ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંના બાયોગ્રાફિલ લિટરેચર વિષ્ાયે આપણે ત્યાં બહુ ધ્યાન નથી અપાયું. વચ્ચે મેં પ્રણામી સંપ્રદાયમાં રચાયેલા વિતક સાહિત્યમાંથી પ્રગટતું પ્રાણનાથ સ્વામીનું ચરિત્ર વિષ્ાયે લેખ કરેલો. પછી જૈન કવિઓએ ગુરુને પ્રાપ્ત પદવી કે કાળધર્મ પામે ત્યારે વિવાહલુ પ્રકારની અને એમના તપ, વિહાર, શિષ્ય પરંપરા વગેરેનો પરિચય કરાવતી ગુરુની બીરદાવલીઓ કે શ્રાવકના ધર્મકાર્યોને બિરદાવતી વસ્તુપાલ રાસ, ખેમા હડાળિયાનો રાસ, જગડુશા રાસ, વિમલ પ્રબંધ આદિ ચરિત્રમૂલક રાસકૃતિઓ તપાસેલી. છેલ્લાં થોડાં વર્ષ્ાોથી રવિસાહેબકૃત ભાણ પરચરીનું સંપાદન કરું છું. હમણાં જીવાભગત દ્વારા રચાયેલી ભાણસાહેબની પરચરી, રવિસાહેબની પરચરી અને મોરારસાહેબની પરચરી કૃતિઓ વિશે જાણ્યું.
જીવાભગતનો સમય નિયત કરવા માટે પ્રોફે. ડૉ. ભાવેશ જેતપરિયાએ પરચરીમાંની વિગતોને ખપમાં લીધી છે તે ઉચિત થયું છે. તેમણે જીવાભગતનું જન્મવર્ષ્ા વિ.સ.૧૮૪પ, ઈ.સ.૧૭૮૯ અનુમાન્યું છે. એ માટે આધાર તરીકે જીવાભગત રચિત મોરારસાહેબની પરચરીમાં તેમણે આલેખ્યું છે, એ મુજબ…
સંવત અઢારસો સાઠકે ભાઈ
કારતક સુદ એકાદશી આઈ
વાર રવિ સૂરજને કણઈ
અરધી રાત રહે દેહ છોડાઈ ૧પ૪
સો દન જગન કા કુંડ બંધાયા
અસંખ્યાત ઘી મેં હાથે હોમાયા ૧પપ
સંવત ૧૮૬૦ ઈ.સ.૧૮૦૪ રવિસાહેબને નિર્વાણ પામતા ખંભાલિડામાં સમાધિ અપાઈ ત્યારે મોટો યજ્ઞ-જગન-કરેલો. એમાં ઘી હોમવાનું સેવાકાર્ય જીવાભગતને પ્રાપ્ત થયેલું. જીવાભગતના પિતાનો નીકટનો સંબંધ પણ રવિભાણ પરંપરાના સંતો ખીમસાહેબ, રવિસાહેબ, ગંગસાહેબ, મોરારસાહેબ અને ચરણદાસ વગેરે સાથે હતો એનો ઉલ્લેખ પણ મોરારસાહેબની પરચરીમાં
મળે છે.
ત્યાં વળી ટંકારે આયા
હમારા માત-પિતાએ દર્શન પાયા
હિયા રાખી પાંચ દિન ભજન કીના
પછે ચલી લતીપર આયા ૯૦
ઉંવાસે ચલી ખંભાલિયે આયા
દેખા સબ લોકે ભેખ ધરાઈ. ૯૧
આગળ ઉપર પણ મોરારસાહેબ પધારેલા એની વિગત છે. જેઠાભગતને ત્યાં ગંગસાહેબના આશિષ્ા વચનથી જીવાભગતનો જન્મ ખૂબ મોટી ઉંમરે થયેલાનું આલેખ્યું છે. પ્રોફે. જેતપરિયાનો મત ઘણો તર્કપૂત છે. બાલ્યા અવસ્થામાં જ સંત સેવા મગ્ન પરિવારમાં ઉછેર. રવિસાહેબના સમાધિ પ્રસંગે ઉપસ્થિત હોય અને પ્રેમથી આવા સેવક્સૂતને યજ્ઞમાં ઘી હોમવાનું સેવા કામ મળ્યું હોય ત્યારે દશથી પંદરેક વર્ષ્ાના હોય એ સ્વાભાવિક છે. એટલે ઈ.સ.૧૮૪પ એમનું જન્મવર્ષ્ા અને એમની મોરારસાહેબની પરચરી રચનામાં તેઓ મોરારસાહેબની સમાધિ પછી ભંડારો કરવાની આજ્ઞા મેળવેલી. એમણે એક રચનામાં
ગાયું છે કે-
ગુરુજી આવી ઉંમર અતિ કઠણ,
સીતેર ને સાત વરસની
જાય છે મંગળની મહાપદ માય
આવી અંતરદશાની….
