મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલરમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનામાં સુધારો અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક અહેવાલોને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૨૯ના ઘટાડા સાથે રૂ. ૬૬,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા, જ્યારે સોનામાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં વિશ્ર્વ બજારથી વિપરીત ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨નો ઘસરકો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાને કારણે સોનામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.
આજે મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને વપરાશકાર ઉદ્યોગ તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૨૯ના ઘટાડા સાથે રૂ. ૬૬,૩૭૧ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની પણ માગ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૭૯૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૦૧૮ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૧૮૬૧.૯૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર એક તબક્કે ભાવ ઘટીને જાન્યુઆરીના આરંભ પછીની સૌથી નીચી સપાટી સુધી પહોંચ્યા હતા. વધુમાં આજે સોનાના વાયદામાં પણ ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ૧૮૭૦.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૮૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે રોકાણકારોની નજર આજે જાહેર થનારા અમેરિકાના જાન્યુઆરી મહિનાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે જો ફુગાવામાં ઘટાડાતરફી વલણ જોવા મળશે તો ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવામાં આક્રમક અભિગમ નહીં અપનાવે એવા આશાવાદે ડૉલર નબળો પડતાં સોનામાં સુધારાતરફી વલણ જોવા મળી શકે છે.