ભારત અને ઑસ્ટેરેલિયા વચ્ચે ચાલી રહેલી દિલ્હી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ ઇતિહાસ રચી દીધો હતો. આ સાથે રોહિત શર્માની ટીમે પણ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. એક સમયે, મેચ ભારતના હાથમાંથી સરકી જતી હોય તેવું લાગતું હતું, પરંતુ રવિન્દ્ર જાડેજાએ કાંગારૂ ટીમના 7 ખેલાડીઓને એક ઇનિંગમાં પેવેલિયન મોકલી બાજી મારી દીધી હતી. ત્રીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટના નુકસાને 61 રન હતો.
ઓસ્ટ્રેલિયા પાસે 62 રનની લીડ હતી અને નિષ્ણાતોનું માનવું હતું કે જો આ લીડ 150ને પાર કરી જશે તો ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં મુશ્કેલી થઈ શકે છે. ટીમ ઇન્ડિયાએ આ વાતને ધ્યાનમાં રાખી હતી અને રવિન્દ્ર જાડેજાએ એકલા હાથે ઑસ્ટ્રેલિયાની ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. પ્રથમ ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 21 ઓવરમાં 68 રન આપીને 3 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 12.1 ઓવરમાં 42 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. આજની મેચમાં 7 વિકેટ લઇને જાડેજા સૌથી ઓછી ઓવરમાં7 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. આજની સાત વિકેટમાંથી 5 વિકેટ તેણે ખેલાડીને બોલ્ડ કરીને મેળવી હતી. છેલ્લા 50 વર્ષમાં આવું કરનાર તે બીજો સ્પીનર છે. તેના પહેલા 1992માં દક્ષિણ આફ્રિકા સામે આ કારનામું કર્યું હતું.