સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ: ગેંગસ્ટર અને આતંકવાદી કનેક્શનનો મામલે NIAના 60 સ્થળોએ દરોડા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પંજાબમાં સિંગર સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસની તપાસમાં આજે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ઉત્તર ભારતમાં 60 સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAની આલગ અલગ ટુકડીઓ દિલ્હી, NCR, હરિયાણા અને પંજાબમાં અનેક સ્થળોએ તપાસ કરી રહી છે. કુખ્યાત ગેંગસ્ટર શોધવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે. NIA પાસે એવા ઇનપુટ્સ છે કે સિદ્ધુ મૂઝવાલાની હત્યાના કનેક્શન આતંકવાદીઓ જૂથ સાથે જોડાયેલા છે.
NIAએ આ કેસમાં નીરજ બવાના, લોરેન્સ બિશ્નોઈ અને તાજપુરિયા ગેંગ સાથે જોડાયેલા લોકોની યાદી તૈયાર કરી છે. એજન્સીનું કહેવું છે કે કેટલાક ગુંડાઓ જેલમાંથી ક્રાઈમ ઓપરેટ કરી રહ્યા છે. પંજાબમાં ગેંગસ્ટરોના 25 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમાંથી ફાઝિલ્કાના દુત્રાંવલી ગામમાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ઘરે, મુક્તસરમાં ગોલ્ડી બ્રારના ઘરે દરોડા ચાલી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયને શંકા છે કે આ ગેંગસ્ટરના આતંકવાદીઓ સાથે સંબંધ છે. પાકિસ્તાન તરફથી તેમને સરહદ પારથી હથિયારો આપવામાં આવી રહ્યા છે. મુસેવાલાની હત્યામાં પણ પાકિસ્તાનથી હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યોની આશંકા છે. આ સિવાય એવી પણ આશંકા છે કે આતંકવાદીઓના ઈશારે તેઓ દેશમાં વાતાવરણ બગાડી શકે છે અને ભારતમાં ટાર્ગેટ કિલિંગ કરી શકે છે. સરકારે આ સંગઠનોને આતંકવાદીઓની યાદીમાં મૂક્યા છે.
પોલીસે ફાઈલ કરેલી પ્રથમ એફઆઈઆરમાં લોરેન્સ ગેંગના ગુંડાઓના નામ હતા. જેમાં ગેંગ ચીફ લોરેન્સ, ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર, બિક્રમ બ્રાર, કાલા જેથેડી, જસદીપ સિંહ ઉર્ફે જગ્ગુ ભગવાનપુરિયા, સચિન થપન, લોરેન્સનો ભાઈ અનમોલ અને લખબીર સિંહ સામેલ છે. આ ગેંગ જેલ ઉપરાંત કેનેડા, દુબઈ અને પાકિસ્તાનથી પણ કામકાજ ચલાવી રહી છે.
મુસેવાલાની 29 મેના રોજ માણસાના જવાહરકે ગામમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે માણસા કોર્ટમાં 24 હત્યારાઓ સામે ચાર્જશીટ રજૂ કરી છે. તેમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા શૂટર્સ મન્નુ અને રૂપાની વિગતો પણ છે. તેમાં વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર્સમાં ગોલ્ડી બ્રાર અને લિપિન નેહરાનો સમાવેશ થાય છે. આ ચાર્જશીટમાં 166 સાક્ષીઓ બનાવવામાં આવ્યા છે. મુંડીની ધરપકડ બાદ પોલીસ ટૂંક સમયમાં પૂરક ચાર્જશીટ દાખલ કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.