Homeદેશ વિદેશચાંદીમાં રૂ. 1729નો કડાકો, સોનું રૂ. 113ની નરમાઈ

ચાંદીમાં રૂ. 1729નો કડાકો, સોનું રૂ. 113ની નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની લેવાલીને ટેકે ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં ઊંચા મથાળેથી માગ રૂંધાઈ જતા ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 1729નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ રૂ. 68,000ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. વધુમાં સોનામાં પણ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 113 ઘટી આવ્યા હતા.જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ હોવાથી સોનામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1729ના કડાકા સાથે રૂ. 68,000ની સપાટીની અંદર ઊતરીને રૂ. 67,264ના મથાળે રહ્યા હતા. વધુમાં મધ્યસત્ર દરમિયાન સોનામાં વિશ્ર્વ બજારથી વિપરીત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 113 ઘટીને 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 56,415 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 56,642ના મથાળે રહ્યા હતા.
ગત બુધવારે અમુક ફેડના અધિકારીઓએ વધુ વ્યાજદર વધારાના સંકેત આપ્યા હતા, જ્યારે ફિલાડેલ્ફિયા ફેડના પ્રમુખ પેટ્રિક હાર્કરે અને ડલાસ ફેડર પ્રેસિડેન્ટ લૉરિ લોગાને ધીમી ગતિએ વ્યાજદરમાં વધારાને ટેકો આપ્યો હતો. આમ એકંદરે ફેડરલ વ્યાજદરમાં ધીમી ગતિએ વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી 0.3 ટકા વધીને ઔંસદીઠ 1908.54 ડૉલર અને વાયદામાં ભાવ 0.2 ટકા વધીને 1909.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધથી 0.3 ટકા ઘટીને ઔંસદીઠ 23.36 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી પહેલી ફેબ્રુઆરીના રોજ સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવે તેવી શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, આજે મોડી સાંજે અમેરિકાના જાહેર થનારા બેરોજગારીના આંકડા પર રોકાણકારોની નજર હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું વિશ્ર્લેષકો જણાવે છે. વધુમાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં ગત વર્ષ 2022માં સોનાનું ઉત્પાદન વર્ષાનુવર્ષ ધોરણે 13.09 ટકા વધીને 372.048 ટનની સપાટીએ રહ્યું હોવાનું ચાઈના ગોલ્ડ એસોસિયેશનની પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular