મુંબઈ: પશ્ચિમ રેલવેના અંધેરી સ્ટેશન નજીક પોઈન્ટ ફેઈલ્યોરને કારણે મંગળવારે ટ્રેનસેવા ખોટકાયા બાદ બુધવારે બપોરના વાશિંદ રેલવે સ્ટેશન નજીક સિગ્નલ ફેઈલ્યોરને કારણે મધ્ય રેલવેના કલ્યાણ-કસારા સેક્શનમાં એક કલાક સુધી લોકલ ટ્રેનસેવાને અસર થઈ હતી, પરિણામે લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી હતી.
બુધવારે બપોરના ૧૨.૫૦ વાગ્યાના સુમારે વાશિંદ રેલવે સ્ટેશન નજીક સિગ્નલ યંત્રણામાં ખામી સર્જાઈ હતી, પરિણામે કલ્યાણથી કસારા જનારી લોકલ ટ્રેનો મોડી પડી હતી. આ મુદ્દે મધ્ય રેલવેના અધિકારી કહ્યું કે બુધવારે બપોરના ૧૨.૫૦ વાગ્યાના સુમારે વાશિંદ રેલવે સ્ટેશન નજીક અપ એન્ડ ડાઉન લાઈનમાં સિગ્નલમાં ખામી સર્જાઈ હતી. મેજર સિગ્નલ ફેઈલ્યોરને કારણે ટ્રેનસેવા પર કલાક સુધી અસર રહી હતી. બપોરના ૧.૪૦ વાગ્યાના સુમારે ટ્રેનસેવા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી. કલ્યાણથી કસારા વચ્ચે બન્ચિંગને કારણે મોડી સાંજ સુધી ટ્રેનસેવા પર અસર રહી હતી. લગભગ પંદરેક સર્વિસીસ અડધો કલાકથી વધુ મોડી દોડતી રહી હતી, એમ તેમણે જણાવ્યું હતું. દરમિયાન પશ્ચિમ રેલવેમાં પણ વિરારથી ચર્ચગેટ વચ્ચેની લોકલ ટ્રેનો પણ નોન-પીક અવર્સમાં પણ પંદરથી વીસ મિનિટ મોડી દોડવાને કારણે લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવામાં પ્રવાસીઓને હાલાકી વધી રહી હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું.