Homeઈન્ટરવલનંદવંશના પરાક્રમ સાંભળીને સિકંદર અટકી ગયેલો

નંદવંશના પરાક્રમ સાંભળીને સિકંદર અટકી ગયેલો

મગધ: ભારતને એક છત્ર હેઠળ લાવ્યું હતું

ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી

મહાન ભારત દેશની આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થયા, ત્યારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશની એક સમયે આગવી રાજનીતિના આટાપાટાનું કેન્દ્ર રહેલી રાજધાની મગધને જાણવાથી ભારતને સમજવું વધુ આસાન થઈ શકે.
બે વર્ષ પહેલાં આ જ અરસામાં પટણા હતો, કેટલાક અભ્યાસુ મિત્રો પાસેથી મગધ રાજ્ય તથા પાટલીપુત્રનો ઇતિહાસ સમજવાની કોશિશ કરી. જે સમજાયું અને અભ્યાસ કર્યો એને આપણી ભાષામાં લખવાનો પ્રયાસ કર્યો. આપણે ઇતિહાસ નહીં જાણીએ તો કોણ આપણી ગાથા ગાશે?
મગધના રાજ્ય વિશે વાત આવે એટલે ચાણક્યના જે આવડે એ ક્વોટ, ચંદ્રગુપ્ત અને અશોક સાથે મહદઅંશે કહાની ખતમ. આજ પછી ભારતની મહાન ગાથા આસાનીથી ખતમ ન કરતાં એટલી તો મહેનત કરી છે.
બનારસના રાજવંશી શિશુનાગે રાજગૃહ નામના નગરને કેપિટલ બનાવીને મગધ રાજ્ય શરૂ કર્યું, શિશુનાગનો વારસદાર એટલે બૌદ્ધ કથાઓનો એક નાયક એવો બિંબિસાર. બિંબિસારનો પુત્ર અજાતશત્રુએ કૌશલ રાજ્યને હરાવ્યું અને મગધ પહેલીવાર નજરમાં આવ્યું… અજાતશત્રુનો પુત્ર એટલે દર્શક. દર્શકના કેરેક્ટર પરથી વિદ્વાન ભાષે સ્વપ્નવાસવદત્તા નાટક લખેલું. દર્શકનો પુત્ર ઉદય, આ ઉદયભાઇએ પાટલીપુત્ર મિન્સ પટણાની સ્થાપના કરેલી. શિશુનાગ વંશે લગભગ બસો વર્ષ રાજ્ય કર્યું, મગધને ઠીકઠીક સમૃદ્ધ બનાવ્યું. ભારત પર પહેલીવાર ઇરાનના દરાયસે આ વંશના શાસન સમયે હુમલો કરી પંજાબ સુધી સત્તા સ્થાપી હતી. દરાયસના પુત્ર ઝર્કસીસે ગ્રીસ સાથે યુદ્ધ કર્યું, ત્યારે તેનો સાથ આપવા ભારતના સેનાનીઓ ગયા હતાં. શિશુનાગ વંશનો છેલ્લો રાજા એટલે મહાનન્દિન…
હજી તો શરૂઆત છે, નામો ગોખતા જ રહેજો. પેલા મહાનન્દિને અન્ય સમાજમાં લગ્ન કરેલા, એનો પુત્ર એટલે મહાપદ્મનંદ… યસ… પેલા નંદવંશની અહીંથી શરૂઆત થઈ, કોઈ ક્ધફ્યુઝન? નંદ વંશને ચાણક્યને કારણે વિલન બનાવી દેવામાં આવ્યા હતા, પણ નંદ વંશમાં બહાદુર નવ રાજાઓએ લગભગ બસો વર્ષ રાજ્ય કર્યું. શું સમજ્યા? એ યુગમાં જ્ઞાતિવાદ મજબૂત ન હતો. સહુનો આદર હતો.
આ નંદોના સમયે સિકંદર ભારત જીતવા આવેલો પણ પરાક્રમી નંદોની વાત સાંભળી પોરસ યુદ્ધ પછી અટકીને પરત વળેલો અને ઈરાનમાં મૃત્યુ પામેલો, એ ય ખાલી હાથ… ખાલી હાથની ઘણી કથાઓ ભારતીય ધર્મ આધારિત સાંભળવા મળે છે.
નંદ રાજાઓના પરાક્રમ જાણ્યા પછી હીરો વિલનની કેટેગરી તમારે નક્કી કરવી, બાકી વોટ્સએપ યુનિવર્સિટીની જય હો…
નંદ વંશને હટાવી ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય મગધની સત્તા પર આવ્યો. આશરે ત્રેવીસસો વર્ષ પહેલાં આ વાત વિગતે સમજવી હોય તો સમય કાઢીને મુદ્રારાક્ષસ નાટકનો અભ્યાસ કરવો… ઓકે?
