એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં રાજકારણીઓ પેટ ચોળીને શૂળ ઊભાં કરવામાં માહિર છે. સામાન્ય લોકો વિચારી પણ ના શકે એવા મુદ્દાને ચગાવીને એ લોકો એવો વિવાદ પેદા કરી નાંખે છે કે આપણે ચકરાઈ જઈએ. આ પ્રકારના વિવાદની શું જરૂર એવો સવાલ પણ મનમાં થાય પણ રાજકારણીઓ પોતાના ફાયદા સિવાય બીજા કશા વિશે વિચારતા હોતા નથી જેને જે માનવું હોય એ માને પણ આપણે તો આપણું ધાર્યું જ કરીશું એમ માનીને વર્તતા હોય છે.
રાજકારણીઓની આ હલકટાઈનાં આપણને છાસવારે દર્શન થતાં હોય છે ને આસામની ભાજપની હિમંત બિસ્વા સરમા સરકારે ફરી એકવાર તેનો પરચો આપ્યો છે. હિંદુઓ માટે પવિત્ર મનાતા તહેવારોમાંથી એક મહાશિવરાત્રિ નજીકમાં છે તેથી આસામની હિમંત બિસ્વા સરમા સરકારે તેના સંદર્ભમાં અખબારોમાં એક જાહેરખબર છપાવડાવી છે. આ જાહેરખબરમાં ભાજપ સરકારે દાવો કર્યો છે કે, ભગવાન શિવ એટલે કે મહાદેવનું છઠ્ઠું જ્યોતિર્લિંગ આસામમાં આવેલું છે.
આસામ સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અપાયેલી જાહેરખબરમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને મહાશિવરાત્રિ નિમિત્તે આસામ પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું છે કેમ કે, આસામ ભગવાન શિવની ભૂમિ છે અને નમહાદેવનું છઠ્ઠું જ્યોતિર્લિંગ આસામમાં આવેલું છે. જાહેરખબરમાં કરાયેલા દાવા પ્રમાણે, આસામના કામરૂપમાં દાકિની હિલ્સ એટલે કે દાકિની પર્વતમાળામાં મહાદેવનું છઠ્ઠું જ્યોતિર્લિંગ આવેલું છે.
હિંદુઓની માન્યતા પ્રમાણે, મહાદેવનું છઠ્ઠું જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પૂણે પાસેના ભીમાશંકર મહાદેવ છે પણ આસામ સરકાર જુદી જ વાત કરે છે. આસામ સરકારે છપાવેલી જાહેરખબરમાં શિવપુરાણની કોટિરૂદ્ર સંહિતા પણ છાપવામાં આવી છે. ‘સૌરાષ્ટ્રે સોમનાથ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ………..’ શ્ર્લોકમાં મહાદેવનાં ૧૨ જ્યોતિર્લિંગ ક્યાં ક્યાં આવેલાં છે તેનો ઉલ્લેખ કરેલો છે.
આ ઉલ્લેખ પ્રમાણે, સૌરાષ્ટ્રનું સોમનાથ, શ્રી પર્વત પરના મલ્લિકાર્જુન, ઉજજૈનના મહાકાલ, ઓમકારેશ્વરના અમરેશ્ર્વર, હિમાલયના કેદારેશ્વર, દાકિનીના ભીમાશંકર, વારાણસીના વિશ્ર્વેશ્ર્વર, ગૌતમી નદીના કિનારે આવેલા ત્ર્યંબકેશ્ર્વર, ચિતભૂમિના વૈદ્યનાથ, સેતુબંધના રામેશ્ર્વર અને દારુકાવનના નાગેશ્વર એ બાર મહાદેવનાં જ્યોતિર્લિંગ છે. હિંદુઓની આ સદીઓની માન્યતા છે, હિંદુ શ્રદ્ધાળુંઓ સદીઓથી આ ૧૨ જ્યોતિર્લિંગને માને છે ને પૂજે પણ છે.
ભીમાશકંર જ્યોતિર્લિંગના સ્થાન વિશે મતભેદો છે ને અલગ અલગ દાવા થાય છે. શિવપુરાણની કોટિરૂદ્ર સંહિતામાં દાકિનીમં ભીમાશંકર મહાદેવ હોવાનો ઉલ્લેખ છે પણ દાકિની ક્યાં છે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. અલબત્ત શ્રીમદ્ આદિ શંકરાચાર્યે પોતાના બૃહ્દ રત્નાકાર સંદર્ભમાં સ્પષ્ટ લખ્યું છે કે, ભીમાશંકર જ્યોતિર્લિંગ ભીમા નદીના કિનારે છે કે જેનું દાકિનીના જંગલોમાં ઉદગમસ્થાન છે. આ કારણે પુણેનું ભીમાશંકર ૧૨ જ્યોતિર્લિંગોમાંથી એક તરીકે સ્વીકૃતિ પામ્યું છે. મહાદેવનાં તમામ જ્યોતિર્લિંગની પૂજા કરનારા તેને જ પૂજે છે અને તેને જ સાચું જ્યોતિર્લિંગ માને છે.
