવાઓ છ ફુટ જેટલા મહાકદના હતાં અને સ્લોથની અમુક જાતિઓ તે સમયે દરિયાના પાણીમાં જોવા મળતી હતી.
અજના સ્લોથની તેની આળસુ પ્રવૃતિને તેના મેટાબોલિઝમ અને તેના વિચિત્ર દૈનિક જીવન સાથે સીધી લેવા દેવા છે. તેની મંથર ગતિના કારણે સ્લોથને પોતાનો ખોરાક પચાવવામાં ખાસ્સો સમય લાગી જાય છે. વિજ્ઞાનિકો એવું કહે છે કે સ્લોથને તેણે ખાધેલું એક પાંદડું પચાવતા અઠવાડિયા જેટલો સમય લાગી જાય છે. સ્લોથ દેખાવમાં પણ એક્દમ ભદ્દુ દેખાતું હોય છે અને ગંદુ પણ હોય છે. આ સ્લોથ પોતાના જીવનમાં ક્યારેક વૃક્ષની ડાળી પરથી ગબડી પડે અથવા તો લપસી પડીને પાણીમાં પડે તો જ તે નહાયુ એવું કહેવાય છે. તેની આ સ્વચ્છતા પ્રત્યેની ઉદાસિનતાને કારણે સ્લોથ પર વૈજ્ઞાનિકો કહે છે કે તેના શરીરના વાળ એટલા ગંદા હોય ચેહ કે તેમાં કીડા પડી ગયા હોય છે અને તેના શરીરમાંથી ભયંકર દુર્ગંધ આવતી હોય છે. સ્લોથની જમીન પર ન ઉતરવાની આદત તેની આ ધીમી ગતિ છે, કારણ કે આવા પ્રાણીઓ બીજા શિકારી પ્રાણીઓનો શિકાર જલદી બની જતા હોય છે. તેથી સ્લોથ માત્ર તેને ટોઈલેટ જવાનું હોય ત્યારે જ તે વૃક્ષની ઊંચાઈ પરથી નીચે ઉતરતું હોય છે.
મજાની વાત એ છે કે સ્લોથ છેએએએક એક અઠવાડિયે પોટ્ટી કરવા નીચે ઉતરે છે. મંથર ગતિએ વૃક્ષ પરથી ઉતરીને સ્લોથ પોતે જે વૃક્ષ પર જીવે છે તેના થડ પાસેની જમીનમાં એક નાનકડો ખાડો બનાવીને તેમાં પોટ્ટી કરે છે અને પછી તેના પર માટી વાળી દે છે. આ પોટ્ટી પોતાના વૃક્ષની નીચે કરવાનું એક બીજુ કારણ એ પણ છે. માદા પ્રજનન ક્ષમ હોય તો પોતાના મળની સાથે પોતે મા બનવા તૈયાર છે એવો સંદેશ પણ છોડે છે અને કહે છે “આજા સનમ મધુર ચાંદની મેં હમ તુમ મિલે તો… વિરાને મે ભી આ જાયેગી બહાર…
અંતે આ સ્લોથની પોટ્ટી પ્રક્રિયા સાથે જોડાયેલી એક માન્યતાની પણ વાત કરી લઈએ… એક વાયકા એવી છે કે સ્લોથનું મૃત્યુ તેની આ મળવિસર્જન પ્રક્રિયાના કારણે જ થાય છે. પરંતુ એ હકીકત અર્ધ સત્ય છે.
વૈજ્ઞાનિકોના કહેવા મુજબ મૃત્યુ પામતાં સ્લોથમાંના ૫૦% સ્લોથ તેમની આ મળવિસર્જનની અઠવાડિક પ્રક્રિયા દરમિયન જ મરે છે. પણ એ મૃત્યુને મળવિસર્જન સાથે કોઈ લેવા દેવા નથી. સ્લોથ વૃક્ષો પર સલામત હોય છે અને ધીમી ગતિના કારણે તેમનો શીકાર જમીન પર સહેલાઈથી થઈ શકે છે. જંગલી બિલાડીઓ અને તેના જેવા બીજા અમેરિકન શિકારી જીવો સ્લોથ કાં તો મળવિસર્જન માટે નીચે ઉતરે ત્યારે અથવા તો મળ વિસર્જન બાદ કોઈ સ્લોથને મદમસ્ત ફીમેલ સ્લોથની ગંધ આકર્ષિત કરે અને તે મોહાંધ બનીને જો બીજા વૃક્ષ સુધી જવાનું દુસ્સાહસ કરે તો એ દરમિયન તેનો શિકાર થઈ જાય છે! યે ઈશ્ક સાલી ચીજ જ એવી છે. તેરે પ્યાર મેં જીના, તેરે પ્યાર મેં મરના…

RELATED ARTICLES

Most Popular