ચંદ્રગુપ્ત મૌર્યના સમયે ચાણક્યની અર્થનીતિ લાગુ પડતા મગધ રાજ્ય સમૃદ્ધ થવા લાગ્યું. મગધ રાજયની સરહદો વધવા લાગી અને ગંગાકિનારા પરથી સામ્રાજ્ય છેક સિંધુકિનારા પર પહોંચ્યું. ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારના શાસન દરમિયાન સિંધુ નદી પસાર કરીને અફઘાનિસ્તાન થઇને છેક ઇરાનની સરહદો સુધી પહોંચ્યું.
વિદેશી સત્તાઓને હજારો વર્ષથી ભારતનું આકર્ષણ છે, સિકંદરના સેનાપતિ સેલ્યુકસને ચંદ્રગુપ્તની પ્રગતિ પસંદ ન હતી. સેલ્યુકસ સાથે યુદ્ધ થયું અને યુદ્ધમાં હારીને સેલ્યુકસે પંજાબ અફઘાનિસ્તાન જેવા વિસ્તાર ચંદ્રગુપ્તને આપ્યા અને પોતાની પુત્રી સાથે લગ્ન કરાવીને રાજકીય સંબંધ બાંધ્યા. ચંદ્રગુપ્ત સસરાને પાંચસો સાતસો હાથીઓ આપી ખુશ કર્યા, જમાઇઓ કંઈક શીખો…
બિંદુસાર પુત્ર સમ્રાટ અશોક માટે એવું માનવામાં આવે છે કે પોતાના અઠ્ઠાણું નવ્વાણું ભાઇઓની હત્યા કરીને ક્રૂરતાપૂર્વક સત્તા પર આવ્યો. ઇતિહાસકારો આ વાતમાં એટલું તથ્ય માનતા નથી. દરેકના અલગ અલગ મત છે. જગજાહેર કલિંગની લડાઈ અને અશોક બદલાયો. સત્તાના નિયમો બદલી નાખ્યા, માત્ર પ્રજાના વિકાસ પર અને શાંતિ થકી સમૃદ્ધિ માટે બૌદ્ધ ધર્મને વિશ્ર્વ સમક્ષ મૂક્યો.
અશોક પાસે શું શીખ્યા? પોતાના દાદાના સત્તા મેળવવા અને ટકાવવાના ચાણક્યના ઘણા નિયમો દૂર કરી પ્રજા માટે પોતાના વારસદારોનો ભોગ આપ્યો. અનેક રાજાઓએ મગધનું આધિપત્ય છોડ્યું પણ કોઇને પરેશાન ન કર્યા. ચીન, શ્રીલંકા, મલેશિયા કે છેક જાપાન સુધી બૌદ્ધ ધર્મ વગર તલવારે ફેલાવી દીધો…
અશોક પછી? બાવીસસો વર્ષ પહેલાં મૌર્ય વંશના પચાસ વર્ષના શાસનમાં સાત આઠ રાજાઓ આવ્યા. ધીમે ધીમે મૌર્ય શાસકો સત્તા પરથી કાબૂ ગુમાવવા લાગ્યા હતાં. છેલ્લો મૌર્ય રાજવી બૃહદ્રથની હત્યા કરીને તેનો સેનાપતિ પુષ્પમિત્ર ગાદી પર આવીને શૃંગ વંશની સ્થાપના કરી. જે પેટર્નથી ચંદ્રગુપ્ત સત્તા પર આવ્યો લગભગ એ જ પેટર્નથી બૌદ્ધ વિરોધી પુષ્પમિત્ર રાજા બન્યો. ફરી મગધને પાવરફુલ કર્યું. રાજા પુષ્પમિત્રના જીવન પરથી માલવિકાગ્નિમિત્ર નાટક લખાયું હતું, જેની સત્તા એની વાહવાહી એ માનવસ્વભાવ છે.
શૃંગ વંશમાં દશ રાજાઓ થયા, ફરી એ જ કહાની… દશમા શૃંગ દેવભૂમિને કણ્વવંશના મંત્રી વસુદેવે ખતમ કરી પોતાની સત્તા બનાવી. કણ્વવંશના ચાર રાજાઓ આવ્યા, પણ જામ્યા નહીં. મગધની સત્તાનો લગભગ બે હજાર વર્ષ પહેલાં અંત થયો. મગધનું શક્તિશાળી શાસન ખતમ થયું…
એમ થોડું ખતમ થવા દેવાય? ચાલો આપણે ભેગા મળીને પાછું બેઠું કરીએ…
ત્રણસો વર્ષ પછી શ્રીગુપ્ત અને ઘટોત્કચ નાનકડા ગરીબડા મગધ પર રાજ્ય કરતાં, ઘટોત્કચનો પુત્ર, યસ અગેઇન ચંદ્રગુપ્ત સત્તા પર આવ્યો અને ગુપ્તવંશની સ્થાપના કરી. ચંદ્રગુપ્ત લિચ્છવી ક્ધયા જાજરમાન એવી કુમારદેવી સાથે લગ્ન કર્યાં.
