Homeવેપાર વાણિજ્યચાંદીમાં રૂ. ૩૩૮નો પ્રત્યાઘાતી સુધારો, સોનું વધુ રૂ. ૧૭૨ ઘટ્યું

ચાંદીમાં રૂ. ૩૩૮નો પ્રત્યાઘાતી સુધારો, સોનું વધુ રૂ. ૧૭૨ ઘટ્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે અમેરિકાના દેવાની ટોચ મર્યાદાની સ્પષ્ટતાના અભાવ વચ્ચે સોના અને ચાંદીમાં ગઈકાલના ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૧થી ૧૭૨ની પીછેહઠ જોવા મળી હતી. જોકે, આજે ફોરેક્સ માર્કેટમાં પણ ડૉલર સામે રૂપિયામાં ઘટાડો આગળ ધપતાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે રૂપિયો વધુ ૧૩ પૈસા નરમ પડ્યો હોવાથી સોનાની આયાત પડતર વધી આવતાં વિશ્ર્વ બજારની સરખામણીમાં ઓછો ભાવઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૩૮નો પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર હાલ સ્થાનિકમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર પ્રર્તી રહ્યા હોવાથી રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહે છે. તેમ જ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહેતી હોવાથી આજે મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૧ ઘટીને રૂ. ૬૦,૦૬૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૩૦૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટો અને ઔદ્યોગિક વપરાશકારોની ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૩૮ વધીને રૂ. ૭૧,૮૩૪ના મથાળે રહ્યા હતા. જોકે, જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ રહી હતી.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ઔંસદીઠ ૦.૪ ટકા વધીને અનુક્રમે ૧૯૬૪.૯૯ ડૉલર અને ૧૯૬૭.૯૦ ડૉલર તથા ચાંદીના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે .૮ ટકા વધીને ૨૩.૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, અમેરિકા ખાતે દેવાની ટોચ મર્યાદા અંગેનું કોકડું યથાવત્ હોવાથી સોનાચાંદીમાં સલામતી માટેની માગ પાંખી રહી હોવાથી સુધારો મર્યાદિત માત્રામાં જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, અત્યાર સુધીમાં વૈશ્ર્વિક સોનામાં સાપ્તાહિક ધોરણે સાડા ત્રણ મહિનાનો સૌથી મોટો ૨.૨ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

અંકેદરે હાલને તબક્કે અમેરિકા ખાતે દેવાની ટોચ મર્યાદા અને ફેડરલ રિઝર્વ દ્વારા આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવશે કે યથાવત્ રાખવામાં આવશે તેમ જ વ્યાજદરમાં કપાતની શરૂઆત ક્યારથી કરવામાં આવશે તેની અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં ચંચળતાનું વલણ જોવા મળે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -