સમગ્ર ગુજરાતમાં માર્ચ મહિનામાં વરસાદી વાતાવરણ રહ્યું છે અને બેવડી ઋતુથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે. ઋતુ ખરાબ હોવાને લીધે બીમારી વકરી રહી છે ત્યારે રાજકોટમાં 11 વર્ષની એક બાળકીને થોડો તાવ હતો અને ઉલટી થતાં તેનું મોત નિપજ્યું હતું. રાજકોટ શહેરમાં તાવ અને ઉલટીના લીધે ધોરણ 4માં અભ્યાસ કરતી 11 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. ઘટના પગલે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
રાજ્યમાં બેવડી ઋતુના લીધે રોગચાળો વકરી રહ્યો છે. રાજ્યના લોકો તાવ અને શરદીની ઝપેટમાં આવી રહ્યા છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પર તેની વધુ અસર જોવા મળી રહી છે. રાજકોટમાં તાવ અને ઉલટીથી ધો. 4માં ભણતી રાધિકા રાય(ઉ.વ11) નામની વિદ્યાર્થિનીનું બીમારીથી મોત થયું હતું. આ વિદ્યાર્થિની ગાંધીગ્રામના ગૌતમનગરમાં રહેતી હતી. જેનું તાવ અને શરદીના લીધે મૃત્યુ થયું હતું. વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં હાલ 146 જેવા કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં ચાર દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જેમાં એક દર્દી ખાનગી હોસપિટલ વેન્ટિલેટર પર છે, જ્યારે અન્ય દર્દીઓ તબિયત પ્રમાણમાં સારી છે.