લાંબા ઇંતજાર બાદ ગત 9મી તારીખે મહારાષ્ટ્રમાં નવી રચાયેલી સરકારના(Maharstra Government) કેબીનેટનું વિસ્તરણની જાહેરાત થઇ હતી. કેબીનેટમાં(Cabinet) સીએમ એકનાથ શિંદે(Eknath Shinde) અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadanvis) ઉપરાંત 18 વિધાનસભ્યોને પ્રધાનપદ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજકીય ગલીયારમાં પ્રધાનપદ ન મળવાને કારણે શિંદે જૂથના વિધાનસભ્યો નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે વિધાનસભ્યો ખુલીને સામે આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ઔરંગાબાદ વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા સંજય શિરસાટએ(Sanjay Sirsat) ઉદ્ધવ ઠાકરેના વખાણ કરતી ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી.
ટ્વિટમાં શિરસાટે ઉદ્ધવ ઠાકરેને “મહારાષ્ટ્ર પરિવારના વડા” ગણાવ્યા હતા. જો કે ટ્વીટ કર્યાના 10 મિનિટ પછી ડીલીટ કરી દીધું હતુ અને સ્પષ્ટતા કરતા આ ટ્વીટને ટેક્નિકલ ખામી ગણાવી હતી. તેમણે એવું પણ કહ્યું કે શિંદે ગ્રુપમાં અમે બધા ખૂબ ખુશ છીએ.
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પશ્ચિમના વિધાન સભ્ય સંજય શિરસાટએ ઉદ્ધવ ઠાકરે સામે બળવાખોર વલણ બતાવીને એકનાથ શિંદેને સમર્થન આપ્યું હતું. શરૂઆતથી જ શિંદે કેમ્પમાં સામેલ હોવાને કારણે તેમને કેબિનેટમાં સામેલ કરવાની ચર્ચા હતી. પ્રધાન પદ ન મળવા અંગે તેમણે કહ્યું કે મારી નારાજગી સ્વાભાવિક છે. હું 38 વર્ષથી રાજકારણમાં છું અને મને પ્રધાન પદ મળવું જોઈતું હતું. જોકે તે ટ્વીટ ટેકનિકલ કારણોસર થયું છે. હું ક્યાંય જવાનો નથી. હું જે કહું તે સીધું બોલું છું.
મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ બાદ શિંદે જુથમાં વિવાદ વધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિભાગના વિભાજનને લઈને એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે પણ ખેંચતાણ ચાલી રહી છે. કેબીનેટમાં કોઈપણ મહિલાને સામેલ ન કરવાને લઈને પણ સૌથી વધુ ટીકા થઈ રહી છે. બીજેપી નેતા પંકજા મુંડેએ ગુરુવારે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે કદાચ તેની પાસે પૂરતી લાયકાત નથી.

Google search engine