વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીમાં ₹ ૮૯૧નું બાઉન્સબૅક, સોનું ₹ ૧૮૬ વધ્યું

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી ૧.૧ ટકા જેટલો ઉછાળો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક સોના-ચાંદી બજારમાં પણ ખાસ કરીને ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૮૯૧નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જ્યારે સોનામાં રૂ. ૧૮૬નો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો આવ્યો હોવાને કારણે સોનાની આયાત પડતર ઘટતાં વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ખાસ સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી નીકળતાં હાજરમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૬ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૫૬૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૭૭૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૯૧ ઉછળીને રૂ. ૫૩,૩૬૩ના મથાળે રહ્યા હતા. દરમિયાન ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવતાં બેરોજગારીનો દર ઘટીને ૩.૭ ટકા આસપાસ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ૧.૩ ટકાનો ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વધુ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૭૧૩.૭૪ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૧૭૨૪.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૮.૨૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી આગામી ૨૦-૨૧ સપ્ટેમ્બરના રોજ યોજાનારી નીતિવિષયક બેઠકમાં વધુમાં વધુ ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લેતાં રોકાણકારો સોનામાં નવી લેવાલીથી દૂર રહેતા હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.