Homeદેશ વિદેશવિશ્ર્વ બજાર પાછળ ચાંદી ₹ ૨૧૫ ચમકી, રૂપિયો મજબૂત થતાં સોનામાં ₹...

વિશ્ર્વ બજાર પાછળ ચાંદી ₹ ૨૧૫ ચમકી, રૂપિયો મજબૂત થતાં સોનામાં ₹ બેનો સાધારણ સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના આજના વક્તવ્ય પૂર્વે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૩૪ પૈસા મજબૂત થયો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે સ્થાનિકમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. બેનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૧૫નો ચમકારો આવ્યો હતો. આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિરક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૧૫ વધીને રૂ. ૬૧,૯૦૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૩૪ પૈસા મજબૂત થયો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે ભાવવધારો નિયંત્રણ હેઠળ રહેતાં સાધારણ ૧૦ ગ્રામદીઠ રૂ. બેનો સુધારો આવ્યો હતો અને ૯૯.૫ ટચ તથા ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ અનુક્રમે ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨,૫૬૬ અને રૂ. ૫૨,૭૭૭ના મથાળે રહ્યા હતા. જોકે, જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની પાંખી લેવાલી રહી હતી, જ્યારે રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની છૂટીછવાઈ માગ જળવાઈ રહી હતી.
દરમિયાન આજે અમેરિકામાં બ્રુકિંગ ઈન્સ્ટિટ્યુશનના એક પ્રસંગમાં અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનું વક્તવ્ય છે અને આ વક્તવ્યમાં આગામી ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદર વધારા અંગે કેવો અભિગમ અપનાવવામાં આવશે એ અંગે તેઓ કોઈ દિશા નિર્દેશ આપે છે કે કેમ તેના પર વૈશ્ર્વિક રોકાણકારોની નજર સ્થિર થઈ છે. આથી આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ૧૭૬૦.૫૬ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આ મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં માસિક ધોરણે બે વર્ષનો સૌથી વધુ ૭.૮ ટકાનો સુધારો નોંધાયો હતો, જ્યારે વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ૧૭૫૯.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા તથા ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૧.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જો આજના વક્તવ્યમાં જૅરૉમ પૉવૅલ વ્યાજદરમાં આક્રમક વધારાનો અણસાર આપશે તો વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં સોનાના ભાવ ઔંસદીઠ ૧૭૪૫ ડૉલર સુધી ઘટી શકે છે, પરંતુ જો વ્યાજદરમાં હળવા વધારાનો નિર્દેશ આપે તો ડૉલર નબળો પડતાં સોનાના ભાવ ઔંસદીઠ ૧૭૮૦ ડૉલર સુધી વધે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular