મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની લેવાલીને ટેકે ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે બન્ને કીંમતી ધાતુઓમાં ઊંચા મથાળેથી માગ રૂંધાઈ જતા ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૫૪૯નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ રૂ. ૬૮,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. વધુમાં સોનામાં પણ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૫ ઘટી આવ્યા હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ હોવાથી સોનામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. આજે મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૫૪૯ના કડાકા સાથે રૂ. ૬૮,૦૦૦ની સપાટીની અંદર ઊતરીને રૂ. ૬૭,૪૪૪ના મથાળે રહ્યા હતા. વધુમાં સોનામાં પણ વિશ્ર્વ બજારથી વિપરીત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૫ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૪૪૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૬૭૦ના મથાળે રહ્યા હતા. ગત બુધવારે અમુક ફેડના અધિકારીઓએ વધુ વ્યાજદર વધારાના સંકેત આપ્યા હતા, જ્યારે ફિલાડેલ્ફિયા ફેડના પ્રમુખ પેટ્રિક હાર્કરે અને ડલાસ ફેડર પ્રેસિડેન્ટ લૉરિ લોગાને ધીમી ગતિએ વ્યાજદરમાં વધારાને ટેકો આપ્યો હતો. આમ એકંદરે ફેડરલ વ્યાજદરમાં ધીમી ગતિએ વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૯૧૦.૪૪ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા વધીને ૧૯૧૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૪૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી પહેલી ફેબ્રુઆરીના રોજ સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવે તેવી શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.