મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં આજે આરંભિક તબક્કે મક્કમ વલણ રહ્યા બાદ ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હોવાથી તેમ જ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા રોકાણકારોની સોના-ચાંદીમાં માગ જળવાઈ રહી હતી અને ભાવમાં સુધારાતરફી મક્કમ વલણ રહ્યું હતું. અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી કિલોદીઠ રૂ. ૩૩૨નો સુધારો આવ્યો હતો, જ્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ મામૂલી રૂ. ત્રણનો સુધારો આવ્યો હતો. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો, ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૩૨ વધીને રૂ. ૬૮,૯૯૩ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિકમાં રૂપિયો મજબૂત થતાં આયાત પડતરોમાં ઘટાડો થવાથી ભાવ સાધારણ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩ના સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૫૨૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૭૫૫ના મથાળે રહ્યા હતા. હજુ ભાવ ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી અત્યંત પાંખી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ જળવાઈ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની માગને ટેકે હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૧૯૧૧.૫૭ ડૉલર અને ૧૯૧૩.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આજે સત્રના આરંભે ડૉલરમાં મક્કમ વલણ રહેતાં એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઘટીને ૧૮૯૬.૩૨ ડૉલરની નીચી સપાટી સુધી પહોંચ્યા હતા.