આસામ સરકારે ભીમાશંકર જ્યોતિર્લિંગ આસામમાં હોવાનો દાવો કર્યો છે તે પાછળનો તર્ક ડાક્ધિયાં શબ્દ છે. ‘સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ………..’ શ્ર્લોકમાં ‘ડાક્ધિયાં ભીમશંકરમ્’ એવો ઉલ્લેખ છે. આ ડાક્ધિયાં આસામમાં કામરૂપ પાસે બ્રહ્મરૂપ પર્વત પર હોવાનું અર્થઘટન પહેલાં પણ કરાયું છે પણ આદિ શંકરાચાર્યે મહારાષ્ટ્રમાં ભીમા નદીના કિનારે આવેલું હોવાથી આ જ્યોતિર્લિંગ ભીમાશંકર કહેવાયું એવું અર્થઘટન કરેલું છે. મહારાષ્ટ્રની ભીમા નદી સહ્યાદ્રિ પર્વતમાંથી નીકળે છે. સહ્યાદ્રિ પર્વતના શિખરનું નામ ડાકિની હોવાથી ડાક્ધિયાં શબ્દ વપરાયો છે એવું પણ અર્થઘટન છે. ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં ઉજજનકમાં એક વિશાળ શિવમંદિર આવેલું છે. આ શિવમંદિર ભીમાશંકર જ્યોતિર્લિંગ હોવાનું પણ કહેવાય છે. જો કે સદીઓથી ભીમાશંકર જ્યોતિર્લિગં તરીકે માન્યતા તો મહારાષ્ટ્રના ભીમાશંકરને જ મળેલી છે.
હવે અચાનક જ ભાજપની આસામ સરકાર આસામમાં છઠ્ઠું જ્યોતિર્લિંગ હોવાની વાત કરી રહી છે ત્યારે વિવાદ તો થાય જ. કમનસીબી એ છે કે, આસામ સરકારની આ હરકત સામે હિંદુત્વના કહેવાતા ઠેકેદારો ચૂપ છે જ્યારે રાજકારણીઓ મેદાનમાં આવી ગયા છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાની સંયુક્ત સરકાર છે જ્યારે કૉંગ્રેસ, એનસીપી અને શિવસેના ત્રણેય વિપક્ષમાં છે. આ ત્રણેય પક્ષે હલ્લાબોલ કરી દીધું છે.
શિવસેનાએ તો ટોણો માર્યો છે કે, પહેલાં મહારાષ્ટ્રના ઉદ્યોગો અને રોજગાર છિનવીને બીજા ભાજપ શાસિત રાજ્યોમાં ખસેડવામાં આવ્યા અને હવે ભાજપની સરકાર અમારા ભગવાનને પણ છિનવી લેવા માગે છે. આ પક્ષોએ સવાલ પણ કર્યો છે કે, મહાદેવનું છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર મંદિર મહારાષ્ટ્રના પુણેમાં છે એ બધાં જાણે છે પછી આસામ સરકારે આવી જાહેરાત શા માટે કરી છે ?
સુપ્રિયા સુલેએ ભાજપ શાસિત આસામે ગુવાહાટી પાસે પમોહીમાં બનેલા શિવલિંગને છઠ્ઠા જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવવાનો પ્રચાર શરૂ કર્યો તેને જૂઠાણું ગણાવીને આદિ શંકરાચાર્યના બૃહ્દ રત્નાકાર સંદર્ભનો હવાલો આપીને સવાલ કર્યો છે કે, ભીમાશંકર જ્યોતિર્લિંગ ભીમા નદીના કિનારે છે એ પણ હવે સાબિત કરવું પડશે?
મહારાષ્ટ્રના વિપક્ષોએ રાજકીય પ્રહારો કર્યા છે પણ તેમનો મુદ્દો વ્યાજબી છે. હિંદુઓ ભીમાશંકરને સદીઓથી છઠ્ઠા જ્યોતિર્લિંગ તરીકે પૂજે છે ત્યારે હવે આસામના જ્યોતિર્લિંગને છઠ્ઠા જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત કરવાના હવાતિયાં મારીને વિવાદ સર્જવાની જરૂર શું છે ? ને આ દાવો કરવા પાછળનું નક્કર કારણ શું છે? કોઈ કારણ નથી. માત્ર પોતાની રીતે શિવપુરાણના શ્ર્લોકનું અર્થઘટન કરી નાંખ્યું ને જાહેર કરી દીધું કે, છઠ્ઠું જ્યોતિર્લિંગ આસામમાં છે.
આઘાતજનક વાત એ છે કે, દીપિકા પદુકોણેની ભગવા રંગની બિકિની જોઈને જેમની ધાર્મિક લાગણી દુભાઈ જાય છે એ લોકોને ભાજપ સરકાર વરસોથી જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા ભીમાશંકરને જ્યોતિર્લિંગ ગણવાને બદલે બીજા મંદિરને જ્યોતિર્લિંગ ગણવા માંડે તેનાથી કંઈ થતું નથી. આસામની સરકાર શિવપુરાણના શ્લોકનું પોતાની રીતે અર્થઘટન કરી રહી છે પણ આસામમાં જ્યોતિર્લિંગ હોવાનો કોઈ નક્કર આધાર નથી. તેના કારણે કહેવાતા હિંદુવાદીઓની ધાર્મિક લાગણી દૂભાતી નથી.
ભાજપ વરસોથી ઈતિહાસને બદલવા હવાતિયાં મારી રહ્યો છે. હવે ભાજપ હિંદુત્વને પણ પોતાની રીતે તોડીમરોડીને રજૂ કરવા મેદાનમાં ઉતર્યો છે. ભાજપને એ અધિકાર બિલકુલ નથી. કમનસીબે હિંદુત્વના નામે જેમની લાગણી છાસવારે દૂભાય છે એવા લોકોની મર્દાનગી મુસ્લિમ ફિલ્મ સ્ટાર્સ સામે જ ઉછાળા માગવા માંડે છે. ભાજપ સામે બોલવાની વાત આવે ત્યારે બે પગ વચ્ચે પૂંછડી દબાઈ જાય છે.