અબડાસામાં છ ઈંચ વરસાદ: મુંદરામાં અઢી, નખત્રાણા, માંડવીમાં એક અને ભુજમાં અડધો ઈંચ મેઘકૃપા

આપણું ગુજરાત

(તસવીર: ઉત્સવ વૈદ્ય- અબડાસા)
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: રણપ્રદેશ કચ્છમાં સતત દસ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદનું જોર અબડાસાને બાદ કરતાં ઘટ્યું હતું અને મુંદરામાં અઢી, નખત્રાણા, માંડવીમાં એક ઇંચ અને ભુજમાં અડધો ઇંચ વરસાદ
વરસ્યો હતો.
અન્યત્ર ઝાપટાં સ્વરૂપે વરસેલા વરસાદે પશ્ર્ચિમ બાજુના અબડાસા તાલુકામાં અનરાધાર મેઘકૃપા વરસાવી હતી અને રવિવારની વહેલી સવાર સુધી વરસાદ વરસવો ચાલુ રહેતાં તાલુકામાં છ ઇંચ મેઘ મહેર થઇ હતી. અબડાસા તાલુકાના સણોસરામાં ભારે વરસાદથી નદીમાં પૂર આવતાં ગામનો રસ્તો બંધ થઇ ગયો હતો. કોઠારા, ખિરસરા, ખુઅડા, સુથરી, નારાણપર, ડુમરા, વિઝાણ સહિતના વિસ્તારોમાં ત્રણથી પાંચ ઇંચ વરસાદ વરસી ગયો હતો.
આ ઉપરાંત નખત્રાણા અને માંડવીમાં પણ એક ઇંચ કાચું સોનું વરસ્યું હતું. જિલ્લા મથક ભુજમાં સવારે તડકા-છાયા વચ્ચે ઝાપટાંનાં દોર ચાલુ રહ્યા હતા અને અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. લખપત તાલુકામાં સૌથી વધુ ૧૩ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી ગયા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો અને માત્ર ૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. પાકિસ્તાનની જળસીમાની તદ્દન નજીક આવેલા જખૌમાં અંદાજિત ૧૦ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને ગામના મુખ્ય બે ઐતિહાસિક તળાવ લાખાસર અને જહાંગીરા ઓગની જવામાં
આવ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.