પાપ અને પુણ્ય એક સિક્કાની બે બાજુ

47

અહીં બધી ચીજો એક સાથે મળેલી છે જેનો પ્રભાવ વધે તે પ્રગટ થાય છે

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

મહાન ચિંતક આચાર્ય રજનીશજી જેમણે પાછળથી ઓશો નામ ધારણ કર્યું હતું. તેમણે જીવન અને ધર્મ અંગે ઊંડી ગહન વાત કરી છે તેના થોડાં સ્પંદનો માણીએ.
( ૧ ) જુન્નેદે એક રાતે પરમાત્માને પ્રાર્થના કરી કે હું જાણવા માગું છું કે આ ગામમાં એવો કોઈ માણસ છે કે જે મહાપાપી હોય. કારણ કે તેને જોઈને, તેને સમજીને હું પાપમાંથી બચવાની કોશિશ કરીશ. મારી પાસે માપદંડ આવી જશે કે આ મહાપાપી છે. આવા જીવનથી બચવાનું છે.
પરમાત્માનો અવાજ આવ્યો કે તારો પાડોશી. જુન્નેદને ભારે આશ્ર્ચર્ય થયું. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેનો પાડોશી અને મહાપાપી. એ તો સાધારણ માણસ હતો. કામ ધંધો કરતો હતો. દુકાન ચલાવતો હતો. તે કેવી રીતે મહાપાપી હોઈ શકે ? તેને તો ખ્યાલ હતો કે મહાપાપી હશે કોઈ રાવણ જેવો માણસ, દુષ્ટ શેતાન. આ માણસ તો નાનો એવો ધંધો કરે છે. દેવ દર્શને જાય છે. બાળ બચ્ચાનું ભરણપોષણ કરે છે. એને મહાપાપી કઈ રીતે કહી શકાય ?
બીજી રાતે તેણે ફરી પરમાત્માને પ્રાર્થના કરી કે ઠીક તું જે કહે છે તે. હવે મારે એ જાણવું છે કે આ ગામમાં સૌથી મોટો મહાત્મા, પુણ્યાત્મા કોણ છે તે મને જણાવ. પ્રભુએ કહ્યું ; એ જ માણસ જે તારો પાડોશી છે.
જુન્નેદે કહ્યું પ્રભુ તું મને વધુ મુશ્કેલીમાં નાખી રહ્યો છે. આમ પણ હું મુશ્કેલીમાં છું. આખો દિવસ તે માણસને જોતો રહ્યો છું. એવું કોઈ મહાપાપ તેનામાં જોવા મળ્યું નથી. હવે વધારે જંજાળ ઊભી થઈ છે કે પુણ્યાત્મા પણ
એ જ છે.
પ્રભુનો અવાજ આવ્યો કે મારી દુનિયામાં બંને જોડાયેલા છે. માત્ર બુદ્ધિ તોડીને ચીજોને જુએ છે. અહીં મોટામાં મોટા મોટા સંતોની પાછળ પણ છાયા પડે છે. અને અહીં મોટામાં મોટા પાપીના ચહેરા પર પણ રોશની છે. એટલા માટે તો આ સંભવિત છે કે પાપી ધારે તો સંત બની શકે છે અને સંત ધારે તો પાપી બની શકે છે. આટલી સરળતાથી અદલા બદલી એટલા માટે થઈ શકે છે કે બંને એકમાં જ છુપાયેલા છે. અંધારું અને અજવાળું અલગ નથી. અહીં બધી ચીજો એકબીજા સાથે મળેલી છે. જેનો પ્રભાવ વધે છે તે પ્રગટ થાય છે, બહાર આવે છે. જિંદગીમાં અંધારું છે અને પ્રકાશ પણ છે. શુભ અને અશુભ બંને છે. અહીં પાપી અને પુણ્યાત્મા અલગ નથી. બંને સાથે જીવી રહ્યા છે. ગમે તેવો સારો માણસ હશે તેનામાં પણ કંઈક તો ખરાબ હશે જ અને ગમે તેવો ખરાબ માણસ હશે તેનામાં પણ કંઈક સારું હશે. સારું અને નરસું અલગ નથી. એક સિક્કાની બે બાજુ છે. કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. સંપૂર્ણ માણસને જોવા માટે સંપૂર્ણ બનવું પડે.
(૨) એક સમ્રાટે એક બહુ બુદ્ધિશાળી માણસને વજીર બનાવ્યો, પરંતુ વજીર અપ્રમાણિક હતો અને તેણે ઝડપથી રાજ્યના ખજાનામાંથી લાખો કરોડો રૂપિયા પડાવી લીધા. સમ્રાટને આ અંગે જાણ થઈ અને તેણે વજીરને બોલાવ્યો અને કહ્યું કે તે જે કર્યું છે તે ઠીક નથી કર્યું. હું બસ એટલું જ કહેવા માગું છું કે હવે હું તારું મોઢું જોવા માગતો નથી. તું આ રાજ્ય છોડીને ચાલ્યો જા. તેથી નકામી અફવા ફેલાય નહીં. હું આ બાબતમાં કોઈને કશું કહીશ નહીં અને તારે પણ કોઈને કહેવાની જરૂર નથી. તેથી તારી આબરૂ બચી જશે.
વજીરે કહ્યું આપ કહશો તો હું અહીંથી ચાલ્યો જઈશ. આ પાકી વાત છે કે મેં કરોડો રૂપિયા ચોર્યા છે. પણ એમ છતાં એક સલાહ વજીર હોવાના કારણે હું આપને આપું છું. અને તે એ છે કે હવે મારી પાસે બધું જ છે. મોટો મહેલ છે. બાગ બગીચા છે. પેઢી દર પેઢી સુધી ચાલે એટલું ધન છે. હવે મારે કંઈ કમાવાની કે મેળવવાની જરૂર નથી. આપ મને દૂર કરીને બીજા માણસને વજીર બનાવશો તો તેણે પાછું નવેસરથી ક ખ ગ થી શરૂ કરવું પડશે. હું તો ધરાઈ ગયો છું પણ તે ભૂખ્યો હશે.બીજા કરોડો રૂપિયા ચાલ્યા જશે. સમ્રાટ બુદ્ધિમાન હતો. વજીરની વાત સમજી ગયો.
આવી ક્ષણ તમારા જીવનમાં ક્યારે આવતી નથી જ્યારે તમે કહી શકો કે હવે બધું મારી પાસે છે. મારે હવે વધુ કાંઈ જોઈતું નથી. જે દિવસે આવી ક્ષણ આવશે ત્યારે દોડ બંધ થઈ જશે. નહિતર તમે હર ઘડી ક ખ ગ થી શરૂ કરતા રહેશો. હરઘડી નવી વાસના પકડી લેશે. નવો ચોર આવશે અને નવો ખજાનો તોડવા માંડશે. અહીં એક લૂંટારો હોય એવું પણ નથી. ઘણી વાસનાઓ છે. તમે એક સાથે ઘણી દિશામાં દોડો છો. તમે એક સાથે બધું મેળવી જ નહીં શકો કારણ કે એકને તમે મેળવશો તો બીજાને ગુમાવશો. એક આવશે તો બીજું ખોવાઈ જશે.
( ૩ ) એક મોટો જુગારી હતો. આ લત છોડવા પત્નીએ, કુટુંબે, મિત્રોએ ઘણું સમજાવ્યો, પરંતુ તેણે સાંભળ્યું નહીં. ધીરે ધીરે બધું ગુમાવી નાખ્યું. એક દિવસ એવી હાલત થઈ કે માત્ર એક રૂપિયો ઘરમાં બચ્યો હતો. પત્ની બોલી હવે તો ચોકો જરા સાંભળો. પતિએ કહ્યું જ્યારે આટલું બધું ગયું છે હવે એક રૂપિયાનો શો હિસાબ. આખરી મોકો આપો. કોણ જાણે એક રૂપિયામાં ભાગ્ય ખુલી જાય. જુગારીઓ સદા આવું જ વિચારતાં હોય છે.
જુગારી એક રૂપિયો લઈને ગયો જુગારના અડ્ડા પર ભારે ચકિત થયો. દરેક બાજી જીતવા માંડ્યો. એકના હજાર થયા, હજારના દસ હજાર થયા અને દશ હજારના લાખ થયાં. કારણ કે એકઠી થયેલી બધી રકમ દાવ પર લગાવતો ગયો. પછી તેણે એક લાખ રૂપિયા પણ દાવમાં લગાવી દીધા અને બધું હારી ગયો. તે ઘર પાછો ફર્યો. પત્નીએ પૂછ્યું શું થયું ? તેણે કહ્યું એક રૂપિયો પણ ચાલ્યો ગયો.
તમે તે જ વસ્તુને ખોઈ શકો છો જે તમે લાવ્યા હતા. લાખની શી વાત કરવી. એક રૂપિયો હતો તે પણ ખોવાઈ ગયો. દાવ ખરાબ ગયો, પરંતુ તેણે પત્નીને આ વાત ન કરી કે લાખ થઈ ગયા હતા. ઠીક જ કર્યું કારણ કે જે તમારું નહોતું એને ખોવાનો સવાલ જ ક્યાં હતો ? મરતી વખતે ખ્યાલ આવશે કે જે આત્મા તમે લઈને આવ્યા હતા તે તમે ગુમાવીને જાઓ છો, બસ એક ખોવાઈ જશે. બાકી તમે જે કમાયા, મેળવ્યું, બનાવ્યું અને ગુમાવ્યું એનો કોઈ બહુ મોટો હિસાબ નથી. અંતિમ હિસાબમાં તેનું કોઈ મૂલ્ય નથી. હિસાબ તો એકનો રહી જશે. જો તમે એકમાં રોકાઈ ગયા તો તમે જીતી ગયા. આત્માને જીતી લીધો તો બધું જીતાઈ ગયું અને આત્માને ગુમાવી દીધો તો બધું ગુમાવી દીધું.
(૪) એક માણસ આંખના ઓપરેશન માટે ગયો. ઓપરેશન પહેલા તેણે ડૉક્ટરને પૂછ્યું કે મને બિલકુલ દેખાતું નથી. મને દેખાવું શરૂ થશે ને ? ડૉક્ટરે ઓપરેશન પહેલા તપાસ કરી અને કહ્યું કે ચોક્કસ તમે જોઈ શકશો. પેલા માણસે કહ્યું શું હું વાંચી શકીશ કે ? ડૉક્ટરે કહ્યું ચોક્કસ તમે વાંચી શકશો.
ઓપરેશન પછી આ માણસની આંખો સારી થઈ ગઈ. તેને દેખાવા લાગ્યું, પરંતુ તે નારાજ થઈને એક દિવસ ડૉક્ટરના દવાખાને જઈ પહોંચ્યો અને કહ્યું કે તમે જૂઠું બોલ્યા. તમે કહ્યું હતું કે હું વાંચી શકીશ પણ હું વાંચી શકતો નથી. ડૉક્ટરને આશ્ર્ચર્ય થયું. તેમણે કહ્યું તમને બધું દેખાય છે તો તમે કેમ વાંચી શકતા નથી. પહેલા માણસે કહ્યું મને વાંચતા જ આવડતું નથી. આ તો તમે કહ્યું હતું કે તમે વાંચી શકશો એટલે તમારી પાસે આવ્યો છું.
આંખ તો સારી થઈ જાય પણ વાંચતા ન આવડતું હોય તો વાંચતા આવડી નહીં જાય. આંગણું ગમે તેટલું સીધું હોય તો પણ નાચતા ન આવડતું હોય તો નાચી નહીં શકાય. નાચવું એ આંગણું સીધું હોવા પર આધાર રાખતું નથી. તે શીખવું પડે છે. અને ધ્યાનમાં રાખો કે કોઈ બીજું શીખવનાર નથી. તમે બિલકુલ એકલા છો. બુદ્ધપુરુષ ઈશારો કરી શકે છે. પરંતુ શીખવું તમારે પડશે. કોઈ તમને હાથ પકડીને શીખવી નહીં શકે. જીવનનું નૃત્ય એટલું અંદર છે, એટલું ઊંડું છે કે ત્યાં બહારના હાથ પહોંચી શકતા નથી. ત્યાં તમારા સિવાય બીજા કોઈને પ્રવેશ નથી.
આત્મા નર્તક છે. સુખ અને દુ:ખમાં બંને રીતે આત્મા નાચી શકે છે. જો તમે દુ:ખી હો તો તમે ખોટી રીત શીખી લીધી છે. આંગણું નહીં, નાચવાની રીત બદલો. કોઈના પર દોષ ન ઢોળો. કોઈ ફરિયાદ ન કરો. તમે ખોટું નાચતા રહેશો તો તમને ખ્યાલ નહીં આવે કે ભૂલ તમારી છે.અને સદા ભૂલ બીજાની માનતા રહેશો. ફરિયાદ બંધ કરો અને પોતાની તરફ જુઓ. અને જ્યાં જ્યાંથી તમને દુ:ખ ઊભું થાય છે તેને સૂક્ષ્મતાથી શોધો. તમારી અંદર જ તેનાં કારણો મળશે. તે કારણોને દૂર કરી નાખો. વાત પૂરી થઈ જશે. જેનાથી દુ:ખ પેદા થાય છે તે કારણોને યાદ કર્યા કરવાનું પ્રયોજન
પણ શું છે ? જેનાથી કેવળ ઝેરના ફળ ઊગે છે એ તમે શા માટે વાવો છો ?
અંતરાત્મા રંગમંચ છે. પ્રોજેક્ટર અંદર છે. બધા ખેલના બીજ અંદરથી શરૂ થાય છે. બહાર દુ:ખ છે તો જાણવું કે અંદર ખોટી ફિલ્મ લઈને બેઠા છો. અને બહાર તમે જે કંઈ કરો છો તે ખોટું છે. પડદાને બદલવાથી કશો ફરક પડશે નહીં. તમે અંદરથી બદલાશો નહીં ત્યાં સુધી બહારની દુનિયા બદલાશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!