એટલે ૭૭ વર્ષ્ાની વયે રચના પછી પણ ઘણાં વર્ષ્ા જીવ્યા હોય. એમનું સમાધિવર્ષ્ા વિ.સ.૧૯પ૦, ઈ.સ.૧૮૯૪ મળે છે. એમનું એક્સો પાંચ વર્ષ્ાનું આયુષ્ય ગણીને ઈ.સ.૧૮૯૪ નિર્વાણ વર્ષ્ા ગણી શકાય. આ ઉલ્લેખ દસ્તાવેજી આધાર પ્રમાણે પણ બરાબર જણાય છે. ગુરુજી પરત્વેની અપાર શ્રદ્ધા, ગુરુકૃપાથી પ્રાપ્ત થતી અવસ્થિતિને આલેખતી એમની બીજી એક ગરબી રચના આસ્વાદીએ-
અંતમજામી અધર હો ધામે, નિરાલંબ ગગનમે ગામે;
સદાય એ તો સનમુખ રે સામે, અંતરજામી અધર હો ધામે….ટેક
ખબરું સત્ગુરુ સેવાથી પડે, સુરતી નિરાધારે મળે;
નીરખી નીરખી નેણા ઠરે, અંતરસૂજ અગમની પડે. …૧
બને સત્ગુરુ ચરણ વડે, ખોલું તેની રદામાં પડે;
બારી અગમની ઉઘડે, શેરી એ તો સોધતા જડે. …ર
કેવું કારવવું સરવે ટળે, જયાંની હતી ત્યાં જઈ ઠરે;
ભટક્વું ભવરણનું ટળે, સરિતા સિંધુમાં ભળે. …૩
વેતામાં વેહવું ન પડે, સેજે ઘર પોતાનું જડે;
આતમા તેનો ઠીક થઈ ઠરે, નિવાસો નસંકમાં કરે. …૪
એ સુખ દેવી-દેવને ન જડે, શિવ બ્રહ્મમાં ઈચ્છા એની કરે;
તે પદ ગુરુક્રિપાથી મળે, પ્રસન્ન થઈને અઢળક ઢળે. …પ
એવા રે ગુરુ અંતરજામી, આયે આપે સનમુખ સ્વામી;
નિરાધારે દુબધા રે ભાંગી, સુરતી મારી જાગૃતમાં જાગી. …૬
દુબધા રે ભાંગી, સુરતી મારી જાગૃતમાં જાગી;
વરતી મારી બ્રહ્માંડે લાગી, કરમના ઘેન સરવે ગિયા ભાંગી….૭
વાસની કલીગ દીધ છે જામીર, સનમુખ ભાળા દેવ મોરાર;
જીવા નજરે નજરે ભાળી, મે સત્ગુરુ ઉપર જાઉં હું વારી. …૮
અંતર્યામી ગુરુજીનું આસન ઘણું ઊંચું ગગન ગામમાં છે પણ તેમ છતાં તેઓ સદાય શિષ્યની સન્મુખ સામે જ રહે છે ભલેને એના આસન અધ્ધર આકાશે હોય. એમની કૃપાની પ્રતીતિ એમની સેવા કરતાં-કરતાં થઈ જાય છે. સુરતા પ્રાપ્ત થાય અને એમને નિરખતા નયનને શાતા પ્રાપ્ત થાય છે. અગમની આંતરસૂજ મળે છે. સદગુરુ ચરણારવિંદ સ્પર્શી પડે આપણું હૃદયકમળ ખીલી જાય છે. અગમનું દ્વારા ખૂલી જાય છે. એ માર્ગ એમની કૃપાથી શોધતા-શોધતા જડી જાય છે.
પછી કશું કહેવાનું-કરવાનું ટળી જતું હોય છે. વૃત્તિ એના મૂળ સ્થાનકે સ્થિર થઈ જાય છે. પછી ભવાટવીમાં-ભવરસંસારમાં ફરવાનું છૂટી-ટળી જાય છે જેમ સરિતા સિંધુમાં સમાય જાય એ રીતે જાતનો વિલય થઈ જાય છે.
પોતાનું મૂળ સ્થાનક મળી જાય એટલે વહેતા પ્રવાહમાં સંસાર સાગરમાં પછી વહેવું પડતું નથી. આત્મા નિ:શંકપણે ઠીક ઠેકાણે સાચા સ્થાનકે નિવાસી બને છે. આવું બ્રહ્મત્વ-આત્મત્વમય બનવાનું સુખ, દેવી-દેવતાને પ્રાપ્ય નથી. શિવ અને બ્રહ્મા પણ એની કામના કરે છે. ગુરુકૃપાથી
પ્રસન્નતાથી અઢળક આનંદની પ્રાપ્તિ થતી હોય છે.
આવા અંતર્યામી આવીને સ્વામીજી સન્મુખ દર્શન થાય છે. આપણી દુર્બુદ્ધિને ભાંગીને સુરતમાં જાગૃત કરીને સ્થાપે છે. દુબધા-દુર્બુદ્ધિ ભાગે અને સુરતા જાગૃત થાય એટલે પછી વૃત્તિ બ્રહ્માંડમાં લાગે અને કર્મફળના ઘેન ભાંગી જાય. તૂટી જાય છે. દેવ મોરારને સન્મુખ ભાળ્યાથી, જીવાએ પોતાની નજરે અવલોક્યા છે, એવા સદ્ગુરુની ઉપર જીવો વારી જાય છે.
ગુરુકૃપાથી યોગક્રિયા સુલભ થઈ અને સાધનાનું ફળ એ ગુરુકૃપાનું ફળ માનતા જીવાભગત ગરબી દ્વારા આચરણમાં મૂકેલી સાધનાની ગતિને ગાતા જણાય છે.