(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલના વ્યાજદર વધારાના ફફડાટ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભમાં ભાવઘટાડાનો દોર જળવાઈ રહેતાં ભાવ બે મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે વ્યાજદરમાં વધારાની ભીતિ હેઠળ સોનામાં ફેબ્રુઆરીમાં માસિક ધોરણે ૨૦ મહિનાનો સૌથી મોટો ભાવઘટાડો નોંધાય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. તે જ પ્રમાણે વૈશ્ર્વિક ચાંદીમાં પણ ઑલ ફૉલ ડાઉનનું વલણ જળવાઈ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૩૯ ગબડ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૬થી ૧૧૭ ઘટી આવ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૨૧ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ વધુ કિલોદીઠ રૂ. ૪૩૯ના ઘટાડા સાથે રૂ. ૬૩,૦૦૭ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોનો નવી ખરીદીનો અભાવ રહ્યો હતો અને માત્ર રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની છૂટીછવાઈ માગને ટેકે હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૫ના ઘટાડા સાથે રૂ. ૫૫,૩૨૮ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૧૬ના ઘટાડા સાથે રૂ. ૫૫,૫૫૦ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મક્કમ વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા અને હાજરમાં ભાવ ગઈકાલના બંધથી વધુ ૦.૪ ટકાના ઘટાડા સાથે ૧૮૦૯.૯૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા ઘટીને ૧૮૧૬.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ મહિનામાં સોનામાં એકતરફી ભાવઘટાડાનું વલણ રહેતાં ફેબ્રુઆરીમાં માસિક ધોરણે સોનાના ભાવમાં જૂન ૨૦૨૧ પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. તેમ જ આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી વધુ ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦.૫૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ફેબ્રુઆરીમાં ચાંદીના ભાવમાં માસિક ધોરણે સપ્ટેમ્બર, ૨૦૨૦ પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
ચાંદી વધુ ₹ ૪૩૯ ગબડી, સોનામાં ₹ ૧૧૬નો ઘટાડો
RELATED ARTICLES