સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ચાંદીમાં ₹ ૮૪૭નો ઘટાડો, સોનામાં ₹ ૧૭નો સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકા-ચીન વચ્ચેના રાજકીય-ભૌગોલિક તણાવને કારણે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મુખ્યત્વે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૫૯૫નો ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ રહ્યો હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૬૮ પૈસા ગબડી ગયો હોવાથી આયાત પડતરમાં વધારો થવાને કારણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. ૧૭નો સુધારો આવ્યો હતો.
આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૯૫ના ઘટાડા સાથે રૂ. ૫૭,૩૦૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી હોવા છતાં ડૉલર સામે રૂપિયો ગબડતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૧,૩૬૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૧,૫૬૬ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ૦.૮ ટકાનો ઉછાળો આવ્યા બાદ આજે સાધારણ નરમાઈતરફી વલણ રહ્યું હતું. તેમ છતાં અમેરિકા-ચીન વચ્ચેના તણાવ ઉપરાંત વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતાને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું અને હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૭૬૧.૩૩ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા ઘટીને ૧૭૭૮.૬૦ ડૉલર આસપાસ કવૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯.૮૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વૈશ્ર્વિક સોનું ગઈકાલે ઔંસદીઠ ૧૭૮૫થી ૧૭૯૦ ડૉલરની પ્રતિકારક સપાટીએથી પાછું ફર્યું હતું. તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વના નીતિઘડવૈયાઓએ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવાનો અણસાર આપતા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ વધારો થવાથી સોનામાં પીછેહઠ જોવા મળી હોવાનું ડેઈલી એફએક્સનાં સ્ટ્રેટેજિસ્ટ લ્યા સ્પિવિકે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે વિશ્ર્વના સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ ગત સોમવારની સરખામણીમાં ૦.૩ ટકા ઘટીને ૧૦૦૨.૯૭ ટનની સપાટીએ રહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.