કુમારદેવીનો પતિ ચંદ્રગુપ્ત અને પુત્ર સમુદ્રગુપ્ત. બંને પરાક્રમી… ફરી મગધની સરહદો દૂર સુધી વિકસી. સમુદ્રગુપ્તને ત્યાં અશોક ન હતો પણ ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવ્યો… એ પણ પરાક્રમી… ગુપ્ત સામ્રાજ્યમાં વૈદિક ધર્મ સાથે સ્થાપત્યો અને કલાનો શાનદાર વિકાસ થયો. આ ગુપ્તવંશમાં કુમારગુપ્ત આવ્યો, જેની યશગાથા લોકગીતોમાં લખાતી હતી. કુમારગુપ્ત પછી ચોથી સદીમાં પરાક્રમી સ્કંદગુપ્ત ગાદી પર આવ્યો.
યુદ્ધોમાં ખુવાર થઈ ધીમે ધીમે ગુપ્તવંશની પડતી થવા લાગી હતી… સ્કંદગુપ્ત પછી નરસિંહ ગુપ્ત પછી બુદ્ધ ગુપ્ત સત્તા પર આવ્યા પણ જામ્યા નહીં. આમ
છતાં બસો વર્ષના ગુપ્ત સમયને ભારતનો સુવર્ણયુગ કહી શકાય….
મગધે ભારતની ઓળખ સમગ્ર વિશ્ર્વને સાહિત્ય, સ્થાપત્ય અને સમૃદ્ધિ સાથે કરાવી…વિવિધ કોઇન્સ આપ્યા. શીલાલેખ, પુસ્તકો, નાટકો, કલા અને અદ્ભુત મંદિરો સુધી ઓળખ આપી. મગધે શાનદાર ઇતિહાસ સાથે અસંખ્ય પરાક્રમી રાજાઓ અને યોદ્ધાઓ આપ્યા. આઝાદીના પંચોતેરમા વર્ષ પર ભારતના ગૌરવશાળી ઇતિહાસ ધરોહરને નમન…
ધી એન્ડ : ભારતીય ઉપખંડમાં મુઘલોને એક સમસ્યા હતી, તેમના અધિકારીઓ અને મહત્ત્વના હોદ્દેદારો સાચું બોલે છે ખોટું એ પારખી શક્તા ન હતાં, કદાચ બોડી લેંગ્વેજ જાણતા ન હતાં. મુઘલ પરિવાર સહિત બધા અસત્ય બોલવામાં હોંશિયાર હતાં. તે સમયના શાસકો જૂઠથી કંટાળ્યા હતાં, ભારતીય ઉપખંડની એક વિશેષતા શાસકોને ખબર હતી કે પ્રજા ધર્મથી ડરતી હતી. ભારતમાં ગંગાજળનું પૌરાણિક મહત્વ જેવી વાતો શાસકોના ધ્યાનમાં આવી. ગંગા કી સૌગંધ પરથી ધર્મગ્રંથોનો સત્ય બોલાવવામાં ઉપયોગ શરૂ થયો. હિન્દુઓ માટે ભગવદ્ ગીતાના નામે સોગંદ લેવાની શરૂઆત થઈ, મુસ્લિમો માટે કુરાન અને શીખો માટે ગ્રંથસાહેબનો ઉપયોગ શરૂ થયો.
સમય જતાં ભારતમાં શાસન બદલાયું, અંગ્રેજો આવ્યા. અંગ્રેજોએ વર્ષ ૧૮૭૩માં ધાર્મિક પુસ્તકોના નામે સોગંદ લેવાનું કાયદેસર કરી દીધું. અદાલતમાં હિન્દુ માટે ભગવદ્ ગીતા, મુસ્લિમ માટે કુરાન તથા ખ્રિસ્તી માટે બાઇબલના નામે શપથ લેવાતા. અંગ્રેજો માટે ધર્મગ્રંથોનો ઉપયોગ સફળ પ્રયોગ બની ગયો. સરેરાશ ભારતીય ધર્મગ્રંથો સાથે મહદ્અંશે સત્ય બોલતો હતો, આઝાદી પછી આ પદ્ધતિ બંધ થઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular