તર્કથી અર્ક સુધી-જિજ્ઞેશ અધ્યાર
કર્ણ અને અર્જુન વચ્ચે કોણ શ્રેષ્ઠ ધનુર્ધર એ પ્રશ્ર્નનો ઉત્તર સદીઓથી આપણે ત્યાં ચર્ચાતો રહ્યો છે. એ પ્રશ્ર્નના વિકલ્પોમાં ગંગાપુત્ર ભીષ્મ અને ગુરુદેવ દ્રોણાચાર્ય પણ ક્યારેક ચર્ચામાં આવે છે, પરંતુ આ પ્રશ્ર્નનો કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવો અશક્ય છે. જો કે કર્ણ અને શ્રીકૃષ્ણ બંને સાથે સંકળાયેલા છે શ્રીકૃષ્ણ! મહાભારતમાં અન્ય પણ એવા ઘણાં પાત્રો છે જેમની યુદ્ધક્ષમતાઓ બહુ ઓછી ચર્ચાઈ છે જેમ કે બર્બરિક અને ઘટોત્કચ. આ બધાં પાત્રો વિશે વિચારતાં અમુક પાત્રો વચ્ચેની સમાનતા ઊડીને આંખે વળગે છે. આવી જ એક સમાંતર જીવનગાથા કર્ણ અને શ્રીકૃષ્ણ વચ્ચે પણ દેખાય છે, પણ કર્ણનું જીવન મારા મતે એક સ્તર પછી અધોગતિ કરે છે જ્યારે કૃષ્ણનું જીવન જ દર્શન છે, સહજ જીવનનું, પૂર્ણતાનું, મુક્તિનું અને ઉર્ધ્વગતિનું એ પરિચાયક છે. આ વિષયના કેટલાક અગત્યના મુદ્દા મારો મત પ્રગટ કરવા પૂરતાં અહીં મૂક્યા છે.
શ્રીકૃષ્ણ અને કર્ણની જન્મગાથામાં ઘણું સામ્ય છે. શ્રીકૃષ્ણ તો અવતાર હતા એટલે એમના જન્મ સાથે સંકળાયેલી દૈવી ઘટનાઓની વાત અહીં નથી. પણ જન્મ સમયના સંજોગો લગભગ સમાન હતા. માતા દેવકી અને વસુદેવ કૃષ્ણજન્મ સમયે કારાગૃહમાં હતાં, જન્મ પછી તરત શ્રીકૃષ્ણને માતા દેવકીથી દૂર થવું પડ્યું અને તેઓ યશોદામાનું વાત્સલ્ય પામ્યા. એ જ રીતે કર્ણજન્મ વખતે માતા કુંતીને તેમની ધાત્રીએ સૌથી અલગ રાખ્યાં હતાં અને કર્ણના જન્મ પછી તરત જ માતા કુંતીથી દૂર થવું પડ્યું અને તે મહારાજ અધીરથના પત્ની રાધામાનું વાત્સલ્ય પામ્યા. પણ ફરક એ છે કે માતા દેવકીએ કૃષ્ણ એમના પુત્ર છે એ વાત ક્યારેય છુપાવી નથી જ્યારે કુંતી કર્ણના મૃત્યુ સુધી તેને પોતાના પુત્ર તરીકે જાહેર કરી શક્તાં નથી.
જન્મ પછી તરત વસુદેવ શ્રીકૃષ્ણને લઈને યમુના પાર ગોકુળ લઈ જાય છે, જ્યારે કર્ણ જન્મ પછી તરત નદીમાં એક પેટીમાં તરતા મુકાય છે. બંનેના જન્મસંજોગોમાં નદીઓ અગત્યનો ભાગ ભજવે છે. પણ તફાવત એ છે કે કર્ણને પોતાની સૂતપુત્રની ઓળખ સતત કનડતી રહી છે, કર્ણની વિચારસરણી અને વ્યવહારમાં પોતાની જાતને સાબિત કરવાની, પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની સતત મથામણ રહી છે. કંઈક કરી બતાવવાની, કીર્તિની અને શૌર્યપતાકાઓ લહેરાવવાની એને સતત લાલસા રહી છે. જ્યારે શ્રીકૃષ્ણને કોઈ ઓળખ, કોઈ પરિચય બાંધી શક્યો નથી. એ તો ગોપબાળ તરીકે પણ પ્રસન્ન છે, મુત્સદ્દી તરીકે પણ અને ઈશ્ર્વર તરીકે પણ! દરેક ઓળખમાં શ્રીકૃષ્ણ સંપૂર્ણ છે! જેની સાથે હોય ત્યાં જ તેઓ પૂર્ણપણે હોય છે. એટલે જ શ્રીકૃષ્ણ સુદામાના મિત્ર હોય, દ્રૌપદીના સખા હોય કે શિશુપાલનો વધ કરતાં હોય – દરેક સંબંધમાં પોતાના સો ટકા આપે છે, એ રીતે દરેક સાથે તેઓ પૂર્ણ પુરુષ છે.
મથુરામાં કંસને હરાવ્યા પછી શ્રીકૃષ્ણ રાજા બની શક્યા હોત કે તેમના પિતા વસુદેવને રાજ્ય આપી શક્યા હોત, પરંતુ તેમણે મહારાજ ઉગ્રસેનને રાજ્યશાસન સોંપ્યું અને પોતે મથુરામાં રક્ષણાર્થે રહ્યાં, મગધ તરફથી થયેલા અનેક હુમલાઓ તેમણે ખાળ્યાં. એ જ રીતે જ્યારે કર્ણ પાંડવ છે એ વિશેનું સત્ય શ્રીકૃષ્ણ કર્ણને કહે છે ત્યારે કર્ણ પાસે અવસર છે હસ્તિનાપુરના રાજા થવાનો. યુધિષ્ઠિરને ખબર પડે કે કર્ણ એમનો મોટો ભાઈ છે તો એ રાજા બનવાના નહોતા, કર્ણ પોતે જ એ વાત શ્રીકૃષ્ણને કહે છે. દુર્યોધન પાસેથી રાજ્ય જીતી લઈ એ કર્ણને ચરણે ધરી દેત, કૃષ્ણને પણ એ વાતની ખાતરી છે. તો સામે પક્ષે એ પણ શક્ય હતું કે દુર્યોધનને કર્ણના કૌંતેય હોવા વિશે ખબર પડે તો એ પાંડવોને બદલે વિવાદ ટાળવા પોતાના મિત્રને રાજા બનાવે. એ રીતે કર્ણ પાસે યુદ્ધના ગમે તે પરિણામ પછી પણ રાજ્યશાસન પ્રાપ્ત કરવાની તક હતી; કદાચ એનું સત્ય જાહેર થયું હોત તો યુદ્ધ અટક્યું હોત એવી શક્યતા પણ ખરી, પરંતુ એ તક જતી કરીને કર્ણે યુદ્ધમાં જવાનો અને વીરગતિ પ્રાપ્ત કરવાનો માર્ગ પસંદ કર્યો. વીરગતિ પ્રાપ્ત કરવાનો માર્ગ એટલા માટે કહું છું કે એને પોતાને મળેલા એકથી વધુ શ્રાપ વિશે પૂરો ખ્યાલ હતો, એ ચાર પાંડવોને હણવાના નહોતાં એવું વચન એમણે માતા કુંતીને આપ્યું હતું અને એમના અજેય કવચ કુંડળ પણ એમની સાથે નહોતા. તે છતાં એમણે રાજ્ય ન સ્વીકાર્યું. જો કે શ્રીકૃષ્ણના ત્યાગ પાછળ કોઈ લાલસા નથી જ્યારે કર્ણ સતત પોતાની ક્ષમતા પુરવાર કરવાની તક માટે ગમે તે ત્યાગ કરવા તત્પર રહે છે. એના ત્યાગની પાછળ પણ કારણો છે, એ નિ:સ્વાર્થ ત્યાગ નથી. કર્ણ હંમેશાં ભવિષ્યના સ્વપ્નમાં અને ભૂતકાળના ઓછાયામાં જ જીવ્યો
જ્યારે શ્રીકૃષ્ણ કાયમ વર્તમાનમાં જ પ્રવાહિત રહ્યા.
કર્ણ અને શ્રીકૃષ્ણ વચ્ચેની વધુ એક સામ્યતા છે એ બંનેની મિત્રભાવના. કર્ણ અને દુર્યોધનની મૈત્રીની બહુ ચર્ચાઓ થાય છે. પણ હકીકતે કર્ણને દુર્યોધન સાથે જે મૈત્રી હતી એથી ક્યાંય વધુ ઉદાત સંબંધ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેની મૈત્રીમાં દેખાય છે. અર્જુનને શ્રીકૃષ્ણના કથન પર પૂર્ણ શ્રદ્ધા છે અને એ જ રીતે દુર્યોધનને પણ કર્ણ પર પૂરતો વિશ્ર્વાસ છે. અર્જુન અને શ્રીકૃષ્ણની મિત્રતા સમર્પણના ભાવ સુધી પહોંચે છે જ્યારે કર્ણ અને દુર્યોધનને પોતપોતાના અહંની મર્યાદા નડે છે. અર્જુન શ્રીકૃષ્ણ સમક્ષ પોતાની નબળાઈઓ પણ સરળતાથી કહી શકે છે જ્યારે કર્ણ દુર્યોધનને પોતાના અસ્તિત્વનું સત્ય પણ કહી શક્તો નથી. શ્રીકૃષ્ણ પ્રત્યે અર્જુનનું પૂર્ણ સમર્પણ છે જ્યારે દુર્યોધન કર્ણનો ઉપયોગ કરતો હોય એમ લાગે, કર્ણ દુર્યોધનના ઉપકાર તળે દબાઈને સતત એનું ûણ ઉતારવા માગતો હોય એમ દેખાય! કર્ણએ દુર્યોધનને સૂચવેલા માર્ગ કે સલાહ સર્વથા યોગ્ય નહોતાં, એના પોતાના નિર્ણયો પણ યોગ્ય હતાં એમ આપણે ન કહી શકીએ. ક્યારેક કર્ણના પોતાના અહં કે અર્જુનને પરાજિત કરવાની ઈચ્છાએ દુર્યોધનને યુદ્ધમાં પણ ધકેલ્યો છે. એકથી વધુ પ્રસંગે કર્ણ યુદ્ધ ત્યાગી અને દુર્યોધનને વિષમ પરિસ્થિતિમાં છોડીને જતા રહ્યાના પ્રસંગો છે જ્યારે શ્રીકૃષ્ણ દરેક પરિસ્થિતિમાં અર્જુનની સાથે અડીખમ ઊભા છે, એને યોગ્ય માર્ગ ચીંધ્યો છે, એણે શસ્ત્રત્યાગ કર્યો ત્યારે કર્તવ્યનું મહત્ત્વ પણ સમજાવ્યું છે. ખાંડવવન દહનનો પ્રસંગ હોય કે મહાભારતનું યુદ્ધ, શ્રીકૃષ્ણ અને અર્જુન એ બંને સાથે ન હોય એમ કલ્પવું અશક્ય છે.
શ્રીકૃષ્ણ અને કર્ણ બંનેના જીવનમાં શ્રાપનું પણ અદ્ભુત સામ્ય છે. કર્ણને ધનુર્વેદનું શિક્ષણ ગુરુ દ્રોણ આપે છે પરંતુ વિશેષ શિક્ષા અને અસ્ત્રો તેને આપવાની ના કહે છે. દ્રોણાચાર્યનું વરણ રાજકુમારોને વિશેષ શિક્ષા આપવા ગંગાપુત્ર ભીષ્મે કર્યું છે. એથી અપમાન અનુભવતો કર્ણ એ વિશેષ શિક્ષા પ્રાપ્ત કરવા, વિશેષત: બ્રહ્માસ્ત્ર શીખવા દ્રોણાચાર્યના ગુરુ ભગવાન પરશુરામ પાસે જાય છે. કર્ણએ પોતાના આપેલા ખોટા પરિચયની જાણ થતાં ભગવાન પરશુરામ તેને અણીના સમયે વિદ્યા વિસ્મરણનો શ્રાપ આપે છે. એ શ્રાપનું સતત સ્મરણ કર્ણને છે. કર્ણના એકથી વધુ પ્રસંગે યુદ્ધક્ષેત્ર ત્યાગી જતા રહેવાની ઘટના પાછળ મને એ કારણ દેખાય છે. એને એવા સંજોગ દેખાય કે મૃત્યુ નિકટ છે ત્યારે એ વિસ્મરણ ટાળવા ત્યાંથી જતો રહે એ શક્ય છે. મહાભારતનું મહાવિનાશક યુદ્ધ જો કોઈ રોકી શક્યું હોત તો એ શ્રીકૃષ્ણ હતાં એવું માતા ગાંધારી માને છે અને એટલે જ તેઓ શ્રીકૃષ્ણને શ્રાપ આપે છે, પરંતુ શ્રીકૃષ્ણ એ શ્રાપથી વિચલિત થતાં નથી, એને હસતા મુખે આશિષ ગણી સ્વીકારે છે. કર્ણને મળેલા શ્રાપ એને નિષ્ફળ બનાવે છે જ્યારે શ્રીકૃષ્ણને મળેલો શ્રાપ તો જાણે એમની પોતાની જ લીલાનો ભાગ હોય એમ લાગે છે.
શ્રીકૃષ્ણ અને કર્ણ એમ બંનેના જીવનમાં બે સ્ત્રીઓનું મહત્ત્વ અદ્ભુત રહ્યું છે. રાધા અને દ્રૌપદી. શ્રીકૃષ્ણ અને રાધાજી વિશે તો શું કહીએ! આજે પણ રાધેકૃષ્ણ કહી આપણે પુલકિત થઈએ છીએ. જ્યારે માતા તરીકે રાધા કર્ણને મળે છે. બંને વ્યક્તિઓ ભલે અલગ છે પણ પાત્રોના નામનું સામ્ય આશ્ર્ચર્યકારક છે. કર્ણના જીવનમાં રાધામાનું મહત્ત્વ અદમ્ય છે, એટલું કે પોતે કુંતીનો પુત્ર છે એ ખબર પડવા છતાં એ કૌંતેયને બદલે રાધેય તરીકે જ ઓળખાવાનું પસંદ કરે છે. અને એ જ રીતે દ્રૌપદી પણ બંનેના જીવનમાં અગત્યનું પાત્ર છે. દ્રૌપદી કૃષ્ણના સખી છે, એ બંને અવિનાભાવે જોડાયેલા છે; દ્રૌપદીની દરેક કસોટી સમયે શ્રીકૃષ્ણ તેની સાથે એનું જીવનબળ બનીને રહ્યા છે. કર્ણના જીવન પર પણ દ્રૌપદીનો પ્રભાવ છે, દ્રૌપદીએ કરેલા અપમાનનો ઘા એણે સતત દૂઝતો રાખ્યો છે. એટલી હદે કે એ વસ્ત્રહરણનો આદેશ કર્ણ આપે છે – દુર્યોધન નહીં! અને તે છતાં ઉડિયા મહાભારત કહે છે કે દ્રૌપદીના મનમાં કર્ણ માટે વેરભાવના નથી, ક્યાંક ખૂણે છુપાયેલી લાગણી છે. કર્ણ એના જીવનમાં આવેલી સ્ત્રીઓનું યોગ્ય સન્માન કરી શક્યો નથી જ્યારે શ્રીકૃષ્ણ આ સંબંધોને આગવી રીતે પરિભાષિત કરે છે, મૂઠી ઊંચેરા બની રહે છે.
કર્ણનો ઉછેર સૂતકુળમાં થયો છે, પણ યુદ્ધમાં એ ક્ષત્રિય તરીકે ભાગ લે છે જ્યારે કૃષ્ણ રાજવંશમાં જનમ્યા હોવા છતાં શસ્ત્ર ન લેવાના નિર્ધાર સાથે અર્જુનનું સારથ્ય સ્વીકારે છે. યુદ્ધમાં બંને સાથે ભીષ્મ પણ સંકળાય છે. યુદ્ધની શરૂઆતમાં ગંગાપુત્ર ભીષ્મ કર્ણનું અપમાન કરી એને અર્ધરથી કહે છે અને એટલે કર્ણ ભીષ્મજીના ધ્વજ નીચે યુદ્ધમાં શસ્ત્ર ન ઉપાડવાનો નિર્ધાર કરે છે. તો કૃષ્ણએ શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી છે પણ ભીષ્મને મારવા માટે જ એ શસ્ત્ર ઉપાડવા સુધી પહોંચી જાય છે. શ્રીકૃષ્ણ અને કર્ણના જીવનમાં લઘુતમ સામાન્ય વ્યક્તિ છે અર્જુન! શસ્ત્રપરીક્ષાના દિવસથી જ કર્ણ અર્જુનને પરાજિત કરવા તત્પર છે. શ્રીકૃષ્ણ સતત અર્જુનને શક્તિશાળી બનાવવા મથતાં રહે છે. કર્ણના જીવનમાં પણ અનેક ઉતાર ચડાવ, અનેક પરીક્ષાઓ છે, અને શ્રીકૃષ્ણના જીવનનો પ્રવાહ પણ કંઈ શાંત નદી જેવો રહ્યો નથી. પણ કર્ણ માનવીય નબળાઈઓને લીધે, પોતાની બડાઈ સતત કરવાને લીધે અને ઈર્ષ્યા, અહં તથા વેરભાવના સતત પોષતો રહ્યો હોવાને લીધે સર્વપ્રિય નથી. કર્ણ કર્મયોદ્ધા છે, એ અર્જુન સાથે યુદ્ધમાં ઊતરવાની અને એને પરાજિત કરવાની ખેવના રાખે છે. એ દુર્યોધન માટે – હસ્તિનાપુર માટે દિગ્વિજય કરે છે અને પોતાની શક્તિની સર્વોપરિતા સિદ્ધ કરે છે પણ એમાં એનો પોતાનો સ્વાર્થ છે. જ્યારે શ્રીકૃષ્ણ અર્જુન સમક્ષ એને માર્ગદર્શન આપવા કર્મની જ સર્વોપરિતા વર્ણવે છે, અર્જુનને નિષ્કામ ભાવે કર્મ કરવાનું માર્ગદર્શન આપે છે. પણ શ્રીકૃષ્ણનો એમાં પોતાનો કોઈ સ્વાર્થ નિહિત નથી. આમ શ્રીકૃષ્ણ અને કર્ણ એ બંને કર્માવલંબી છે. ફરક ફક્ત એટલો છે કે શ્રીકૃષ્ણ અર્જુનને કર્મની યોગ્યતા – અયોગ્યતા વિશે વિશદ વાત કહી શકે છે જ્યારે કર્ણ એવો કોઈ વિચાર કર્યા વગર ન કરવા જેવા કર્મમાં પણ નિમિત્ત બને છે. અને અહીં જ મોટો ફરક પડી જાય છે.
કૃષ્ણ જ્યેષ્ઠ પાંડવ તરીકે કર્ણને એનો પોતાનો પરિચય આપે ત્યારે એમના શબ્દોમાં ભારોભાર આત્મીયતા છે. તો સામે પક્ષે કર્ણ કૃષ્ણને પૂર્ણ સન્માન સહ ઈશ્ર્વરીય સ્વરૂપે જુએ છે. શ્રીકૃષ્ણનું મુત્સદ્દીપણું, સરળતા, સાહજિકતા, દૈવી પ્રભાવ અને નિર્ણયો લેવાની અતિમાનવીય પૂર્ણતા, જીવનને સર્વાંગી દ્રષ્ટિકોણથી જોવાની અને મુક્તિ માટે સૌને સન્માર્ગે દોરવાની ક્ષમતા જ એમને અદ્ભુત આભા બક્ષે છે. કર્ણમાં અનેક અપૂર્ણતાઓ છે, અસંખ્ય અધૂરપ છે જ્યારે શ્રીકૃષ્ણ પૂર્ણપુરુષ – પુરુષોત્તમ છે. એક સમાન પરિસ્થિતિઓમાં કઈ રીતે ન વર્તવું એ કર્ણનું જીવન અને કઈ રીતે વર્તવું એ શ્રીકૃષ્ણનું ચરિત્ર દર્શાવે છે.
કર્ણ અને કૃષ્ણની જેમ જ અભિમન્યુ અને અશ્ર્વત્થામા, દ્રોણાચાર્ય અને દુર્યોધન વગેરેનાં જીવનચરિત્રોમાં પણ ઘણી સમાનતાઓ વિચારી શકાય એમ છે.