તાજ જેવી સરસ મજાની હોટેલમાં જમવા જવાનું સપનું તો આપણામાંથી ઘણા બધા લોકો રાખતા હોય છે, પણ મેન્યુ કાર્ડની જમણી બાજુની કિંમતો તરફ ધ્યાન જતાં આ સપનું સપનું જ રહી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે જેમાં મુંબઈના એક કન્ટેન્ટ ક્રિયેટરે એવી હરકત કરી કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
સિદ્ધેશ લોકરે નામના આ છોકરાએ ફાઈવ સ્ટાર હોટેલમાં ડિનર કરીને ચિલ્લરમાં બિલ ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. સિદ્ધેશે આ અનુભવ સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો. વીડિયો શેયર કરીને સિદ્ધેશે લખ્યું હતું કે પેમેન્ટ ઈમ્પોર્ટન્ટ છે દોસ્ત… પછી તમે એ ડોલરમાં કરો કે ચિલ્લરમાં…
View this post on Instagram
વીડિયોની શરુઆતમાં જ સિદ્ધેશે કહ્યું હતું કે તેણે આજે તાજ મહેલ પેલેસ રેસ્ટોરાંમાં જવા માટે સૂટ પહેરીને તૈયાર થઈ ગયો છે. હોટેલ પહોંચ્યા બાદ તેઓ પિઝ્ઝા અને મોકટેલ ઓર્ડર કરે છે અને પછી બિલ માંગે છે. જ્યારે વેઈટર બિલ લઈને આવે છે ત્યારે તે પોતાના ખિસ્સામાંથી એક થેલી કાઢે છે અને સિક્કા ગણવાનું શરુ કરી દે છે. આ જોઈને આસપાસના લોકો ચોંકી ઉઠે છે. સિદ્ધેશ ચિલ્લર ગણીને બિલ ચૂકવે છે.
સિદ્ધેશ લોકરે વીડિયોના અંતમાં પોતાના ફોલોવર્સ માટે જીવનની એક મહત્ત્વની શીખ શેર કરે છે અને જણાવે છે કે આ આખી કવાયત કરવાનો સારો એટલો જ છે કે આજે આપણે જે પ્રકારની મર્યાદાઓ અને બંધનમાં ઘેરાયેલા છીએ કે એના આધારે જ આપણે લેયર્સ બનાવવાનું શરૂ કરી દીધું છે. સાદગીને અપનાવવાનું તેનો સ્વીકાર કરવાનું આપણે ભૂલી ગયા છીએ. તમે જે છો એના માટે તમે તમારી જાતને દિલથી સ્વીકારો. એ વાતની ચિંતા કરવાનું બંધ કરી દો કે લોકો તમારી પાસેથી શું અપેક્ષાઓ રાખી રહ્યા છે?
અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે સિદ્ધેશના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેના કન્ટેન્ટ ક્રિયેટરના વખાણ કરી રહ્યા છે. તો વળી કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે જગ્યા અને સમય જોઈને આવી હરકત કરવી જોઈએ…