છ સત્રથી એકધારી આગેકૂચ: સેન્સેક્સે ૫૬,૦૦૦ની સપાટી વટાવી, નિફ્ટી ૧૬,૭૦૦ની ઉપર પહોંચ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના એકંદર સારા સંકેત સાથે સ્થાનિક સ્તરે એફઆઇઆઇની લેવાલીને કારણે સુધરેલા સેન્ટિેમેન્ટ વચ્ચે સપ્તાહના અંતિમ દિવસે સતત છઠા દિવસીન આગેકૂચમાં નિફ્ટી ૧૬૭૦૦ પોઇન્ટની પાર બંધ રહ્યો છે જ્યારે, સેન્સેક્સ ૩૯૦ પોઇન્ટ વધ્યો હતો. સત્ર દરમિયાન ૫૦૪.૧ પોઇન્ટ અથવા તો ૦.૯૦ ટકાના ઉછાળા સાથે ૫૬,૧૮૬.૦૫ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૩૯૦.૨૮ પોઇન્ટ અથવા તો ૦.૭૦ ટકા વધીને ૫૬,૦૭૨.૨૩ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. આમ છ સત્રમાં સેન્સેક્સ લગભગ ૨,૭૦૦ પોઇન્ટ જેવો ઊછળ્યો છે. જ્યારે આ સત્રમાં એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૧૪.૨૦ પોઇન્ટ અથવા તો ૦.૬૯ ટકાના સુધારા સાથે ૧૬,૭૧૯.૪૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, ઑયલ એન્ડ ગેસ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ૦.૦૯-૧.૫૫ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૧.૪૯ ટકાના વધારાની સાથે ૩૬,૭૩૮.૯૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, ફાર્મા, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. અગ્રણી શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ, યુપીએલ, એચડીએફસી બેન્ક, એચડીએફસી અને એક્સિસ બેન્ક ૨.૧૬-૪.૯૦ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે ટાટા કંઝ્યુમર, ઈન્ફોસિસ, એનટીપીસી, પાવર ગ્રિડ અને બીપીસીએલ ૦.૯૦ -૧.૮૭ ટકા સુધી ઘટીને બંધ થયો છે. સ્મોલકેપ મજબૂતી અને મિડકેપ શેરોમાં સામસામા રાહ જોવા મળ્યાં હતાં. મિડકેપ ઈન્ડેક્સ ૦.૧૭ ટકા ઘટીને ૨૩,૬૬૦.૩૭ના સ્તર પર, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૧ ટકા વધારાની સાથે ૨૬,૭૭૩.૪૧ની સપાટીએ પહોંચ્યો હતો. મિડકેપ શેરોમાં નુવુકો વિસ્ટાસ, એબી કેપિટલ, રેમ્કો સિમેન્ટ્સ, હનીવેલ ઓટોમોટિવ અને કંસાઈ નેરોલેક ૨.૩૫-૪.૭૮ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે આરબીએલ બેન્ક, એબીબી ઈન્ડિયા, ઑયલ ઈન્ડિયા, અમારા રાજા ભટ્ટ અને સીજી કંઝ્યુમર ૨.૩૬-૩.૫૩ ટકા સુધી ઘટીને બંધ થયા છે. સ્મોલકેપ શેરોમાં લાસા સુપરજેનર, શ્રી રાયલાસિમ, જીએસએફસી, અંજની સિમેન્ટ અને પુર્વાંકરા ૧૦.૫૨-૧૯.૯૪ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે હિતાચી એનર્જી, રાનેસ્યન્સ, પીસી જ્વેલર્સ, સ્ટીલ એક્સચેન્જ અને પીસીબીએલ ૪.૮૪-૫.૯૮ ટકા નબળાઈની સાથે બંધ થયા છે. એશિયામાં હોંગકોંગ અને ટોકિયો પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યાં હતા, જ્યારે શાંઘાઇ અને સિઓલ નીચી સપાટીએ ગબડ્યા હતા. યુરોપના મહત્ત્વના ઇક્વિટી બજારમાં બપોરના સત્ર સુધી મિશ્ર વલણ રહ્યું હોવના અહેવાલ હતા. અમેરિકાના બજારોમાં ગુરુવારે તેજી રહી હતી. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ૦.૫૧ ટકા તૂટીને બેરલદીઠ ૧૦૩.૩૩ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. એક્સચેન્જ પાસેથી પ્રાપ્ત પ્રારંભિક માહિતી અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પાછલા સત્રમાં રૂ. ૧૭૯૯.૩૨ કરોડના શેર ખરીદ્યા હતા. આમ બે જ સત્રમાં આ વર્ગે રૂ. ૩૬૦૦ કરોડ જેવી લેવાલી નોંધાવી છે. સપ્તાહના તમામ સત્રમાં આ વર્ગે નેટ બાઇંગ નોંધાવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.