ચાંદી ₹ ૪૩૨ વધી સોનું ₹ ૪૧૫ ઘટીને ₹ ૫૧,૦૦૦ની અંદર

વેપાર વાણિજ્ય

સોના-ચાંદીમાં સામસામા રાહ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ૧.૯ ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં ૨૦ વર્ષની ઊંચી સપાટીએથી પીછેહઠ અને સોનામાં ઘટ્યા મથાળેથી બાર્ગેઈન હંટિંગ નીકળતાં ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ઓવરનાઈટ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૪થી ૪૧૫નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી કિલોદીઠ રૂ. ૪૩૨નો સુધારો આવ્યો હતો. આમ આજે બન્ને કીમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં ગઈકાલના વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને લગ્નસરાની મોસમ પૂરી થવાથી રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી રહેતાં ભાવ ઘટીને ફરી રૂ. ૫૧,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા અને જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૪ ઘટીને રૂ. ૫૦,૬૭૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૧૫ ઘટીને રૂ. ૫૦,૮૮૩ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૩૨ વધીને રૂ. ૫૬,૮૮૧ની સપાટીએ રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૨૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ નોંધાતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૭૪૧.૭૫ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૭૩૯.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૧૯.૨૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલરમાં મજબૂત અન્ડરટોન રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ૧.૯ ટકા ઘટીને ૩૦ સપ્ટેમ્બર પછીની સૌથી નીચી ઔંસદીઠ ૧૭૩૧ ડૉલર સુધીની સપાટીએ પહોંચ્યા હતા. એકંદરે આજે ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવા છતાં ફેડરલ રિઝર્વ દ્વારા વધતા ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવામાં આવે તેવી શક્યતા સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની ઊપજમાં વધારો થતાં સોનાના ભાવ દબાણ હેઠળ જળવાઈ રહે તેવી ધારણા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.