ચાંદીમાં ₹ ૫૭૨નો અને સોનામાં ₹ ૧૫૧નો ઘટાડો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારમાં બુલિયન માર્કેટમાં નરમાઇનો માહોલ રહેતા સ્થાનિક બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને સોનાચાંદી બંને કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઔંશદીઠ ૧૭૨૭ ડોલરની નીચી સપાટીએ ક્વોટ થઇ રહ્યૂં હતું, જ્યારે સિલ્વરના ભાવ નિરસ માગ વચ્ચે ૧૮.૬૪ ડોલર પ્રતિ ઔંશની આસપાસ અથડાઇ રહ્યા હતા.
સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચ સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૫૦૯૧૧ના પાછલા બંધ સામે ૫૦,૮૨૨ની નીચી સપાટીએ ખૂલીને અંતે રૂ. ૧૫૧ના ઘટાડા સાથે રૂ. ૫૦,૭૬૦ના સ્તરે, જ્યારે ૯૯૫ ટચના સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૦૭૦૭ સામે ઘટીને રૂ. ૫૦૬૧૯ પ્રતિ દસ ગ્રામ બોલાઇને અંતે રૂ. ૧૫૦ના ઘટાડે રૂ. ૫૦,૫૫૭ની સપાટીએ સ્થિર થયું હતું.
એ જ રીતે, .૯૯૯ ટચની હાજર ચાંદીના ભાવ એક કિલોદીઠ રૂ. ૫૪૭૨૭ના પાછલા બંધ સામે રૂ. ૫૪,૧૦૬ પ્રતિ કિલોની નીચી સપાટીએ ખૂલીને અંતે રૂ. ૫૭૨ના ઘટાડા સાથે રૂ. ૫૪,૧૫૫ના સ્તરે સ્થિર થયા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મળનારી મિટિંગમાં વ્યાજ દર વધશે એવી ગણતરી વચ્ચે વૈશ્ર્વિક બજારમાં સોનાના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. પ્લેટીનમના ભાવ ૮૮૬થી ૮૮૭ ડોલર જેવા બોલાયા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૨૦૨૫થી ૨૦૨૬ ડોલર રહ્યા હતા. વૈશ્ર્વિક કોપરના ભાવમાં તેજી જોવા મળી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.