પંજાબમાં પ્રસિદ્ધ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ (Sidhu moose wala Murder Case) સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પંજાબમાં ગેંગસ્ટર રૂપા અને મન્નુ કુસાને પોલીસે અમૃતસરના અટારી બોર્ડરના એક ગામમાં ઘેરી લીધા હતાં અને કહેવામાં આવી રહ્યું છે કે આ ગેંગ્સટર્સ પાકિસ્તાન ભાગવાની તૈયારી કરી રહ્યા હતાં. 300 પોલીસની ફોર્સે હાલમાં આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને ચારથી પાંચ કલાક સુધી ચાલી રહેલું એન્કાઉન્ટર હવે ખતમ થઈ ગયું છે. અટારીના વિધાનસભ્ય જસવિંદર રામદાસે દાવો કર્યો છે કે આ એન્કાઉન્ટરમાં ચાર બદમાશ ઠાર થયા છે. તેઓ અમૃતસરના હોશિયાર નગર ગામની જૂની હવેલીમાં છુપાયા હતાં.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર મૂસેવાલા મર્ડર કેસના આરોપીઓ અટારી બોર્ડરથી પાકિસ્તાન ભાગવાની કોશિશ કરી રહ્યા હતાં. ઘટનાસ્થળે છથી સાત બદમાશો હાજર હોવાની માહિતી પોલીસને મળી હતી. આ એન્કાઉન્ટરમાં ચાર ગેંગ્સટર્સને મારી નાંખવામાં આવ્યા છે, તેમાં મૂસેવાલા હત્યાકાંડના આરોપીનો પણ સમાવેશ થાય છે. દરમિયાન ત્રણ પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી છે અને બે સ્થાનિક પણ ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા હતાં.
જુલાઈની શરૂઆતમાં દિલ્હી પોલીસે ખુલાસો કર્યો હતો કે સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય ષડયંત્રકારીમાંથી એક બદમાશ ઘટનાના એક મહિના પહેલા દેશ છોડીને ભાગી ગયો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સચિન બિશ્નોઈ હત્યા કેસના કાવતરાખોરોમાંથી એક છે. તેણે કહ્યું કે સચિન અને બ્રારે પંજાબી ગાયકને મારવાની આખી યોજના બનાવી હતી. અધિકારીએ કહ્યું કે સચિન એપ્રિલમાં જ દેશ છોડી ગયો હતો. જ્યારે ગાયક મૂસેવાલાની 29 મેના રોજ પંજાબના મનસા જિલ્લામાં હત્યા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી જેમાં મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી.
#WATCH | Encounter ensuing between police & gangsters at Cheecha Bhakna village of Amritsar district in Punjab pic.twitter.com/7UA0gEL23z
— ANI (@ANI) July 20, 2022