મહિલા નાણા પ્રધાન તરીકે નિર્મલા સિતારામણે ઘણી નામના મેળવી છે. તેમણે પોતાનું પાંચમું બજેટ આજે રજૂ કર્યું હતું. ભારતનું બજેટ રજૂ કરનારા ઈન્દિરા ગાંધી પછીના તેઓ બીજા મહિલા છે. સિતારામણે આજે બજેટ રજૂ કર્યું તે 87 મિનિટનું હતું. અગાઉ તેમનું સૌથી નાનું બજેટ ભાષણ 91 મિનિટનું હતું. આમ તેમણે પોતાનો એક રેકોર્ડ આજે તોડી નાખ્યો અને માત્ર 87 મિનિટમાં આખું બજેટ દેશ સામે ધરી દીધું.
તો બીજી બાજુ તેમણે સૌથી લાંબુ બજેટભાષણ પણ કર્યું છે. સીતારમણના નામે જ અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ છે. તેમણે 2020માં 2 કલાક 41 મિનિટ સુધી બજેટ સ્પીચ આપી હતી. સિતારામણે ત્યારે 2019ના પોતાના જ રેકોર્ડને તોડી નાખ્યો હતો.
નિર્મલા સીતારમણે 2019માં 2 કલાક 17 મિનિટનું ભાષણ વાચીને પૂર્વ નાણા પ્રધાન જસવંત સિંહના સૌથી લાંબા ભાષણનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. સિંહે 2003માં 2 કલાક 13 મિનિટ સુધી બજેટ સ્પીચ આપીને રેકોર્ડ બનાવ્યો હતો. છેલ્લા બે વર્ષોથી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ બે કલાકથી ઓછું હોય છે. તેમણે 2022નું સામાન્ય બજેટ 1 કલાક 31 મિનિટમાં જ્યારે 2021માં
1 કલાક 50 મિનિટનું બજેટ ભાષણ આપ્યું હતું. આ રીતે અત્યાર સુધી નિર્મલા સીતારમણે સૌથી નાનું બજેટ ભાષણ 91 મિનિટ સુધી આપ્યું હતું.
બે કલાકથી વધારે લાંબુ ભાષણ આપનાર નાણા પ્રધાનોમાં જયવંત સિંહ અને નિર્મલા સીતારમણ ઉપરાંત અરૂણ જેટલી પણ સામેલ છે. તેમણે 2014માં 2 કલાક અને 10 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું. તો બીજી બાજુ શબ્દોની રીતે જોવામાં આવે તો સૌથી વધારે શબ્દોના બજેટ ભાષણનો રેકોર્ડ પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નામે છે. જેઓ ખૂબ જ ઓછું બોલવા અથવા મૌન રહેવા માટે જાણીતા છે, તેમણે જ સૌથી વદારે શબ્દો બોલ્યા છે.
મનમોહન સિંહ નાણાં પ્રધાન હતા ત્યારે વર્ષ 1991માં કુલ 18,650 શબ્દોનું બજેટ ભાષણ આપ્યું હતું. સૌથી વધારે શબ્દો વાળા બજેટ ભાષણની રેકોર્ડ લિસ્ટમાં અરૂણ જેટલીનો નંબર બીજા સ્થાન પર છે. જેટલીએ 2018માં જે બજેટ ભાષણ આપ્યું હતું તેમાં 18,604 શબ્દો હતા.
દેશમાં સૌથી ઓછા શબ્દોના બજેટ ભાષણનો રેકોર્ડ હજુ સુધી તૂટ્યો નથી. વર્ષ 1977માં હીરૂભાઈ મુલજીભાઈ પટેલે ફક્ત 800 શબ્દોની બજેટ સ્પીચ આપી હતી. આ ભારતીય ઈતિહાસનું સૌથી નાનું બજેટ ભાષણ હોવાનું માનવામાં આવે છે.