(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલના વ્યાજદર વધારાના ફફડાટ વચ્ચે આજે લંડન ખાતે લંડન ખાતે સત્રના આરંભમાં ભાવઘટાડાનો દોર જળવાઈ રહેતાં ભાવ બે મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે વ્યાજદરમાં વધારાની ભીતિ હેઠળ સોનામાં ફેબ્રુઆરીમાં માસિક ધોરણે ૨૦ મહિનાનો સૌથી મોટો ભાવઘટાડો નોંધાય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. વૈશ્વિક ભાવમાં તે જ પ્રમાણે ચાંદીમાં પણ ઑલ ફૉલ ડાઉનનું વલણ જળવાઈ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૭૩ ગબડ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં છૂટીછવાઈ પ્રવર્તમાન લગ્નસરાની માગને ટેકે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ત્રણનો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ વધુ કિલોદીઠ રૂ. ૩૭૩ના ઘટાડા સાથે રૂ. ૬૩,૦૭૩ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોનો નવી ખરીદીનો અભાવ રહ્યો હતો અને માત્ર રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની છૂટીછવાઈ માગને ટેકે હાજરમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ત્રણના સાધારણ સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૫,૪૪૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૫,૬૬૯ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મક્કમ વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા અને હાજરમાં ભાવ ગઈકાલના બંધથી વધુ ૦.૩ ટકાના ઘટાડા સાથે ૧૮૧૧.૭૪ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા ઘટીને ૧૮૧૭.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ મહિનામાં સોનામાં એકતરફી ભાવઘટાડાનું વલણ રહેતાં ફેબ્રુઆરીમાં માસિક ધોરણે સોનાના ભાવમાં જૂન ૨૦૨૧ પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. તેમ જ આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી વધુ ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦.૫૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ તેની આગામી ૨૧-૨૨ માર્ચની નીતિવિષયક બેઠકમાં કેટલી માત્રામાં વ્યાજદર વધારશે એ અંગે બજારમાં અવઢવ પ્રવર્તી રહી હોવાનું ઓસીબીસી એફએક્સનાં સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે જો ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવામાં હળવો અભિગમ અપનાવે તો જ સોનામાં સુધારાની શક્યતા છે.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આજે સમાપન થઈ રહેલા ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં માસિક ધોરણે છ ટકા જેટલો ઘટાડો આવી ગયો છે.
ચાંદી વધુ રૂ. ૩૭૩ ગબડી, સોનામાં રૂ. ત્રણનો મામૂલી સુધારો
RELATED ARTICLES