Homeઆમચી મુંબઈસંતાકૂકડી રમતી બહેનનું માથું લિફ્ટના દરવાજામાં ફસાતાં કરપીણ મૃત્યુ

સંતાકૂકડી રમતી બહેનનું માથું લિફ્ટના દરવાજામાં ફસાતાં કરપીણ મૃત્યુ

બેદરકારી બદલ સોસાયટીના અધ્યક્ષ-સેક્રેટરીની ધરપકડ

મુંબઈ: માનખુર્દમાં બનેલી આંચકાજનક ઘટનામાં ભાઈઓ સાથે સંતાકૂકડી રમતી વખતે ૧૬ વર્ષની બહેનનું માથું લિફ્ટના દરવાજામાં ફસાતાં તેનું મૃત્યુ થયું હતું. કિશોરીનું માથું દરવાજામાં ફસાયું ત્યારે જ કમનસીબે લિફ્ટ ઉપરથી નીચે આવી અને કિશોરીના માથા સાથે ભટકાઈ હતી. આ ઘટના માટે કિશોરીના પરિવારજનોએ સોસાયટીના પદાધિકારીઓને જવાબદાર ઠેરવતાં પોલીસે ચૅરમૅન અને સેક્રેટરીની ધરપકડ કરી હતી.
માનખુર્દ પોલીસના જણાવ્યા મુજબ લલ્લુભાઈ કમ્પાઉન્ડમાંની ન્યૂ સાંઈધામ સોસાયટીમાં શુક્રવારની સાંજે બનેલી ઘટનામાં રેશ્મા ખારવીનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે રેશ્માની માતાની ફરિયાદને આધારે ગુનો નોંધી સોસાયટીના સેક્રેટરી રાવસાહેબ જાધવ અને અધ્યક્ષ થોમસ નાગકની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.
નજીકના સાઠે નગરમાં રહેતી રેશ્મા દિવાળી વૅકેશન હોવાથી બે નાના ભાઈ સાથે નાના-નાનીને ઘેર રહેવા આવી હતી. રેશ્માનો પરિવાર ગુજરાત જવાનો હતોે, પરંતુ તે પહેલાં જ આ કમનસીબ ઘટના બની હતી.
પોલીસ ફરિયાદ અનુસાર રેશ્મા બન્ને ભાઈ સાથે સંતાકૂકડીની રમત રમી રહી હતી. દાવ લેવા માટે તે લિફ્ટના દરવાજા પાસે ઊભી હતી. લિફ્ટના દરવાજા સાથે અડીને ઊભેલી રેશ્માનું માથું દરવાજામાંના બારી જેવા બાકોરામાં ફસાઈ ગયું હતું. મદદ માટે તેણે બૂમો પાડતાં ભાઈ વિશાલ ઘર તરફ દોડ્યો હતો.
તાત્કાલિક પરિવારના સભ્યો રેશ્માની મદદ માટે આવી પહોંચ્યા હતા. જોકે તેનું માથું બાકોરામાંથી બહાર કાઢવામાં લગભગ ૧૫ મિનિટનો સમય લાગી ગયો હતો. દરમિયાન લિફ્ટ ઉપરના માળેથી નીચેની તરફ આવી હતી, લિફ્ટ કિશોરના માથા સાથે ભટકાતાં તેના માથા અને ગરદન પર ઇજા થઈ હતી. શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરાયેલી કિશોરીનું અડધા કલાકમાં જ મૃત્યુ થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ ઘટના માટે સોસાયટીના પદાધિકારીઓને જવાબદાર ઠેરવી તેમની સામે કાર્યવાહીની માગણી રેશ્માના પરિવારે કરી હતી. લિફ્ટના દરવાજામાંનું બારી જેવું બાકોરું ઘણા દિવસોથી ખુલ્લું હતું. એ બંધ કરવાની અનેક વાર કરાયેલી વિનંતીને સોસાયટીના પદાધિકારીઓએ ગંભીરતાથી લીધી નહોતી અને તેને કારણે જ રેશ્માએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular